________________
વિષયમાં જે જે હેતુઓ(પ્રમાણ) જણાવ્યા; તે તે કુહેતુઓ(હેત્વાભાસો-દુષ્ટ હેતુઓ)નું સારી રીતે સ્યાદ્વાદસ્વરૂપ મુગરથી ખંડન કરનારા દયાવંત શ્વેતાંબર સાધુઓએ પરમાનંદ-મહોદયસ્વરૂપ મોક્ષની જે મીમાંસા કરી છે, તેનાથી અમે ઉત્કૃષ્ટ આનંદથી પુષ્ટ થયા છીએ.
અહીં એ સમજી લેવું જોઈએ કે, પરવાદીઓએ પોતાની માન્યતાને સિદ્ધ કરવા માટે જે અનુમાનોને પ્રમાણ તરીકે દર્શાવ્યા છે, તે બધાં પ્રમાણાભાસ છે. કારણ કે તેમાં હેત્વાભાસોનો પ્રયોગ કરાયેલો છે. તેનું ખંડન કરવાનું કાર્ય શ્વેતાંબર સાધુભગવંતોએ કર્યું છે. ખંડન કરતી વખતે પણ એ મહાત્માઓનો દયાનો પરિણામ નાશ પામતો નથી. અનેકાંતવાદનો પ્રેમ હોવાથી જગતના જીવોને આ સંસારથી પાર ઉતારવાની ભાવનાને લઈને શ્વેતાંબર સાધુભગવંતોએ મોક્ષના સ્વરૂપ અંગે ખૂબ જ પ્રામાણિકપણે વિચારણા કરી છે. અન્યદર્શનીઓની વાતમાં જેટલો પણ સત્યાંશ જણાય ત્યાં તેનું સમર્થન કરીને પોતાના હૈયાની નિર્મળતાનો પરિચય કરાવ્યો છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થની પ્રાપ્તિ વિના એવી દયાને પામવાનું કોઈ પણ રીતે શક્ય નથી. પરસિદ્ધાંતનું ખંડન કરવું અને ત્યાં રહેલા સત્યાંશનું સમર્થન કરવું : એ ખૂબ જ કપરું કામ છે. પરંતુ જગતના જીવોની અજ્ઞાનદશાને દૂર કરવાની ઉત્કટ પવિત્ર ભાવનાથી શ્વેતાંબર