________________
સન્માન પદમાં કે માનવતામાં ? સમ્રાટ સિકંદરના સેનાપતિની નિષ્ઠા, કુશળતા અને માનવતા સર્વત્ર પ્રસિદ્ધ હતી. સમ્રાટ સિકંદર સ્વયં એની કાર્યપદ્ધતિથી પ્રસન્ન હતો, પરંતુ એક વાર સેનાપતિથી નાનકડી ક્ષતિ થતાં ગુસ્સે ભરાયેલા સમ્રાટે એને નીચી પાયરી પર ઉતારીને સૂબેદાર બનાવી દીધો, પરંતુ સેનાપતિ પર આનો કશો પ્રભાવ પડ્યો નહીં. એણે આ પરિસ્થિતિનો સ્વીકાર કર્યો અને અગાઉ જેટલી જ નિષ્ઠા, તત્પરતા અને સમર્પણભાવથી કામગીરી બજાવતો હતો. થોડા સમય બાદ કાર્યપ્રસંગે સમ્રાટ સિકંદરને મળવાનું થયું, ત્યારે સમ્રાટ સિકંદરે આ સુબેદારનો ઉત્સાહ જોઈને પ્રશ્ન કર્યો, ‘તમે સેનાપતિ હતા ત્યારે જેટલા આનંદ અને ઉત્સાહથી રહેતા હતા, એટલા જ આનંદ અને ઉત્સાહથી અત્યારે પણ રહેતા લાગો છો. મને તો એમ કે તમને આ રીતે નીચલી પાયરીએ મૂક્યા તેથી તમે દુઃખી અને હતોત્સાહ થઈ ગયા હશો.”
સૂબેદારે કહ્યું, “ના શહેનશાહ, બલ્ક હું વધુ સુખી થયો છું. પહેલાં તો સૈનિકો અને અધિકારીઓ મારાથી ભયભીત રહેતા હતા. નજીક આવતાં ડરતા હતા. હવે એ મને પ્રેમથી મળવા આવે છે અને જરૂર પડ્યે મારી સલાહ પણ લે છે. એ રીતે મને એમની નિકટ આવવાનો અને સેવા કરવાનો સુંદર મોકો મળ્યો છે.' સિકંદરે કહ્યું, “એ બધું તો ઠીક, પરંતુ તમને સેનાપતિના સર્વોચ્ચ પદ પરથી દૂર કરીને આવા સામાન્ય સ્થાને મૂક્યા, તેનું તમને અપમાન લાગ્યું નથી ? લોકો તમારી મજાક કરતા હશે અથવા તો મનોમન હાંસી ઉડાવતા હશે, એમ નથી માનતા ?”
સૂબેદારે સિકંદરને વળતો સવાલ કર્યો, ‘શહેનશાહ, તમે મને એ સમજાવશો કે સન્માન પદમાં છે કે માનવતામાં ? ઉચ્ચ પદ પ્રાપ્ત કરીને કોઈ અહંકારી બની જાય અને અન્ય લોકોની ઉપેક્ષા કરે કે એમના પર જુલમ ગુજારે તો તે નિંદનીય છે. ખરું સન્માન તો ઈમાનદારી, કર્તવ્યનિષ્ઠ અને પરોપકાર છે અને એવું કરવાની મને વિશેષ તક મળતી હોવાથી હું અત્યંત સુખી, સંતુષ્ટ અને આનંદિત છું.' સુબેદારનો ઉત્તર સાંભળીને સિકંદરે આખી રાત એના વિશે વિચાર કર્યો અને બીજે દિવસે વહેલી સવારે આ કર્તવ્યનિષ્ઠ સૂબેદારને બોલાવીને એનું છીનવેલું પદ સન્માનભેર પાછું આપ્યું.
મંત્ર માનવતાનો
10