Book Title: Shrimad Rajchandra Sachitra Jivan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 3
________________ પ્રસ્તાવના પરમકૃપાળુદેવના નિર્વાણ શતાબ્દી નિમિત્તે આ પુસ્તક પ્રગટ કરતાં આનંદ થાય છે. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ આ હુંડાઅવસર્પિણી કાળમાં સૂર્યરૂપે પ્રગટ થઈ વીતરાગ મૂળમાર્ગનો ચઉ દિશામાં પ્રકાશ ફેલાવી અસ્ત થયે આજે સો સો વર્ષના વહાણાં વહી ગયાં. સો વર્ષના અંતરાલમાં પરમકૃપાળુદેવના ભાવાનુસાર “સત્ય ધર્મનો ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે' એમ કહ્યું હતું તે પ્રમાણે આજે દેખાય છે. શ્રીમદ્ રાજચંદ્રના નામથી ચાલતા આશ્રમો, સંસ્થાઓ કે મંદિરો દેશ વિદેશમાં થઈને લગભગ ૬૦ અસ્તિત્વમાં આવી ગયા. હજારો મુમુક્ષુઓ પરમકૃપાળુદેવના આશ્રિત બની શાંતિ મેળવતા થયા. તેમની પ્રત્યક્ષ ગેરહાજરીમાં પણ તેમની વીતરાગ મુદ્રાને ચિત્રપટરૂપે કે પ્રતિમારૂપે સ્થાપિત કરી પ્રત્યક્ષ તુલ્ય માની તેમજ તેમના વચનામૃતોરૂપ અક્ષરદેહને પણ પ્રત્યક્ષ સમ માની આજે પણ ભવ્યાત્માઓ પોતાના આત્માનું કલ્યાણ સાધી રહ્યાં છે; એ પરમકૃપાળુદેવના યોગબળનો જ પ્રભાવ છે. ‘સપુરૂષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.' - શ્રીમદ્ રાજચંદ્ર પરમકૃપાળુદેવે આ કળિકાળમાં પણ પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરી અનંતી કરુણાવડે આત્માર્થી જીવોને મુક્તિનો માર્ગ સરળ ભાષાશૈલીમાં બતાવી આપણા ઉપર પરમોપકાર કર્યો છે અને ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાયનું અદ્ભુત માહાસ્ય દર્શાવી અનહદ કૃપા કરી છે. એવા પરમકૃપાળુ પરમાત્માના પવિત્ર જીવન પ્રસંગોને ચિત્ર સાથે દર્શાવતું આ પુસ્તક આત્માર્થી જીવોના હૃદયમાં પ્રભુ પ્રત્યે ભક્તિમાં વૃદ્ધિ કરશે. આ અદ્ભુત ભાવવાહી વાસ્તવિક પ્રસંગોને ચિત્રરૂપે મૂર્તિમંત કરવાનો એક નમ્ર પ્રયાસ છે. આ પુસ્તકમાં પરમકૃપાળુદેવના જન્મથી માંડીને ઠેઠ આત્મસ્વરૂપમાં લીન થવા સુધીના મુખ્ય મુખ્ય સર્વ બોધદાયક પ્રસંગોને વણી લેવામાં આવ્યા છે. પરમકૃપાળુદેવના આધ્યાત્મિક જીવનને ચિત્રો દ્વારા રજુ કરવા માટેનો આ પ્રયાસ શ્રી પારસભાઈ જૈનનો છે. આ શુભ પ્રયાસ સર્વ આત્માર્થી જીવોને પરમકૃપાળુદેવની શ્રદ્ધા દઢ કરવામાં સહાયભૂત થાય એવી એમની શુભ કામના છે તે સફળ થાઓ. આ ચિત્રો બનાવવામાં જે જે મુમુક્ષુ ભાઈ બહેનોએ આર્થિક મદદ કરી છે તે સર્વ ધન્યવાદને પાત્ર છે. આ ગ્રંથ પ્રકાશનમાં ઉદારચિત્તે મુમુક્ષુ ભાઈઓએ સહાય કરી છે એટલે મૂળ કિંમત કરતા ઘણા ઓછા ભાવે આ ગ્રંથ આપી શકાય છે એ માટે તે સર્વનો આભાર માનું છું. દાતાઓની યાદી અન્યત્ર આપવામાં આવી છે. લિ. સંતચરણરજ મનુભાઈ ભ. મોદી

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 174