Page #1
--------------------------------------------------------------------------
________________
૫. જૈન ધર્મ અને અહિંસા
ગુજરાતમાં, રાજસ્થાનમાં, દક્ષિણમાં અને ઉત્તરપ્રદેશ તથા બંગાળમાં સર્વત્ર જૈન પ્રજા ફેલાયેલ છે. તેમાં ગુજરાત, રાજસ્થાન અને દક્ષિણમાં તેની સંખ્યા વિશેષ છે. ઉત્તરપ્રદેશ અને બંગાળમાં જૈન તીર્થો વિશેષ આવેલાં છે. તેથી એમ અનુમાન કરી શકાય કે તે બન્ને પ્રદેશોમાં જૈનોની સંખ્યા અને જાહોજલાલી વિશેષ હતી.
આપણા અમદાવાદમાં જ અનેક જૈન મંદિરો છે, જૈન મુનિઓ અને જૈન સાધ્વીઓ પણ સંખ્યામાં વિશેષ છે, અને જૈન કુટુંબોની સંખ્યા પણ બીજાં નગરો કરતાં વધારે છે; તથા વૈભવની દૃષ્ટિએ પણ જૈન કુટુંબો અહીં જ વિશેષ જોવા મળે છે. તેમ છતાં ઘણા લોકોના મનમાં જૈન ધર્મ શું છે? શું એ આસ્તિક ધર્મ છે? શું એ ધર્મ પુનર્જન્મમાં માને છે? –એવા એવા અનેક પ્રશ્નો ઊઠતા હોય છે. આવા પ્રશ્નો જેમના મનમાં ઊગે છે, તેમાં વિદ્યાર્થીઓ પણ આવી જાય છે. આપણી કૉલેજના જ ઘણું કરીને મારા વર્ગના વિદ્યાર્થીઓએ મને આવા પ્રશ્નો કરેલા, ત્યારે મેં તેમને એ પ્રશ્નોના બરાબર ઉત્તરો આપીને બધું સમજાવેલું.
આપણે ત્યાં જુદા જુદા ધર્મના અનુયાયીઓ આડોશી-પાડોશી હોવા છતાં એક-બીજાનો પૂરો પરિચય કરવાનો રિવાજ ઘણો જ ઓછો છે. એક બ્રાહ્મણકુટુંબ અને એક જૈન કુટુંબ વરસો સુધી એક જ ખડકીમાં રહેતાં હોય છતાંય તેમની વચ્ચે ઘણો જ ઓછો પરિચય હોય છે. કોઈ એવાં કુટુંબો સહૃદયી હોય તો પરસ્પર ઘણી સહાનુભૂતિ ધરાવતાં હોય, સુખદુઃખે એકબીજાને સારી રીતે ખપમાં પણ આવતાં હોય અને પરસ્પર સ્વાર્થની અપેક્ષા વિના એક-બીજા માટે એક-બીજા ઘસાઈ છૂટતાં પણ હોય. તેમ છતાં એકબીજાના ધર્મને સમજવા જિજ્ઞાસાપૂર્વક વિચારોની આપ-લે કરવાનું બની શકતું નથી. ધર્મને આળો વિષય માનવામાં આવે છે અને એ અંગે ચર્ચાવિચારણા કરતાં કદાચ સામા મિત્રનું મન દુખાય એવી ભીતિ સેવવામાં આવે
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ અને અહિંસા ૦ ૫૫ છે. આ ઉપરાંત, પોતપોતાના ધાર્મિક પૂર્વગ્રહો પણ આમાં આડા આવે છે અને એમ માનવામાં આવે છે કે સૌ સૌનો ધર્મ સૌને મુબારક; એની ચર્ચાવિચારણા કરીને શું કામ છે?
