________________
ત્યારબાદ જેઠ સુદ ૧૧ના શુભ દિવસે તેઓએ પ્રાપ્ત કરી વડી દીક્ષા. ગુરુભક્તિ, વૈયાવચ્ચ, સરળતા આદિ ગુણોને આત્મસાત્ કરવા દ્વારા મુક્તિ પંથના પથિક બન્યાં મુનિશ્રી, તેમના વૈયાવચ્ચ ગુણની તો શું વાત કરું, પ્રાય: ૮૨ વર્ષની જૈફ વયે પણ ગોચરી જવાનું જ પછી ભલેને શ્વાસ ચડે. પં.શ્રી સોહન વિજયજી મ.સા.ની ખૂબ સેવા કરી અંતે પોતાના ગુરૂદેવ શ્રી વિજય જિનચંદ્રસૂરિ મ.સા.ની પણ અપૂર્વ સેવા કરી, જીવનયાત્રાના અંતિમ દિને પણ નવકારશીની ગોચરી પણ પોતેજ લાવીને વપરાવી વળી પોતાનાથી નાના સહવર્તીઓની પણ એજ રીતે વેયાવચ્ચ કરતાં એ પ્રમાણે અત્યંત કર્મનિર્જરા કરવા દ્વારા બન્યા તેઓ સિદ્ધિના સાધક.
તેમની જ્ઞાનસાધના પણ અપૂર્વ હતી, મોટી ઉંમરે પણ સંયમગ્રહીને શ્રમણ ક્રિયાના સૂત્રો અને ૫૦ જેવી સક્ઝાયો વગેરે કરવા દ્વારા બન્યા જ્ઞાનના ઉપાસક.
વિ.સં. ૨૦૫રનું એ અંતિમ ચાતુર્માસ થયું ભાભર નગરની ભવ્ય ભૂમિ પર, તે ચાતુર્માસમાં ભાભર નગરને તીર્થ બનાવી જતો શતાબ્દી મહોત્સવ થયો અને તે મહોત્સવના સુવર્ણ વર્ષોથી અદ્ભૂત બનેલા છઠ્ઠા દિવસની રાત્રિએ સંથારા પોરસી ભણાવ્યાં બાદ ૧૧.૦૫ કલાકે હૃદય રોગના હુમલાથી સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યા અને બીજા દિવસે સવારે હજારોના માનવ મહેરામણ વચ્ચે બેન્ડ, ઢોલ, શરણાઈ વગેરે વિવિધ વાજીંત્રો સહિત પાલખી નીકળી અને સારા ચડાવાઓ સાથે અગ્નિસંસ્કાર થયો. એ રીતે તેમનું મૃત્યુ પણ બન્યું મહોત્સવ.
કોટી-કોટી વંદન તે મુનિવરને......
સક્ઝાય સરિતા