Book Title: Jivannu Jawahir
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 78
________________ હેમિંગ્વેની વાર્તાને પારિતોષિક મળ્યું નહીં અને એક અજાણ્યા છોકરાની વાર્તા શ્રેષ્ઠ જાહેર થઈ. નિશાળિયા હેમિંગ્વેને માટે અસહ્ય ઘટના હતી. એણે ઘેર આવીને એની બહેનને કહ્યું, “આ વાર્તા-સ્પર્ધાના પરિણામમાં પક્ષપાત આચરવામાં આવ્યો છે. બાકી સોનાના ગ્લાસનું પારિતોષિક તો મને જ મળવું જોઈએ.” એની બહેને કહ્યું, “આપણને પારિતોષિક ન મળ્યું, માટે પરીક્ષકોને દોષિત ઠેરવાય નહીં. તારાથી જેણે વધુ સુંદર વાર્તા લખી હશે, એને જ એમણે પારિતોષિક આપ્યું હશે.” “આખી નિશાળમાં મારાથી વધુ સારી વાર્તા લખી શકે તેવું છે કોણ ? આમ બને જ કેમ?” હેમિંગ્વેની બહેને કહ્યું, “તેં અઠ્યાવીસ દિવસ સુધી કશું કર્યું નહીં અને છેલ્લા બે દિવસમાં વાર્તા લખી નાખી. આવું કરીએ તો એનું પરિણામ આ જ આવે. ફળને પૂરું પાકવા દીધા વિના કાપીએ તો એની પૂરી મીઠાશ આપણને ન મળે. એને બદલે કશુંક જુદું જ મળે. તેં છેક છેલ્લી ઘડીએ વાર્તા લખી, તેથી તને પારિતોષિક મળ્યું નહીં. તેનો અર્થ જ એ કે કોઈ પણ કામ કરવું હોય, તો તે ઉતાવળે કરવું નહીં, પણ યોગ્ય આયોજનથી કરવું.” નિશાળિયા હેમિંગ્વેના હૃદયમાં બહેનના શબ્દો કોતરાઈ ગયા અને એણે જીવનભર ધૈર્યપૂર્વક સાહિત્યસાધના કરી. જન્મ અવસાન - ૨૧ જુલાઈ, ૧૮૯૯, ઑક પાર્ક, ઇલિનોઇસ, અમેરિકા - ૨ જુલાઇ, ૧૯૬૧, કૅચમ, ઇડોડો, અમેરિકા ૧૫૨ જીવનનું જવાહિર વૈભવમાં દારિત્ર્ય રશિયન નવલકથાકાર, નાટકકાર અને ચિંતક લિયો નિકોલાયવિચ ટૉલ્સ્ટૉય કુટુંબની મિલકત સંભાળવા માટે પોતાની જાગીર પર આવ્યા. જમીનદાર લિયો ટૉલ્સ્ટૉય ત્રેવીસમા વર્ષે લશ્કરમાં જોડાયા અને સત્યાવીસમા વર્ષે લશ્કરની કામગીરીને તિલાંજલિ આપી. એ પછી એમણે યુરોપનો પ્રવાસ ખેડ્યો. યુરોપના આ પ્રવાસ દરમિયાન લિયો ટૉલ્સ્ટૉય લ્યુસર્ન શહેરની એક હોટલમાં આવ્યા. આ હોટલમાં એક ગરીબ સંગીતકાર હોટલમાં આવનારા અતિથિઓનું મનોરંજન કરતો હતો. સવાસો જેટલા શ્રીમંતો એકઠા થયા હતા. પેલા સંગીતકારે એવું સંગીત પ્રસ્તુત કર્યું કે સહુ કોઈ પ્રસન્ન થઈ ગયા. એ પછી એ ગરીબ સંગીતકાર હાથ લાંબા કરીને શ્રીમંતો પાસે માગવા નીકળ્યો, ત્યારે કોઈએ એને એક પાઈ પણ ન આપી. પ્રવાસી લિયો ટૉલ્સ્ટૉયનું હૃદય આ દશ્ય જોઈને દ્રવિત થઈ ગયું. એ વિચારવા લાગ્યા કે અડધો કલાક સુધી સંગીતની મોજ જીવનનું જવાહિર ૧૫૩

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82