________________
વિમલવસહીની કેટલીક સમસ્યાઓ
આબુ પર્વત પર સ્થિત દેલવાડાગ્રામનાં પાંચ જિનમંદિરોમાં, લોકજીભે “વિમળશાનાં દેરાં” તરીકે પરિચિત ‘વિમલવસહી' અને “વસ્તુપાળ-તેજપાળનાં દેરાં”નામે ઓળખાતાં ‘લૂણવસહી’નાં જગવિખ્યાત આરસી મંદિરો, વિશેષ મહત્ત્વપૂર્ણ છે. મંત્રીશ્વર તેજપાળવિનિર્મિત ‘લૂણવસહી’ના કાળનો નિર્ણય તો તદ્ઘસતીના ‘બલાનક'(પ્રવેશ-મંડપ)માં રહેલ પ્રશસ્તિલેખ તેમ જ દેવકુલિકાઓના લેખો પરથી નિર્વિવાદ થઈ જાય છે : પણ ‘વિમલવસહી’ની રચના સમસ્યાપ્રદ છે. પ્રસ્તુત જિનાલયના દર્શને આવતો યાત્રી કે મુલાકાતી-પ્રવાસી-પૃથક્કન સારીયે સંરચનાને વિમલમંત્રીકર્તૃક હોવાનો ખ્યાલ ધરાવે છે. મંદિરના ભોમિયાઓ પણ વર્ષોથી તેવું જ સમજાવતા આવ્યા છે. પણ સાંપ્રતકાળે જોઈએ છીએ તે વિમલવસહીનાં બધાં જ અંગો વિમલમંત્રીના સમયનાં નથી. અગાઉ એનાં સમકાલીનતા અને એકકર્તૃત્વ વિશે કોઈ શંકા ઉઠાવાઈ નહોતી. એના કંડા૨મંડિત, આભૂષિત-શોભિત આરસી સ્તંભોનાં ઉપલક સમરૂપત્વ અને એકરંગત્વથી પ્રગટતી મરીચિકાના પ્રભાવ તળે, તેમ જ તેની આંતરસૃષ્ટિની પરમ શોભાની સંમોહિનીથી ભલભલા વિદ્વાનો પણ સંભ્રમમાં પડી સારીયે રચનાને વિમલમંત્રીના કાળની માનતા આવેલાર.
આજે તો અલબત્ત વિમલવસહિકાના પૃથક્ પૃથક્ ભાગો સમકાલીન ન હોવા અંગે કેવળ સંદેહ જ નહીં પણ પ્રતીતિ થવા જેટલી—આરંભિકથી વિશેષ કહી શકાય તેવી—પ્રગતિ થઈ ચૂકી છે. વિમલવસહીનો મહાન્ રંગમંડપ વિમલમંત્રીના સમયથી દોઢેક સદી બાદનો, એમના વરિષ્ઠ બંધુ નેઢના પ્રપૌત્ર મંત્રી પૃથ્વીપાલે કરાવ્યાની પૃથ્વીપાલના કુટુંબગુરુ વડગચ્છીય આચાર્ય હરિભદ્રસૂરિ રચિત અપભ્રંશ નેમિનાથરિઉની પ્રશસ્તિના આધારે પ્રથમ નોંધ દા. રસિકલાલ પરીખે લીધી હતી. પણ તે મહત્ત્વપૂર્ણ નોંધ તરફ દુર્ભાગ્યે કોઈનું લક્ષ ગયું હોય તેમ લાગતું નથી’. તે પછી બે’એક દાયકા બાદ દા. ઉમાકાંત શાહે એ જ મુદ્દા પર વિશેષ પ્રમાણો રજૂ કરી સૌનું ધ્યાન ખેંચવા પ્રયાસ કરેલો.
વિમલવસહીનાં સ્થાપત્યનાં ઝીણવટભર્યાં સર્વેક્ષણ-નિરીક્ષણ-પરીક્ષણ અર્થે સન્ ૧૯૫૭ અને ત્યાર બાદ સન્ ૧૯૬૧ તેમ જ ૧૯૬૨માં દેલવાડાની મારી મુલાકાતો દરમિયાન એ મંદિર અનુલક્ષી કેટલીક બીજી પણ સમસ્યાઓ નજરે ચડી. એના ફલરૂપે, સ્થાપત્યના સૂક્ષ્માવલોકનથી તારવાતા મુદ્દાઓનો પ્રાપ્ત અભિલેખો અને વાયનાં પ્રમાણો સાથે મેળ બેસાડી, તેનો યથાસંભવ ઉકેલ સૂચવવા પ્રયાસ કરતી તેમ જ દેલવાડાનાં સમસ્ત જિનમંદિરોનાં ઇતિહાસ અને કલા વિવેચતી એક પુસ્તિકા દેલવાડાનાં દેહરાં મેં ૧૯૬૩માં તૈયાર કરેલી.* * આ પુસ્તિકા હવે કલાધામ દેલવાડા શીર્ષક હેઠળ તાજેતરમાં પ્રકાશિત થઈ છે (અમદાવાદ ૧૯૯૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org