Book Title: Gramodyog Kalpavruksha Che Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 4
________________ ગ્રામોદ્યોગ કલ્પવૃક્ષ છે - 193 કામ જેમના નિયમન નીચે થાય છે તેઓ આ નફરતપાત્ર શિક્ષણને બદલવા કંઈ વિચાર કરે છે કે કેમ તે અંગે કશું જાણવામાં આવતું નથી. રોગીનો રોગ જણાય છે છતાં તે માટે ઔષધની વ્યવસ્થા ન થાય તો એ રોગ શી રીતે મટે? અને આમ થવાથી વિદ્યાર્થીઓમાં અસંતોષ પેદા થાય અને પછી તો ચપળ વિદ્યાર્થીઓ કોના અંકુશમાં રહી શકે? અહીં જે ગૃહઉદ્યોગ કે ગ્રામોદ્યોગ વગેરેની વાત કરેલી છે તેનો મૂળ પાયો ઉદ્યોગપ્રધાન શિક્ષણ ઉપર છે. પૂજય ગાંધીજી કહેતા હતા કે શાળાનો કેટલોક ખર્ચ તો શાળામાં ચાલતા ઉદ્યોગો દ્વારા પેદા થવો જોઈએ. પણ આમ તો ત્યારે જ બને કે જયારે ઉદ્યોગપ્રિય, તેજસ્વી અને સાહિત્યપ્રિય શિક્ષકો તથા અધ્યાપકો શિક્ષણ સંસ્થાને મળી શકે. આમ થાય અને શિક્ષણ ઉદ્યોગલક્ષી થાય અને અક્ષરલક્ષી ઓછું રહે તો જ કાંઈક નવીનતા આવે. અત્યારે વિનયમંદિરોમાં જે વિજ્ઞાન શીખવવામાં આવે છે તે દ્વારા વિદ્યાર્થી શું સમજે છે ? અને વ્યવહારુ રીતે તેનો શો ઉપયોગ છે તે કોઈની સમજમાં આવે છે ખરું ? કોઈ વિદેશનું કે કોઈ શિક્ષણ સંસ્થાનું અનુકરણ કરીને આપતો શિક્ષણનો ઢાંચો બનાવીએ તે ક્યાં સુધી આપણી શૈક્ષણિક જરૂરિયાતોને સાધવા સમર્થ નીવડે એ જરૂર વિચારવું જોઈએ. ઉપર કહ્યું તેમ ગૃહઉદ્યોગ કે ગ્રામોદ્યોગ જરૂર કલ્પવૃક્ષરૂપ છે પણ તે અંગેની શિક્ષણયોજના બરાબર ન હોય તો બિચારું કલ્પવૃક્ષ તો આખરે વૃક્ષ જ છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે જો ગામડાંને તેજસ્વી બનાવવાં હોય, આત્મનિર્ભર જોવા ઇચ્છતા હોઈએ તો દેશના વર્તમાન સૂત્રધારોએ અને દેશની પ્રજાના સંસ્કારરક્ષકોએ પ્રથમ શિક્ષણમાં જ આમૂલ ફેરફાર કરવાનો કોઈ વિચારવિમર્શ કરીને તેની યોજના કરવી ઘટે. વળી, બીજી એક વાત એ છે કે સદાચારી સમાજનો પાયો પણ શિક્ષણ જ છે. જો શિક્ષકો, અધ્યાપકો અને આચાર્યો વિદ્વત્તાપૂર્ણ હોવા સાથે સદાચારપરાયણ, અવ્યસની અને સંયમી સાંપડે તો શિક્ષણનો રંગ જ ફરી જાય અને વિદ્યાર્થીઓનો સ્વભાવ પણ આપોઆપ બદલાઈ જાય. આમ થાય અને એ રીતે શિક્ષણનો તથા ઉચ્ચ શિક્ષણનો પ્રબંધ થાય તો જ શિક્ષણ સાથે ચાલતા ઉદ્યોગો કાર્યસાધક બને અને કલ્પવૃક્ષ થઈ નિરંતર ફળદાયી નીવડે. - અખંડ આનંદ, ડિસે. - 1975 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4