આથી વિશેષ તો આ વિષયમાં પ્રતિબંધક એ છે કે દરેક ધર્મગુરુએ પોતપોતાના ધર્મના વાડા બાંધી રાખેલા છે. અમુક વાડાનો માણસ અમુક વાડામાં ન પેસી જાય એ માટે કઠોર મર્યાદાઓ મુકાયેલ છે. આ પરિસ્થિતિને લીધે નોબત ત્યાં સુધી પહોંચી ગયેલ છે, કે એક-બીજા ધર્મનું સાહિત્ય પણ એક-બીજા ધર્મના લોકો વાંચી શકતા નથી. પરિણામે પરસ્પર ઘનિષ્ઠ મિત્રતા હોવા છતાં ધર્મના વિષયમાં સૌ લોકો પોતપોતાના પૂર્વગ્રહો પ્રમાણે વર્તે છે. બીજાનો ધર્મ બરાબર નથી અને પોતાનો ધર્મ બરાબર છે. બીજાનો ધર્મ ખોટો છે અને પોતાનો ધર્મ સાચો છે. આવી માન્યતાઓ બંધાયેલી હોવાથી ભિન્નભિન્ન ધર્મો અંગે લોકોની વિવિધ માન્યતાઓ બંધાયેલી ચાલી આવે છે. પરિણામે સમગ્ર દેશમાં વ્યાપક એકતા, આત્મીયતા અને વાસ્તવિક સહાનુભૂતિ વધી જ શકતાં નથી. તેથી દેશ આખો છિન્નભિન્ન સ્થિતિમાં સપડાયેલ છે. પ્રાંતની સરહદના કલહો, પ્રાંતીય દૃષ્ટિએ ભાષાના કલહો અને કોમી વિખવાદ વધતો જાય છે. અને મેળવેલી આઝાદીનું જે સુખ અનુભવાવું જોઈએ તે ભાગ્યે જ અનુભવાય છે. જો આવી પરિસ્થિતિ લાંબા કાળ સુધી ચાલુ રહી તો એ આઝાદી માટે ભારે ભય સમાન નીવડવાની.
મથાળે “જૈન ધર્મ આમ શબ્દો મૂકેલ છે, અને લેખક બીજી વાતોમાં ચડી ગયો છે એમ જરૂર લાગવાનું, પણ મથાળાના જૈન ધર્મના ધર્મ' શબ્દના સંદર્ભમાં જ આ બધું લખાયેલ છે એ સુજ્ઞવાચક બરાબર વિચારશે તો તેના ધ્યાનમાં આવી શકશે. ધર્મ' શબ્દથી જે આચાર, વિચાર કે પ્રવૃત્તિ સૂચિત થાય છે તેનો સંબંધ વિશેષતઃ આમજનતા સાથે છે. આમજનતાના હિત માટે જ ધર્મપ્રવૃત્તિનો પ્રાદુર્ભાવ થયેલ છે. અહીં ધર્મપ્રવૃત્તિનો વ્યાપક અર્થ સમજવાનો છે, એથી એ અર્થમાં તમામ ધર્મની પ્રવૃત્તિઓને સમજવાની છે.
એક જમાનો એવો હતો કે જ્યારે ધર્મ જેવી કોઈ ચીજ ન હતી. લોકો આહાર, નિદ્રા, ભય અને મૈથુન જેવી પાશવી વૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેતા અને પોતાની જાત સિવાય અથવા પોતે કલ્પેલી ટોળી સિવાય જાણે બીજાને કોઈને જીવવાનો હક હોય એમ નહિ માનતા અને ભિન્ન કલ્પેલી જાતોનો પોતાના આહાર વગેરે ભૌતિક આનંદ માટે ભારે સંહાર થતો. પશુપક્ષીઓનો તો ઉપયોગ આહાર વગેરે માટે જ છે એવી માન્યતા દઢમૂળ થઈ
Page #3
--------------------------------------------------------------------------
________________
પ૬સંગીતિ
ગયેલી અને મનુષ્યો વિશે પણ એવી જ માન્યતા થઈ ગયેલ. આને લીધે બળવાન જાતિઓ નિર્બળોનો સંહાર કરી નાખતી અને લોકો નરમેધ સુધી પહોંચી ગયા હતા.
આ પરિસ્થિતિ ઘણા થોડા લોકોને માટે સુખદાયી હતી, અને જેમને માટે એ સુખદાયી લેખાતી તેઓ પણ ભારે સંતપ્ત અવસ્થાનો અનુભવ કરતા; કેમ કે જેમને મારવાના હતા તેઓ પોતાની શક્તિભર પ્રયત્ન કરીને સામે થવામાં કચાશ ન રાખતા અને જીવસટોસટની લડાઈઓ ચાલુ રહેતી. આમાં, જોકે જેઓ બળવાન હતા તેઓ જ ફાવી જતા, પણ ઘણી બધી શક્તિને વેડફી નાખ્યા પછી આમ બનતું. એથી જેઓ ફાવી જનારા હતા તેઓ પણ સુખેથી ઊંઘી શકતા ન હતા. આમ એકંદરે કોઈને સુખ-શાંતિ સાંપડતાં ન હતાં. આવી પરિસ્થિતિથી આદિકાળમાં જેટલો માનવસમાજ હતો તે બધો કોઈ ને કોઈ રીતે અશાંતિ અનુભવતો રહેતો.
