Page #1
--------------------------------------------------------------------------
________________
૨૨. ગ્રામોદ્યોગ કલ્પવૃક્ષ છે
આપણા દેશમાં સાત લાખ ગામડાં છે એમ કહેવામાં આવે છે. ગામડામાં વસનાર ભાઈ-બહેનોને પોષક ખોરાક મળે તો જ તેઓ શરીરે સ્વસ્થ રહીને પોતાનો બાપુકો ઉદ્યોગ (ખેતીવાડીનો) બરાબર કરી શકે. એ ઉદ્યોગ તો બારે માસ ચાલતો નથી; તેથી જયારે વખત ફાજલ હોય–વરસમાં ઓછામાં ઓછા ચાર મહિનાનો વખત ફાજલ હોય જ છે–તે વખતે આ ગ્રામવાસીઓ જરૂર ગ્રામોદ્યોગ કરી શકે છે અને આવા ગ્રામોદ્યોગ દ્વારા તેઓ કમાણી કરીને ઠીક ઠીક બદલો મેળવી પોતાને પોષક એવી ખોરાકીપોશાકી જરૂર મેળવી શકે તેમ છે.
ગ્રામોદ્યોગમાં પ્રથમ તો ગામપૂરતું કાપડ મેળવવાનું, ચોખા તથા દાળને છડવાનું, અનાજ વગેરેને ખાંડવાનું કે ઓધાવાનું અને દળવાનું વગેરે અનેક ગૃહઉદ્યોગ છે. અમુક વર્ગના લોકો માટે ખાસ ધંધા જેમ કે ઘાંચી માટે તલ પીલવાનું, દરજી માટે કપડાં સીવવાનું, મોચી માટે જોડા સીવવાનું, સુથાર માટે ઘર તથા ખેતી માટેનું રાચરચીલું બનાવવાનું, લુહાર માટે લોઢામાંથી ઉપયોગી ખીલા, સળિયા, સાણસી વગેરે બનાવવાનું તથા કોશ, કોદાળી, પાવડા, કોદાળા, હળની કોશ વગેરે બનાવવાનું આમ પણ અનેક ગ્રામોદ્યોગો છે. આ ઉપરાંત સાબુ બનાવવાનો, કાગળ બનાવવાનો, જુદા જુદા રંગની શાહીઓ બનાવવાનો વગેરે અનેક વેપારી ઉદ્યોગો પણ છે.
આ બધા ઉદ્યોગો માટે માત્ર તાલીમની જરૂર હોય છે. કોઈ ઉદ્યોગોમાં હાથથી ચલાવી શકાય એવાં યંત્રરૂપ સાધનો પણ જરૂરી હોય છે. આ બધા ગૃહઉદ્યોગો અને ગ્રામોદ્યોગો પ્રજાને તેમની લાયકાત પ્રમાણે શીખવી દેવામાં આવે અને શીખવી દીધા પછી શીખનારની પૂરી નિપુણતાની ખાતરી ક્ય પછી તે ગૃહઉદ્યોગો ઘરના જ માણસો પાસે કરાવવામાં આવે અને કેટલાક ગ્રામોદ્યોગો અમુક અમુક વર્ગના લોકોને સારી રીતે શીખવી દેવામાં આવે
Page #2
--------------------------------------------------------------------------
________________
ગ્રામોદ્યોગ કલ્પવૃક્ષ છે • ૧૯૧ અને શીખનારની નિપુણતાની ખાતરી મેળવ્યા પછી તે તે લોકો પાસે પણ તે તે ઉદ્યોગો કરાવવામાં આવે તો તમામ લોકોને ઠીકઠીક કામ મળી શકે છે અને તે દ્વારા તે લોકો પોતપોતાનો નિર્વાહ સુખે જરૂર કરી શકે છે. એ રીતે સૌ કોઈ પોતપોતાનું જીવન તેજસ્વી રીતે આનંદપૂર્વક જરૂર ચલાવી શકે છે. આમ થવાથી ગામમાં બેકારીને સ્થાન મળવાનું નથી, અને લોકો પોતપોતાના ઉદ્યોગસર હોવાથી ગામમાં બીજાં દૂષણો પેસવાનો સંભવ ઘણો ઓછો છે.
