________________
પ્રાકથન
આપ સહુ જાણો છો કે ઈ.સ.૨૦૦૫નાં પર્યુષણમાં મને પ્રભુ તરફથી આજ્ઞા આવી હતી કે મારે પૂર્વે કરેલાં અનુભવનાં ટાંચણો વ્યવસ્થિત કરી લેવાં, તે કાર્ય ચાલતું હતું, ત્યારે ઈ.સ.૨૦૦૬ નાં પર્યુષણમાં મને ‘શ્રી કેવળીપ્રભનો સાથ' નામક ગ્રંથ લખવાની શરૂઆત કરવાની આજ્ઞા શ્રી પ્રભુ તરફથી મળી હતી. આ સમય પહેલાં, એટલે કે ઈ.સ.૨૦૦૪ના મધ્ય ભાગથી મને જમણા ખભામાં દુઃખાવો શરૂ થયો હતો. એ હાથથી કોઈ પણ પ્રવૃત્તિ કરતાં ખભામાં દુઃખાવાનો અનુભવ થયા કરતો હતો. તેથી ડોકટરોની સલાહ પ્રમાણે થોડો વખત દર્દશામક દવાઓ ખાધી, પણ કોઈ ફાયદો જણાયો નહિ. આથી તેમની સલાહથી બોમ્બે હોસ્પિટલમાં જઈ કસરત, ડાયાથર્મી, સ્ટીમ આદિ ઉપચારો ડીસેંબર ૨૦૦૪થી શરૂ કર્યા. આ દર્દ આવવા માટે મારી પૂર્વ કાળની જે જે ભૂલો જવાબદાર હતી તેનો પશ્ચાત્તાપ કરી ક્ષમાની માગણી કર્યા કરતી હતી, પણ કર્મનો કોપ એવો બળવાન હતો કે જેમ જેમ ઉપાયો યોજાતા ગયા તેમ તેમ દુ:ખાવાની માત્રા વધતી જતી હતી. ડોકટરો બાહ્ય ઉપચારને તથા દર્દશામક દવા લેવાને મહત્ત્વ આપતા હતા. પણ એ ઉપાયો કરાગત નીવડતા ન હતા. આમ ને આમ પ્રયત્ન કરતાં કરતાં એક વર્ષ વ્યતીત થઈ ગયું. આ કાળ દરમ્યાન મારે જે લખાણ કરવાનું હતું તે તો દુ:ખતા હાથે જ કરવાનું હતું. તે ઉપરાંત સવારનું ઘરનું કામ કરવાનું, નવ વાગે બોમ્બે હોસ્પિટલ જઈ એકથી દોઢ કલાક સુધી કસરત આદિ કરવાનાં, અને બાકીના સમયમાં ઘરનાં કામ સાથે રોજનાં પાંચ પાનાં લખવાનો નિયમ મારે
મનપરિણામ સ્થિર રાખીને જાળવવાનો હતો. આ પરથી મને વર્તતી મુશ્કેલીઓનો
xi