તેમાં જે લોકો વિચારકો હતા, ચિંતનશીલ હતા અને શાંતિની શોધ માટે પ્રબળ પ્રયાસ કરનારા હતા તથા એક-બીજા માનવોની લાગણીઓને બરાબર ઓળખનારા હતા, તેઓએ ખેતીની શોધ કરીને લોકોને ખેતી કરતાં શીખવ્યું અને તે દ્વારા અનાજ, ફળો વગેરેને પકવીને આહારાદિ નૈસર્ગિક વૃત્તિઓને સંતોષી શકવાની યોજના શરૂ થઈ. આમ થવાથી જે એકબીજી જાતિઓ દ્વારા ઘોર માનવસંહાર થતો હતો, તે થોડોઘણો અટક્યો અને લોકોને ખેતી દ્વારા શાંતિ મળવા લાગી. આમ કૃષિપ્રવૃત્તિરૂપ ધર્મ ઉપરાંત બીજી બીજી પ્રવૃત્તિવાળા, શાંતિના હેતુરૂપ જુદા જુદા ધર્મોની શોધ થવાની શરૂઆત થઈ. ધર્મ એટલે અમુક પ્રકારની ક્રિયાત્મક પ્રવૃત્તિ અને અમુક પ્રકારની ભાવનાત્મક પ્રવૃત્તિ. આ બન્ને પ્રવૃત્તિઓ સમગ્ર સમાજને અને પશુપક્ષીના સમાજને પણ હિતરૂપ નીવડવા લાગી.
સમાજના હિતનો વિચાર કરનારા શોધક પંડિતોએ એ ક્રિયાત્મક ધર્મ અને ભાવનાત્મક ધર્મની શોધ કરતાં કરતાં અહિંસા, સત્ય, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એ બધી આચારાત્મક પ્રવૃત્તિઓને શોધી કાઢી અને તેમને અમલમાં મૂકવાની જનસમાજને વિશેષ ભલામણ કરી. તેમાં ત્યાં સુધી જણાવવામાં આવ્યું કે જે સમાજ એ પાંચેય પ્રવૃત્તિઓને જેટલે અંશે વાસ્તવિક અર્થમાં અમલમાં મૂકશે, તે સમાજ તેટલે અંશે શાંતિ ભોગવવાનો અને બીજાની શાંતિમાં દખલ નહિ કરવાનો. અને જે સમાજ એ પાંચે પ્રવૃત્તિઓને અમલમાં નહિ મૂકે તે સમાજ અશાંતિને અનુભવવાનો અને
Page #4
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ અને અહિંસા : ૫૭ બીજાની શાંતિનો નાશ કરવાનો. એ પાંચે પ્રવૃત્તિઓના આચારાત્મક અનુસંધાનમાંથી આત્મા, પુનર્જન્મ, પાપ, પુણ્ય, કર્મનો સિદ્ધાંત, ઈશ્વર, અદ્વૈત, બ્રહ્મચર્યાશ્રમ વગેરે ચાર આશ્રમો, બ્રાહ્મણ વગેરે ચાર વર્ણો ઉપરાંત જરથોસ્તી ધર્મ, વૈદિક ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વગેરે તમામ ધર્મવિષયક વિચારોની શોધ થઈ. ભારત દેશ સિવાય બીજા બીજા દેશોમાં પણ યહૂદી, ખ્રિસ્તી, ઇસ્લામી વગેરે જે અનેક ધર્મો શોધાયેલા છે, તે પણ ઉક્ત પાંચે પ્રવૃત્તિઓના આચારાત્મક અનુસંધાનને અને સામાજિક કલ્યાણની ભાવનાને આભારી છે. આ રીતે, જૈન ધર્મની શોધ માટે પણ અહિંસા વગેરે પાંચે આચારાત્મક પ્રવૃત્તિઓ હેતુરૂપ છે અને સામાજિક હિત નિશ્રેયસની ભાવના જ એ શોધની પ્રેરક છે.
જૈન ધર્મના પાયામાં મૂળ તરીકે અહિંસાને માનવામાં આવેલ છે. નિષેધાત્મક ધર્મરૂપ અહિંસાને પાયામાં માનવામાં આવી અને વિધેયાત્મક ધર્મપ્રવૃત્તિને પાયામાં કેમ ન માનવામાં આવી ? આવો પ્રશ્ન ગમે તે જિજ્ઞાસુને સ્વાભાવિક રીતે જ ઊગી શકે તેમ છે.