એ વાત ધ્યાનમાં જરૂર રહેવી જોઈએ કે ઉદ્યોગ કરનાર દરેક પુરુષ વા સ્ત્રીને ઠીક ઠીક મહેનતાણું જરૂર મળવું જોઈએ. આ માટે દલાલની જરૂર ન રહેવી જોઈએ. આ બાબત ગામના ઉદારવૃત્તિના મહાજન લોકોએ બરાબર તકેદારી રાખવી જોઈએ. તો જ ઉપર જણાવેલા ગૃહઉદ્યોગો કે તે તે વર્ગના ઉદ્યોગો વા કારીગરીવાળા ઉદ્યોગો બરાબર નભી શકે, અને તો જ ગામડું પોતાનું તેજ સાચવી શકે અને ગામડાની પ્રજાને કોઈના પણ મો'તાજ બનીને રહેવાનો વખત ન આવે.
ગામડામાં આ પ્રકારે જુદા જુદા ઉદ્યોગો પાંગરે અને પોષણ પામી દઢમૂળ થાય તો પછી લોકો પોતપોતાના ધર્મને અનુસરીને ઈશ્વરભજન જરૂર કરી શકે અને સૌ ભેગા મળીને કથાકીર્તન પણ કરી શકે વા સાંભળી શકે. ઉદ્યોગો પુષ્ટ થયા હોય તો ઉત્સવો, આનંદપ્રમોદનાં નિર્દોષ સાધનો અને નાનામોટા તહેવાર ઉપર મેળાઓ, સંમેલનો અને નાના પ્રકારના વાર્તાવિનોદોની ગોઠીઓ પણ સહજ થવા લાગે, નિયમિત ઉદ્યોગો કરવાથી આત્મશ્રદ્ધા પણ વધવા લાગે અને એમ થતાં પરસ્પર પ્રેમ, માયા, સહકાર વગેરે માનવના પારસ્પરિક ગુણો પણ પેદા થાય. આવું થતાં મને લાગે છે કે ઊંચ જાત અને નીચ જાતની કલ્પના આપોઆપ દૂર થઈ જાય.
ગામના સંસ્કારરક્ષક અને સુસંસ્કારપોષક મહાજનોએ પ્રજાની કેળવણી તરફ પૂરતું ધ્યાન રાખવું જોઈએ; એટલું જ નહીં, પણ નિરંતર જાગ્રત રહીને સુસંસ્કારોની રક્ષા થાય તે વિશે બરાબર કાળજી કરવાની જરૂર સમજવી જોઈએ. આ માટે ઉદ્યોગપોષક કેળવણીની યોજના અવશ્ય કરવી ઘટે. નાનપણથી જ બાલક-બાલિકાઓને ઉદ્યોગપોષક કેળવણી અપાવી જોઈએ. સુદામાજી અને શ્રીકૃષ્ણજી પોતે લાકડાં કાપવા જતા એ ઉદાહરણ સામે રાખીને શિક્ષણ સંસ્થામાં ભણનારાં બાળકો તથા બાળાઓએ પોતપોતાનાં જીવન સમૃદ્ધ કરવા સારુ પોતપોતાની શાળાનાં ઉપર મુજબ જુદાં જુદાં કામ
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૯૨ • સંગીતિ
ઉપાડી લેવાં જોઈએ. શાળાનો કચરો સાફ કરવો, બારીબારણાં ઝાપટીને ચોખ્ખાં કરવાં, પીવાના પાણીનાં માટલાં ધોવાં, પાણી પીવાના પ્યાલા વગેરે સાફ કરવા, શિક્ષકોને બેસવાનાં આસનો તથા વિદ્યાર્થીઓને બેસવાના આસનો ધ્યાન દઈને સાફ કરવાં.
