________________
4
જૈન ગૂર્જર કવિઓ'માં દેશી તરીકે નિર્દેશાતી પંક્તિ મૂળ કોઈ રચનાની પંક્તિ હોવાનું જાણવા મળ્યું હોય તો એનો અલગ નિર્દેશ થયેલો છે દેશીની સામે તરત એ રચના દર્શાવેલી છે ને પછી નીચે કૌંસમાં દેશી તરીકે જ્યાં નિર્દેશ હોય તે કૃતિઓની યાદી આપવામાં આવેલી છે. ડૉ. વોરાએ આ બન્ને સામગ્રી ભેગી કરી નાખી એક અગત્યનો દસ્તાવેજ લુપ્ત કરી નાખ્યો છે. એમણે જૈન ગૂર્જર કવિઓમાં વિકલ્પો હતા તે છોડી નાખ્યા છે, જેથી ઉલ્લિખિત બે દેશીઓ વસ્તુતઃ એક હોવાની ઓળખ રહેતી નથી; દેશીઓના ક્રમાંક જતા કર્યાં છે, જેથી ક્રમાંક દર્શાવી કરવામાં આવેલા પ્રતિનિર્દેશોને અવકાશ રહ્યો નથી અને સામાન્ય ઉચ્ચારભેદથી કે શબ્દભેદથી બે સ્થાને આવેલી દેશીને જોડી શકાતી નથી (આ કામ, પછી, ડૉ. ભાયાણીએ પરિશિષ્ટમાં કર્યું છે). ડૉ. નિરંજના વોરાએ પોતે ઉમેરેલી સામગ્રીમાં ઢાળક્રમાંક આપવા જેવી કેટલીક પદ્ધતિ એકધારી રીતે અપનાવી શકાઈ નથી; કોઈ એક કૃતિને સ્થાને અનેક કૃતિઓને સમાવતા પુસ્તકનો સંદર્ભ આપવાનું પણ રાખ્યું છે, જે સૂચિના પ્રયોજનને અનુરૂપ નથી; તેમજ જૈન ગૂર્જર કવિઓ'ની સાહિત્યસૂચિમાંથી લીધેલી સામગ્રી પરત્વે પૃષ્ઠાંક તેમજ કૃતિક્રમાંક બન્નેનો સંદર્ભ આપ્યો છે, પણ એની સ્પષ્ટતા થઈ શકી નથી. આ બધાં કારણે આ પ્રકાશન પોતાના હેતુને યોગ્ય રીતે સિદ્ધ ન કરી શકે એવું બન્યું છે. ડૉ. ભાયાણી આ સાથે સંકળાયેલા હોવા છતાં આમ કેમ બન્યું તે કોયડો છે.
અહીં ‘જૈન ગૂર્જર કવિઓ'ની દેશીસૂચિ યથાતથ આપવામાં આવી છે તે ઉપરાંત એમાં રચનાસમય વગેરેની ખૂટતી માહિતી ઉમેરી આપી છે ને ખાસ્સી મોટી પૂર્તિ પણ કરી છે. કેટલુંક નવું સંકલન પણ કર્યું છે. એની ઉપયોગિતા સ્વયંસ્પષ્ટ છે.
દેશીસૂચિમાં પૂર્તિ કરવાના કામમાં શ્રી કીર્તિદા જોશી તથા દર્શના શાહની મદદ મળી છે તેની સાનંદ નોંધ લઉં છું.
૧૦ ડિસેમ્બર ૧૯૯૬
જયંત કોઠારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org