મનુષ્ય પોતાનાં ભૌતિક સુખ, આનંદ માટે હિંસા કરે છે, જૂઠું બોલે છે, ચોરી કરે છે, પરિગ્રહ સંગ્રહે છે અને વિજાતીય સહવાસ દ્વારા વિષયવિલાસ માણે છે. જેમ એક મનુષ્ય વર્તે છે તેમ મનુષ્યસમાજ પણ આ રીતે જ વર્તે છે; અને પશુ-પક્ષી તથા વનસ્પતિઓ માટે તો એ પ્રવૃત્તિ સ્વાભાવિક જ થઈ પી છે. પશુ-પક્ષી વગેરે દ્વારા થતી એ પ્રવૃત્તિઓ પ્રકૃતિના નિયંત્રણમાં હોવાથી કોઈની શાંતિમાં કે પરસ્પરની શાંતિમાં ભારે ખલેલ પહોંચાડી શકતી નથી. પણ માનવ કે માનવસમાજ બુદ્ધિશક્તિયુક્ત હોવાથી તે પોતપોતાના આનંદ માટે એ પાંચે હિંસાદિ પ્રવૃત્તિઓને નિરંકુશપણે, સ્વચ્છંદીપણે ચલાવવા લાગે તો કોઈ વ્યક્તિ કે સમાજને શાંતિ મળવાનો સંભવ નથી. આમ આ પ્રવૃત્તિઓમાં નિરંકુશતા અને સ્વચ્છંદ જ ચાલવા લાગે, તો પછી આદિમાનવની જંગલી વૃત્તિનું જ પુનરાવર્તન થાય અને શાંતિનું નામનિશાન ન રહે. માટે તમામ ધર્મશોધકોએ સૌ પહેલાં એમ જ કહ્યું, કે હિંસા ન કરો, જૂઠું ન બોલો, ચોરી ન કરો, પરિગ્રહનો સંગ્રહ ન કરો અને વિજાતીય સંસર્ગ દ્વારા મેળવાતા આનંદની હદ બાંધો અથવા એવા પરાધીન આનંદનો સમૂળગો ત્યાગ કરવાની શક્તિ કેળવો, જેથી બાકીની હિંસા વગેરે પ્રવૃત્તિઓ ઓછી જ થઈ જાય. આ રીતે, નિષેધાત્મક ધર્મરૂપ અહિંસાને પ્રથમ સ્થાન અપાયું અને સાથે જ વિધેયાત્મક ધર્મનાં પણ વિધાન તમામ
Page #5
--------------------------------------------------------------------------
________________
૫૮ • સંગીતિ ધર્મશોધકોએ પોતપોતાની રીતે બતાવેલાં છે કે સર્વત્ર સમભાવ રાખો, સર્વત્ર મૈત્રી-વૃત્તિને કેળવો, સર્વત્ર અભેદ-અદ્વૈત-ભાવના રાખો, ઈશ્વર એક પિતા છે અને પ્રાણીમાત્ર તેનાં સંતાન છે માટે સર્વની સાથે ભ્રાતૃભાવ કેળવો. આ રીતે, તમામ ધર્મના પંડિતોએ નિષેધાત્મક ધર્મની સાથે જ વિધ્યાત્મક આચરણને પણ ભારપૂર્વક ધર્મરૂપે જણાવેલાં જ છે.
જો કે તમામ ધર્મોએ અહિંસાને પ્રથમ સ્થાન આપેલ છે, અને એ અંગે માનવહિતની દષ્ટિએ વિચારણાઓ પણ કરેલ છે, છતાં જૈન ધર્મની અહિંસાની વિચારણા સર્વ પ્રાણીઓના હિત-કલ્યાણની દૃષ્ટિએ વિશેષ ગંભીર છે. આ અહિંસાની વિચારણા માણસને, પશુને, અને પક્ષીને તો સ્પર્શે છે જ, તે ઉપરાંત પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિને પણ સ્પર્શે છે.
માણસ અને પશુ-પક્ષીઓના જીવનને ટકાવવા પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિનો ઘણો મોટો ભોગ લેવામાં આવે છે, અને એ બિચારાં મૂક પ્રાણીઓના સંહારનો કોઈ પાર નથી રહેતો. માટે જૈન ધર્મે જ આ વાત કહી છે, કે પૃથ્વી વગેરે જીવોના સંહારની મર્યાદા રાખવી ઘટે. અને જે માનવ આવી મર્યાદા રાખે તેણે પોતાના જીવનને પણ મર્યાદામાં જ રાખવું ઘટે. માનવ પોતાના જીવનને મર્યાદામાં ન રાખે, તો અહિંસાના આચરણનો સંભવ જ નથી. તેથી માનવ, પશુ-પક્ષી વગેરે તમામ નાના મોટા જીવો તરફની મૈત્રીવૃત્તિનું પણ જૈન ધર્મે ખાસ સમર્થન કરેલ છે.