જેમ જેમ શિક્ષણ વધતું જાય અને છાત્ર તથા છાત્રાઓની ઉંમર વધતી જાય તેમ તેમ ઉદ્યોગો પણ બદલાતા રહેવા જોઈએ અને તેનાં સાધનો પણ શાળામાં ઉપલબ્ધ હોવાં જોઈએ. ધારો કે સાતમા-આઠમા ધોરણના વિદ્યાર્થીઓની શાળામાં એક બારણું વસાતું જ નથી વા વસાવેલું એક બારણું ઊઘડતું જ નથી, તો શિક્ષકે આમ થવાનું વૈજ્ઞાનિક કારણ વિદ્યાર્થીઓને સમજાવવું અને પછી એ કારણને ધ્યાનમાં લઈને એ બારણું ઉઘાડવાની વા એ બારણાને વાસવાની હકીકત સમજાવવી, વિદ્યાર્થીઓ દ્વારા જ બારણું ઉઘડાવવું જોઈએ કે વસાવવું જોઈએ. આથી જેમ મોટા વર્ગોમાં આવે અને પછી તો વિદ્યાર્થી વિનયમંદિરમાંથી મહાવિદ્યાલયમાં જાય ત્યારે વળી બીજા ભારે મહેનતવાળા તથા બુદ્ધિકૌશલ્ય દ્વારા કળાકારીગરીવાળા ઉદ્યોગોને પણ ક્રમશઃ સ્થાન અપાવું જોઈએ. આ માટે શિક્ષકો પણ અક્ષરજ્ઞાન ઉપરાંત તે ખાસ ઉદ્યોગોમાં પ્રવીણતા પ્રાપ્ત કરેલા હોવા જોઈએ. •
આમ વિદ્યાર્થીઓને અક્ષરજ્ઞાન, ગણિતવિદ્યા, પુસ્તકમાં આપેલા પાઠોને સમજવાની શક્તિ, પાઠો સમજ્યા પછી તે અંગે વિદ્યાર્થીની પોતાની કલ્પનાશક્તિની ખિલવણી, જિજ્ઞાસાની વૃદ્ધિ અને વારંવાર પ્રશ્ન-પ્રતિપ્રશ્ન કરવાની શક્તિ વગેરે ગુણો વિદ્યાર્થીમાં ખીલે એ જાતની શિક્ષણપદ્ધતિ નિર્માણ થવી જોઈએ. આજના શિક્ષકોનો, પ્રોફેસરોનો તથા આચાર્યોનો અને વિદ્યાર્થીઓનો મને પોતાને જે થોડો અનુભવ છે તે પ્રમાણે હું જણાવી શકું તેમ છું કે કોઈ શિક્ષક કે પ્રોફેસર વા આચાર્ય ભાગ્યે જ વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વધે, પ્રશ્ન-પ્રતિપ્રશ્ન કરવાની શક્તિ વધે, તેમની સ્વતંત્ર કલ્પનાશક્તિ વધે તે માટે જાગૃતભાવે પ્રયાસ કરતો હશે.
