________________
પરંતુ, લેખકે આદર્શ પાછળ ગાંડા બનનારાઓની ઠેકડી કરવા જ આ ગ્રંથ લખ્યો હોત, તો તો તે ગ્રંથ “માનવજાતનું બાઇબલ’ ગણાયો ન હોત, તથા તેનું આટલું જગદ્-વ્યાપી આકર્ષણ અને “અપીલ’ ઊભાં થયાં ન હોત. કેવળ ઠેકડી ઠઠ્ઠો એવું રસ-બીજ ધરાવે?
ગીતાના શબ્દોમાં કહીએ તો, (અ) ૭, શ્લો૦ ૩) જગતમાં હજારમાંથી એકાદ જણ કોઈક આદર્શને વળગી, તેની સિદ્ધિ માટે જાનમાલ ન્યોછાવર કરી, નીકળી પડે છે; પરંતુ તેવા હજારમાંથી એકાદ જણ જ સિદ્ધિને માર્ગે ‘તત્ત્વત:’ આગળ વધે છે; બાકીના નવસો-નવ્વાણુંની તો ફજેતી જ થાય છે. તે વખતે વ્યાવહારિક ડહાપણવાળા લોકો એ નિષ્ફળ નીવડતા લોકોની હસવા દ્વારા આકરી ટીકા કરે છે. સર્વાત એ હસતા લોકોમાં જાતે ભળતો હોય એમ હસવા લાગે છે, પણ ખરી રીતે, પોતાની સાહિત્ય-કળા મારફત, માનવજાતના એ આદર્શમુખી પ્રયત્ન તરફ સહાનુભૂતિ જ ઊભી કરાવે છે. સિદ્ધિને જ બિરદાવવાની, અને નિષ્ફળતાને હસી કાઢવાની જે પ્રાકૃત વૃત્તિ છે, તેને એ રીતે તે હાસ્યરસની મદદથી કલારસિક કે “સંસ્કૃત' કરે છે.
ગ્રંથકારના જીવનની જે ટૂંક માહિતી મળે છે, તે ઉપરથી પણ એમ જ માની શકાય છે.
સર્વાતનું આખું નામ મિગુએલ દ સર્વાત સાવદ્રા છે. સાવદ્રા એ તેની દાદીનું નામ છે, અને તે વખતની સ્પેન દેશની પ્રથા અનુસાર, પોતાના નામમાં તેણે ઉમેરેલું છે. તે સેવિલેના સર્વાત ખાનદાનનો નબીરો હતો, એટલું કહી શકાય છે. અર્થાત્ ‘હથિયાર-બહાદુર (“જેન્ટલમેન’) કહેવાતા ક્ષત્રિય – રાજપુત્ર કુટંબનો. અને તેથી જ પહેલેથી તેણે સૈનિક તરીકેની કારકિર્દી પસંદ કરી હતી. તે કહે છે તેમ, “ઘણાં વર્ષ સુધી તેણે સૈનિકજીવન ગાળ્યું હતું, અને પાંચ વર્ષ તો બંદીખાનામાં ગાળ્યાં હતાં. તેથી સહનશીલતાપૂર્વક દુ:ખો સહન કરવાની મને જાણે ટેવ જ પડી હતી.”