ભલે જૈન લોકો તેને બરાબર ન પાળે અથવા તો વિપરીત રીતે પાળીને ધર્મ આચર્યાનો સંતોષ માને, પણ જૈન ધર્મના શોધકોએ તો પોતે જેમ કહેલ છે તેમ આચરેલ પણ છે અને શાસ્ત્રોમાં પણ ઢંઢેરો પિટાવીને સ્પષ્ટ કહે છે કે પરિગ્રહને પ્રધાનસ્થાને રાખનારાઓ ભાગ્યે જ ખરા અર્થમાં જૈન ધર્મ દ્વારા સૂચવાયેલ અહિંસાને પાળી શકવાના. આ રીતે, જૈન ધર્મના શોધકોએ તમામ અશાંતિના મૂળરૂપે સંગ્રહવૃત્તિને જ ગણાવેલ છે. અને એ સંગ્રહવૃત્તિને રોકવા સારુ અહિંસા વગેરે પાંચ યમોના આચારણની ભાર દઈને ભલામણ કરેલ છે.
જે વ્યક્તિ યા સમાજ આ પાંચે યમોનું આચરણ કરવાની ભાવના રાખે તેણે સંગ્રહવૃત્તિને મર્યાદામાં જ રાખવી ઘટે, અને જે વ્યક્તિ યા સમાજ સંગ્રહવૃત્તિને મર્યાદામાં રાખી શકે છે તે જ આ પાંચ યમોને ખરા અર્થમાં આચરી શકે છે. દાન, શીલ, તપ અને ભાવ એટલે ચિત્તશુદ્ધિ એ ચારને પણ ધર્મના મૂળ રૂપે વર્ણવેલાં છે; તે પણ અહિંસાદિ પાંચે યમોના પાલન અર્થે
Page #6
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ અને અહિંસા ૦ ૫૯, અને સંગ્રહવૃત્તિને મર્યાદામાં રાખવાના હેતુથી જ. દાન એટલે ન્યાયપૂર્વક પેદા કરેલ ધન વગેરેની સામગ્રીનો સર્વ પ્રાણીઓના અને ખાસ કરીને કોઈ ભેદ રાખ્યા વગર મનુષ્યોના હિત-શ્રેય માટે ઉપયોગ.
આમ કરવાથી સંગ્રહવૃત્તિ ઉપર અંકુશ આવી જ જાય, અને એ અંકુશ આવે એટલે શીલ-સદાચાર સહજ બની જાય, અને એ સહજ બને એટલે ઇંદ્રિયનિગ્રહ તથા મનોનિગ્રહરૂપ તપ પણ આપોઆપ સધાય. આ માટે કાંઈ જુદા ઉપવાસો કરવાની જરૂર હોતી નથી વા રહેતી નથી. અને આ બધું સધાય એટલે ચિત્તશુદ્ધિરૂપ પરિણામ અનાયાસે જ આવી જાય. આમ, સંગ્રહવૃત્તિ ઉપર અંકુશ વા અહિંસાદિક પાંચ યમો વા દાન, શીલ, તપ અને ભાવ-એ બધી પ્રવૃત્તિઓ કાયિક વા માનસિક એમ બન્ને પ્રકારે પરસ્પર સંકલિત છે, પરસ્પર સુસંબદ્ધ છે, એક-બીજાને ટેકારૂપ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જૈન ધર્મે જંગમ મનુષ્ય તથા પશુ-પક્ષીરૂપ પ્રાણી તથા પૃથ્વી વગેરે સ્થાવરરૂપ પ્રાણીએ તમામની હિંસા નહિ કરવાની ભલામણ કરી છે. અને જ્યાં એ સ્થાવર પ્રાણીઓની હિંસા કર્યા વિના જીવન નહિ ટકવા જેવું લાગે તેવા જ સંયોગોમાં એમની હિંસા ઉપર મર્યાદા મૂકી છે. આમ કહીને,જૈન ધર્મ પોતાના પાયાના સિદ્ધાંતરૂપ અહિંસાને માને છે; આ રીતે, અહિંસાનું ઉત્કટ સ્વરૂપ જૈન ધર્મમાં વિશેષતઃ બતાવેલ છે.