આ માટે આગળ જતાં જો માબાપો કે વિદ્યાર્થીના વાલીઓ પોતાનાં સંતાનોને એટલું જ પૂછવાની તકલીફ લે કે શાળામાં કે મહાવિદ્યાલયમાં રોજ થતી પ્રાર્થનાનો અર્થ વિદ્યાર્થીઓ સમજે છે ખરા? વા રોજ થતાં આચાર્યોનાં પ્રાથમિક પ્રારંભિક પ્રવચનોનો આશય મહાવિદ્યાલયમાં ભણનારાના ખ્યાલમાં આવે છે ખરો ? અત્યારે શિક્ષણ વગોવાઈ રહ્યું છે ને સૌ કોઈ શિક્ષણ તરફ નફરત ધરાવતા થઈ ગયા છે તેમ છતાં શિક્ષણના ઢાંચા ઘડવાનું
Page #4
--------------------------------------------------------------------------
________________ ગ્રામોદ્યોગ કલ્પવૃક્ષ છે - 193 કામ જેમના નિયમન નીચે થાય છે તેઓ આ નફરતપાત્ર શિક્ષણને બદલવા કંઈ વિચાર કરે છે કે કેમ તે અંગે કશું જાણવામાં આવતું નથી. રોગીનો રોગ જણાય છે છતાં તે માટે ઔષધની વ્યવસ્થા ન થાય તો એ રોગ શી રીતે મટે? અને આમ થવાથી વિદ્યાર્થીઓમાં અસંતોષ પેદા થાય અને પછી તો ચપળ વિદ્યાર્થીઓ કોના અંકુશમાં રહી શકે? અહીં જે ગૃહઉદ્યોગ કે ગ્રામોદ્યોગ વગેરેની વાત કરેલી છે તેનો મૂળ પાયો ઉદ્યોગપ્રધાન શિક્ષણ ઉપર છે. પૂજય ગાંધીજી કહેતા હતા કે શાળાનો કેટલોક ખર્ચ તો શાળામાં ચાલતા ઉદ્યોગો દ્વારા પેદા થવો જોઈએ. પણ આમ તો ત્યારે જ બને કે જયારે ઉદ્યોગપ્રિય, તેજસ્વી અને સાહિત્યપ્રિય શિક્ષકો તથા અધ્યાપકો શિક્ષણ સંસ્થાને મળી શકે. આમ થાય અને શિક્ષણ ઉદ્યોગલક્ષી થાય અને અક્ષરલક્ષી ઓછું રહે તો જ કાંઈક નવીનતા આવે. અત્યારે વિનયમંદિરોમાં જે વિજ્ઞાન શીખવવામાં આવે છે તે દ્વારા વિદ્યાર્થી શું સમજે છે ? અને વ્યવહારુ રીતે તેનો શો ઉપયોગ છે તે કોઈની સમજમાં આવે છે ખરું ? કોઈ વિદેશનું કે કોઈ શિક્ષણ સંસ્થાનું અનુકરણ કરીને આપતો શિક્ષણનો ઢાંચો બનાવીએ તે ક્યાં સુધી આપણી શૈક્ષણિક જરૂરિયાતોને સાધવા સમર્થ નીવડે એ જરૂર વિચારવું જોઈએ. ઉપર કહ્યું તેમ ગૃહઉદ્યોગ કે ગ્રામોદ્યોગ જરૂર કલ્પવૃક્ષરૂપ છે પણ તે અંગેની શિક્ષણયોજના બરાબર ન હોય તો બિચારું કલ્પવૃક્ષ તો આખરે વૃક્ષ જ છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે જો ગામડાંને તેજસ્વી બનાવવાં હોય, આત્મનિર્ભર જોવા ઇચ્છતા હોઈએ તો દેશના વર્તમાન સૂત્રધારોએ અને દેશની પ્રજાના સંસ્કારરક્ષકોએ પ્રથમ શિક્ષણમાં જ આમૂલ ફેરફાર કરવાનો કોઈ વિચારવિમર્શ કરીને તેની યોજના કરવી ઘટે. વળી, બીજી એક વાત એ છે કે સદાચારી સમાજનો પાયો પણ શિક્ષણ જ છે. જો શિક્ષકો, અધ્યાપકો અને આચાર્યો વિદ્વત્તાપૂર્ણ હોવા સાથે સદાચારપરાયણ, અવ્યસની અને સંયમી સાંપડે તો શિક્ષણનો રંગ જ ફરી જાય અને વિદ્યાર્થીઓનો સ્વભાવ પણ આપોઆપ બદલાઈ જાય. આમ થાય અને એ રીતે શિક્ષણનો તથા ઉચ્ચ શિક્ષણનો પ્રબંધ થાય તો જ શિક્ષણ સાથે ચાલતા ઉદ્યોગો કાર્યસાધક બને અને કલ્પવૃક્ષ થઈ નિરંતર ફળદાયી નીવડે. - અખંડ આનંદ, ડિસે. - 1975