Book Title: Jain Dharm ane Ahimsa Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 4
________________ જૈન ધર્મ અને અહિંસા : ૫૭ બીજાની શાંતિનો નાશ કરવાનો. એ પાંચે પ્રવૃત્તિઓના આચારાત્મક અનુસંધાનમાંથી આત્મા, પુનર્જન્મ, પાપ, પુણ્ય, કર્મનો સિદ્ધાંત, ઈશ્વર, અદ્વૈત, બ્રહ્મચર્યાશ્રમ વગેરે ચાર આશ્રમો, બ્રાહ્મણ વગેરે ચાર વર્ણો ઉપરાંત જરથોસ્તી ધર્મ, વૈદિક ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વગેરે તમામ ધર્મવિષયક વિચારોની શોધ થઈ. ભારત દેશ સિવાય બીજા બીજા દેશોમાં પણ યહૂદી, ખ્રિસ્તી, ઇસ્લામી વગેરે જે અનેક ધર્મો શોધાયેલા છે, તે પણ ઉક્ત પાંચે પ્રવૃત્તિઓના આચારાત્મક અનુસંધાનને અને સામાજિક કલ્યાણની ભાવનાને આભારી છે. આ રીતે, જૈન ધર્મની શોધ માટે પણ અહિંસા વગેરે પાંચે આચારાત્મક પ્રવૃત્તિઓ હેતુરૂપ છે અને સામાજિક હિત નિશ્રેયસની ભાવના જ એ શોધની પ્રેરક છે. જૈન ધર્મના પાયામાં મૂળ તરીકે અહિંસાને માનવામાં આવેલ છે. નિષેધાત્મક ધર્મરૂપ અહિંસાને પાયામાં માનવામાં આવી અને વિધેયાત્મક ધર્મપ્રવૃત્તિને પાયામાં કેમ ન માનવામાં આવી ? આવો પ્રશ્ન ગમે તે જિજ્ઞાસુને સ્વાભાવિક રીતે જ ઊગી શકે તેમ છે. મનુષ્ય પોતાનાં ભૌતિક સુખ, આનંદ માટે હિંસા કરે છે, જૂઠું બોલે છે, ચોરી કરે છે, પરિગ્રહ સંગ્રહે છે અને વિજાતીય સહવાસ દ્વારા વિષયવિલાસ માણે છે. જેમ એક મનુષ્ય વર્તે છે તેમ મનુષ્યસમાજ પણ આ રીતે જ વર્તે છે; અને પશુ-પક્ષી તથા વનસ્પતિઓ માટે તો એ પ્રવૃત્તિ સ્વાભાવિક જ થઈ પી છે. પશુ-પક્ષી વગેરે દ્વારા થતી એ પ્રવૃત્તિઓ પ્રકૃતિના નિયંત્રણમાં હોવાથી કોઈની શાંતિમાં કે પરસ્પરની શાંતિમાં ભારે ખલેલ પહોંચાડી શકતી નથી. પણ માનવ કે માનવસમાજ બુદ્ધિશક્તિયુક્ત હોવાથી તે પોતપોતાના આનંદ માટે એ પાંચે હિંસાદિ પ્રવૃત્તિઓને નિરંકુશપણે, સ્વચ્છંદીપણે ચલાવવા લાગે તો કોઈ વ્યક્તિ કે સમાજને શાંતિ મળવાનો સંભવ નથી. આમ આ પ્રવૃત્તિઓમાં નિરંકુશતા અને સ્વચ્છંદ જ ચાલવા લાગે, તો પછી આદિમાનવની જંગલી વૃત્તિનું જ પુનરાવર્તન થાય અને શાંતિનું નામનિશાન ન રહે. માટે તમામ ધર્મશોધકોએ સૌ પહેલાં એમ જ કહ્યું, કે હિંસા ન કરો, જૂઠું ન બોલો, ચોરી ન કરો, પરિગ્રહનો સંગ્રહ ન કરો અને વિજાતીય સંસર્ગ દ્વારા મેળવાતા આનંદની હદ બાંધો અથવા એવા પરાધીન આનંદનો સમૂળગો ત્યાગ કરવાની શક્તિ કેળવો, જેથી બાકીની હિંસા વગેરે પ્રવૃત્તિઓ ઓછી જ થઈ જાય. આ રીતે, નિષેધાત્મક ધર્મરૂપ અહિંસાને પ્રથમ સ્થાન અપાયું અને સાથે જ વિધેયાત્મક ધર્મનાં પણ વિધાન તમામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9