જંગમ પ્રાણીઓ, મનુષ્યો વગેરે સાથેના વ્યવહારમાં પરસ્પર સહાનુભૂતિભર્યું વલણ, એક-બીજાની લાગણીને સમજીને વર્તવાની પ્રવૃત્તિ, તમામ જંગમ પ્રાણીઓ સાથે મૈત્રીવૃત્તિ વગેરે ઉપર ભાર મૂકીને જૈન ધર્મે હિંસાનો સર્વથા નિષેધ જ કરેલ છે. એટલે જે કેટલાક લોકો એમ સમજે છે, અને ઘણા લોકો તો એટલે સુધી કહે પણ છે, કે જૈન ધર્મ કીડા-મંકોડાની અહિંસા વિશે ભાર મૂકે છે, પણ મનુષ્યો અને પશુઓ વગેરેની અહિંસા ઉપર ભાર મૂકતો જણાતો નથી-આવી માન્યતા તદ્દન ભૂલભરેલી છે. જેઓ આવી માન્યતા ધરાવે છે તેઓ જૈન ધર્મના અહિંસાના સ્વરૂપને સમજ્યા જ નથી, વા તેમણે એ હકીકતને સમજવા ધ્યાન જ નથી આપ્યું, પણ જૈન ધર્મના અનુયાયીઓની પ્રવૃત્તિઓ જોઈને એવી ભળતી જ કલ્પના ગૃહીત કરી છે.
જે લોકો વૈદિક પરંપરાના અનુયાયીઓ છે, તે લોકો ઇતિહાસના જમાનામાં ભૂતકાળમાં પરસ્પર ખૂનખાર રીતે લડતા હતા અને એક-બીજાનો જાન લેવા તલસતા હતા, તેમ જ વ્યભિચાર કરતા હતા, ખોટું બોલતા હતા,
Page #7
--------------------------------------------------------------------------
________________
૬૦સંગીતિ ધાડો પાડતા હતા. વર્તમાનમાં પણ વૈદિક ધર્મના અનુયાયી આ બધું જ કરતા રહે છે એમ સૌ કોઈને પ્રત્યક્ષ છે. એ બધું જાણીને એમ કહી શકાય ખરું, કે વૈદિક પરંપરાનો ધર્મ હિંસાને, અસત્યને, ચોરીને યા વ્યભિચારને સમર્થન આપે છે? યા તે તે દૂષિત પ્રવૃત્તિઓને ધર્મરૂપ માને છે ?
કોઈ પણ ધર્મના અનુયાયી પોતપોતાની સ્વચ્છંદી વાસનાને વશ પડેલો છે, અને તેથી તે અનુચિત રીતે વર્તી રહ્યો છે. એથી કાંઈ એમના ધર્મ ઉપર એ વર્તનનો દોષ લગાડી શકાય ખરો? કોઈ પણ ધર્મ–પછી જૈન ધર્મ હોય યા વૈદિક ધર્મ હોય–તે કોઈ પણ જાતની અનુચિત પ્રવૃત્તિનું કદી સમર્થન કરતો જ નથી એ વાતને કદી ન ભૂલવી જોઈએ.
ધર્મની વિચારણા અને વાસ્તવિક સ્વરૂપ સમજવા માટે તે તે ધર્મના પ્રવર્તકોનાં જીવન, આચરણ અને વર્તન તટસ્થ ભાવે તપાસવાં જોઈએ. અને તેવા લોકોએ જે ઉપદેશો આપેલા છે તેનું ઊંડું અધ્યયન કરવું જોઈએ. આમ થાય તો જ કોઈપણ ધર્મનો ખરો મર્મ ધ્યાનમાં આવી શકે.
કોઈના મનમાં એવો પ્રશ્ન થવાનો સંભવ છે કે જૈન ધર્મે મનુષ્ય અને પશુ વગેરેની હિંસાનો નિષેધ કરેલ છે તે તો સમજી શકાય એમ છે; પણ પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિની હિંસાનો જે નિષેધ કરેલ છે વા તે નિષેધ અંગે જે મર્યાદા બતાવેલ છે, તે આપણું ચાલુ જીવન, આચરણ અને જરૂરિયાત જોતાં સમજમાં આવી શકતું નથી. આ પ્રશ્નનો ખુલાસો આ પ્રમાણે છે.
