Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-2
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 258
________________ જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫ ૪૫૭ આકાશ આદિ ન હોત, તેઓનો અભાવ હોત તો તે વિવક્ષિત ઘટકાર્યની સિદ્ધિ થતી નથી. માટે તે આધારને પણ કારણ માનવાં જોઈએ. અહીં સુધી ઘટ-પટ વગેરેના ઉદાહરણો આપીને છ કારક સમજાવ્યાં. હવે આ જ છ કારક આત્મદ્રવ્યમાં સમજાવે છે - આ જ પ્રમાણે આત્મામાં પણ છે કારક જાણવાં. ત્યાં પ્રથમ આત્મા કર્યા છે તે સમજાવે છે. આ આત્મા સ્વગુણોનો કર્તા છે. કારણ કે જ્ઞાન-દર્શનાદિ ગુણો આત્માના જ છે અને આ આત્મા જ તેને પ્રગટ કરનાર છે. માટે કર્તા છે. આત્માના પોતાના શુદ્ધ સ્વરૂપના જ્ઞાન-દર્શનાદિ ગુણોમાં જ રમણતાનો અનુભવ કરવારૂપ જે પ્રવૃત્તિ કરવી તે કાર્ય છે. અર્થાત્ કર્મકારક છે. તે જ જ્ઞાન-દર્શનાદિ ગુણો કે જે સત્તામાં રહેલા છે તે જેમ જેમ નિરાવરણ થાય છે (ક્ષયોપશમભાવથી પ્રગટ થાય છે, તેમ તેમ તે ગુણો નવા નવા ગુણોની પ્રાપ્તિમાં કારણરૂપ બને છે. ગુણોથી ગુણો ઉઘડે છે, ખૂલે છે. માટે ગુણો કરણરૂપ છે. તે જ જ્ઞાનાદિ ગુણોમાં પ્રતિસમયે ઉત્પાદ-પરિણતિરૂપ પર્યાયથી નવા નવા ગુણોનો જે આવિર્ભાવ થાય છે તે પ્રગટ થતા ગુણોનું દેયપાત્ર આત્મા જ છે. કારણ કે આ ગુણો આત્માને જ આપવાના છે. માટે આત્મા સંપ્રદાન છે. તે જ જ્ઞાનાદિ ગુણોના પર્યાયોમાં પૂર્વ પૂર્વ પર્યાયોનો જે વ્યય થાય છે તે અપાદાનકારકતા આત્માની છે. કારણ કે પૂર્વકાલીન પર્યાયો આત્મામાંથી નાશ પામતાં આત્માથી દૂર થયા અને આત્મા ધ્રુવ રહ્યો માટે આત્મા અપાદાન છે. તથા આ આત્માના અસંખ્યપ્રદેશાત્મક જે સ્વક્ષેત્ર છે તે જ જ્ઞાનાદિ સમસ્ત ગુણો અને પર્યાયોનો આધાર છે. આ પ્રમાણે આત્મામાં પોતાના જ સ્વરૂપની છ કારકતા સમજાવી. આત્મા પોતે જ કર્તા, પોતાનું સ્વરૂપ જ કર્મ, પોતાના ગુણો જ કરણ, આત્મા પોતે જ સંપ્રદાન, અપાદાન અને આધાર એમ છએ કારક આત્માના સ્વરૂપનાં આત્મામાં જ જાણવાં. આમ સમજવાથી આત્માના સ્વરૂપના સર્વકાર્યની સિદ્ધિ થાય છે. આત્મામાંથી જ ગુણો પ્રગટ થાય છે. આત્માના ગુણો પ્રગટ કરવા એ જ આત્માનું કર્તવ્ય છે. આ રીતે છએ કારક સમજવાં. પરિણત આત્માઓને થયેલું જે જ્ઞાન છે તે જ ઉત્તમ વિવેક રૂપ બને છે. જ્ઞાનના પ્રભાવે હેય-ઉપાદેયનો સવિશેષ વિવેક પ્રગટે છે. તે વિવેક આવવાથી સર્વ પ્રકારની વિષમતાનો અભાવ થાય છે. રાગ-દ્વેષની પરિણતિ, આકુળ-વ્યાકુલતા, હર્ષ-શોકાદિ, દુઃખ-સુખની લાગણીઓ, ચડતી-પડતીના પ્રસંગે રતિ-અરતિના ભાવો, કષાયોની તીવ્રતા ઈત્યાદિ સર્વ વિષમતા દૂર થઈ જાય છે અને આ આત્મા સરળ, સજ્જન, નિર્વિકારી, નિર્વેદસંવેગપરિણામવાળો અને વિશેષ વિશેષ મોક્ષાભિલાષી થાય છે.

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262