વ્યક્તિનું કે સમાજનું જીવનધોરણ અને સત્ત્વસંવર્ધન એક-બીજા ચેતનને ઘસારો આપ્યા વિના સંભવી શકતું જ નથી. એટલે કોઈ પણ દેહધારી મનુષ્યના જીવનમાં સૂક્ષ્મ રીતે સંપૂર્ણપણે અહિંસાનું આચરણ શક્ય નથી. સામાન્ય મનુષ્યની તો આ પરિસ્થિતિ છે, પરંતુ જેઓ વીતરાગ અને પૂર્ણ અનાસક્ત પુરુષો છે, તેમનું જીવનધારણ પણ બીજા ચેતનને ઘસારો આપ્યા વિના સંભવિત નથી; માટે તમામ ધર્મપ્રવર્તક પુરુષોએ અનુભવથી એમ ઠરાવેલ છે કે જીવનમાં હિંસાનો ઉપયોગ છે ખરો, પણ તે વિવેકપૂર્વકની મર્યાદામાં જ; મર્યાદાથી જરા પણ વધારે નહિ જ. આમ છે માટે મહાભારતમાં, જૈન-પ્રવચનમાં અને બૌદ્ધ પિટકોમાં આ અંગે આમ કહેલું છે કે જેમ ભમરો પોતાના નિર્વાહ માટે પુષ્પમાંથી રસ મેળવે છે, પણ રસ આપનારાં પુષ્પોના નાશની પરિસ્થિતિ આણીને નહિ–ભમરો પોતાનો પોષક રસ પુષ્પોમાંથી એવી રીતે મેળવે છે, જેથી પુષ્પોને ઓછામાં ઓછો ઘસારો
Page #8
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ અને અહિંસા – ૬૧ પહોંચે, તેમ હિંસાના વ્યાપક ઉપયોગની પરિસ્થિતિમાં અહિંસાના તમામ સાધકોને માટે હિંસાનો મર્યાદિત ઉપયોગ કરવા તરફ વિશેષ ધ્યાન આપવાનું છે, અને પૂર્વોક્ત પ્રશ્નનો ખુલાસો પણ હિંસાના મર્યાદિત ઉપયોગમાં આવી જાય છે.
આ ઉપરથી એટલું ફલિત કરી શકાય કે વ્યક્તિ કે સમાજને જીવનધારણ, જીવનપોષણ અને સત્ત્વસંવર્ધન માટે જેટલી હિંસા જરૂરી હોય તેટલી આવશ્યક કર્તવ્યરૂપ મનાય છે. આનો અર્થ એમ સમજવાનો નથી જ, કે આવશ્યક હિંસા એ અહિંસા છે; છે તો તે હિંસા જ. પણ માણસ વા સમાજ લાચાર હોવાથી તેને ઉપયોગમાં લઈ પોતાને ટકાવવા અને એ રીતના ટકાવ દ્વારા સદ્ગુણો વધારવાની કે પોતાની ઉપરની તમામ પ્રામાણિક જવાબદારીઓને ન્યાયની રીતે નિષ્ઠાપૂર્વક અદા કરવા-કરાવવાની પ્રવૃત્તિ કરતો રહે તો જ તેણે આવશ્યક હિંસાનો સદુપયોગ કર્યો કહેવાય, નહિ તો નહિ જ.
વર્તમાનમાં આપણા વ્યક્તિગત જીવનમાં કે સામાજિક વા સામૂહિક જીવનમાં આ જાતની હિંસાની કોઈ મર્યાદા જોવામાં નથી આવતી. એમ થવાથી જ આખો સમાજ દુઃખી, ત્રસ્ત, બેકાર, આળસુ જેવો દેખાય છે અને નીતિના અને કાર્યનિષ્ઠાનાં ધોરણોને જાળવવામાં સફળ થઈ શકતો નથી. અત્યારે તો નીવો નીવસ્થ નીવનમ્ કે માત્મ્યન્યાય તમામ ક્ષેત્રોમાં પ્રવર્તી રહ્યો છે; અને એટલે બુમુક્ષિત: દ્રિ 7 રોતિ પાપમ્ જેવી પરિસ્થિતિ ચાલી રહેલ છે.
પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિની અમર્યાદ નિરંકુશ હિંસા થવાથી જે ઘણાં માઠાં, ભયાનક અને પ્રજાને દુઃખ આપનારાં પરિણામો આવ્યાં છે તે આ છે :
જો આપણે પૃથ્વીની હિંસાની વ્યક્તિગત યા સામૂહિક મર્યાદા આંકી હોત તો અત્યારે ખેડ કરી શકે તેવા કુશળ અને સાધનયુક્ત લોકોપણ જમીન વગર રહી જ ન શક્યા હોત અને બેકારી પણ ઓછી થઈ ગઈ હોત; તથા જમીન વગરના હોવાને કારણે જે પીડા અનુભવાઈ રહી છે તે ઘણે અંશે દૂર થઈ ગઈ હોત. વળી, જે ઘણી વિસ્તારવાળી જગ્યાઓ રોકી રાખી તેમાં પોતાના વા કુટુંબના વૈભવી આનંદ માટે અથવા ધર્મને નામે જે મોટાં મોટાં મકાનો બાંધવામાં આવ્યાં છે અને આવે છે તે ન બન્યું હોત તથા આ પરિસ્થિતિને લીધે જે હજારો મનુષ્યો મકાન વગરનાં રહ્યાં છે તે પણ ન બન્યું હોત. બીજું, ખાણોનો વ્યવસાય, જે કેવળ મૂડીદારોની મૂડી વધારવામાં જ સાધન બનેલ છે, તે માટે શાસ્ત્રો યા શાસ્ત્રોના ઉપદેશકો ઉપર કોઈ પણ રીતે દોષનો ટોપલો
Page #9
--------------------------------------------------------------------------
________________ 62 સંગીતિ ઓઢાડી શકાય ખરાં? પશ્ચિમના લોકો વિશેષતઃ ઈહલોકવાદી છે, અને તેથી એ દષ્ટિએ તેઓ પોતાના વ્યવહારો ગોઠવે છે. તેમ કરતાં પણ તેઓ વનસ્પતિ વગેરેના સંરક્ષણનું તથા પશુ-પક્ષીઓના સંરક્ષણનું અને માનવશક્તિના સંરક્ષણનું મૂલ્ય બરાબર સમજે છે. આપણે ત્યાં જે દશા પૂજય મનાતી ગાયોની છે, તે કરતાં એ લોકના જીવનના ઉપયોગની દષ્ટિએ ગાયોની મહત્તા સેંકડો ગણી વધારે છે. આપણે ત્યાં વેપારી લોકો ખાવાની દરેક ચીજોમાં–અરે ! દવામાં સુધ્ધાં– ભેળસેળ કરીને લોકોના જીવન સાથે ખેલ કરી શકે છે, ત્યારે ઈહલોકવાદી લોકોમાં આવું વલણ જોવામાં નથી આવતું. આનું કારણ અહિંસાની સમજમાં, તેની મર્યાદા અને ઉપયોગની સમજમાં આપણું જ્ઞાન કેવળ અંધવિશ્વાસ ઉપર વિવેકહીન રીતે ટકેલ છે, ત્યારે તેમનું જ્ઞાન વર્તમાન જીવનની ઉપયોગિતારૂપ કાર્ય-કારણના પ્રત્યક્ષ નિયમને વૈજ્ઞાનિક રીતે અવલંબે છે. આ જોતાં એમનો ઇહલોકવાદ આપણા પરલોકવાદ કરતાં વિશેષ ચડિયાતો છે. તેઓ ઈહલોકને તો સુધારે છે ત્યારે આપણા તો બન્ને લોક બગડે છે. ધર્મ સૌથી પ્રથમ ઈહલોકની શાંતિ માટે છે અને એ શાંતિને પરિણામે પરલોકની શાંતિ સુલભ છે એ સૌ કોઈએ યાદ રાખવું જરૂરી છે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે જૈન-પ્રવચનમાં તેના પ્રાદુર્ભાવની પરિસ્થિતિ પ્રમાણે અહિંસા ઉપર વિશેષ ભાર અપાયેલ છે. અને તેની સાથે સત્ય, અસ્તેય, અપરિગ્રહભાવ અને બ્રહ્મચર્ય ઉપર પણ એટલો જ ભાર અપાયેલ છે. અહિંસા અને સત્ય વગેરેમાં પરસ્પર રશ્ય-રક્ષકનો ભાવ વર્તે છે. અહિંસા ગઈ તો સત્ય વગેરે બધું જ ગયું, અને સત્ય વગેરે ગયાં તો અહિંસા પણ ગઈ જ. એમ સ્પષ્ટ કહેવામાં આવેલ છે કે પાંચ મહાવ્રતોમાંના એકનું ખંડન અટલે એ પાંચેનું ખંડન. ધર્મ સમાજનું વર્તમાનકાલીન ધારણ-પોષણ એ સર્વસંવર્ધન કરવામાં કદી બાધક નીવડતો જ નથી. એમ હોવાથી જ તેનું “ધર્મ'નામ સાર્થક છે. જો. ધર્મ બાધક નીવડે, તો તે “ધર્મ જ ન કહેવાય, પણ ધર્મને નામે ચાલતો ભ્રાંત વ્યવહાર કહી શકાય. આ રીતે જૈન ધર્મના એક સિદ્ધાંત અહિંસા વિશે થોડી વિવેચના થઈ. અહિંસા ઉપરાંત તેના બીજા સિદ્ધાંતો સ્યાદ્વાદ-અનેકાંતવાદ, સંયમ, ગૃહસ્થધર્મ, સાધુધર્મ, આત્મવાદ, કર્મવાદ, બંધ અને મોક્ષ વગેરે વિશે પણ વિવેચના કરવાની જરૂર છે.