________________
પરમાત્મા તરફનો પ્રેમ એમના હૃદયમાં નીતરતો. પરમાત્માના ધ્યાનથી પ્રાપ્ત દિવ્યરત્નોને જ્યારે તે પ્રકાશિત કરતા ત્યારે તેમની આંખોનું તેજ ઝલકતું હતું. એમના મુખ પર સ્મિત રહેતું. તેઓશ્રીની વાણીમાં અમૃત વહેતું હતું અને સાંભળવા વાળાના દિલમાં પણ પરમાત્મા તરફ અપૂર્વ ભાવ પેદા કરતું. પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે એમની ચેતના ઉલ્લસિત બની પ્રભુના સ્વરૂપમાં લીન બની જતી હતી.
એ પ્રાણીમાત્રના કલ્યાણની ભાવનાના મધુર રસનો નિરંતર સ્વાદ કરતા. એ જ્યારે વિશ્વકલ્યાણની વાતો કરતા ત્યારે એમની આંખોમાંથી સમગ્ર જીવ-સૃષ્ટિ તરફ પ્રેમનું ઝરણું વહેતું હતું. એમના દયા અને કરુણાથી ભીના હૃદયમાંથી નીકળતો નિષ્કામ-પ્રેમ-પ્રવાહ મુમુક્ષુઓનાં હૃદયમાં રહેલી સ્વાર્થ-વાસનાને નષ્ટ કરી દેતા.
એ જ્યારે “નમસ્કાર-મહામંત્ર''ની વાત કરતા ત્યારે જ્ઞાનગંગાનો પ્રવાહ એમના
હૃદયમાંથી નીકળીને મુમુક્ષુ આત્માઓને પવિત્ર કરી દેતા. અહંકારનો નાશ કરનાર નમસ્કાર મહામંત્ર છે. અહંકાર શૂન્યતા એમના જીવનનો મહાન્ સદ્ગુણ હતો. અહં ભાવનો નાશ કરનાર જ ભીતરમાં રહે છે અને ‘‘અર્હ’નો સ્વાદ ચાખી શકે છે.
તેઓશ્રી હંમેશા કહેતા કે પરમાત્મતત્ત્વ અનુભવગમ્ય છે. અનુભવ સિવાય સમજાવવું કઠિન છે. મન, બુદ્ધિ, તર્ક અને શબ્દથી પર એવા પરમાત્મ-તત્ત્વના અમૃતમય સ્વરૂપને જિજ્ઞાસાપૂર્વક ગ્રહણ કરવા માટે જેમણે પોતાના હૃદયને ગ્રહણશીલ બનાવ્યું છે તે જ વ્યક્તિ પરમાત્મ-તત્ત્વની નજીક પહોંચી શકે છે.
સંસારમાં પરિભ્રમણ કરતા જીવમાં જ્યારે પ્રાણીમાત્ર તરફ મૈત્રી-ભાવ પ્રગટ થાય છે ત્યારે તે જીવનો મોક્ષમાર્ગમાં તીવ્રગતિએ વિકાસ થાય છે.
પ્રભુની કરુણાને ઔપચારિક માનનારને ઔપચારિક જેટલો જ લાભ મળે. પ્રભુની કરુણાને વાસ્તવિક સત્ય માનીને જે મુમુક્ષુ તે કરુણાને પોતાના હૃદયમાં ગ્રહણ કરવાની કોશિશ કરે છે તેના જીવનમાં પ્રભુની કરુણા સક્રિય રૂપથી કાર્યશીલ બને છે.
જિનપ્રવચનનું અધ્યયન એના પ્રણેતા અરિહંત પરમાત્માને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવા માટે કરવાનું છે એટલા માટે તો નવકારને ચૌદપૂર્વનો સાર કહે છે. ચૌદ પૂર્વનો સાર શુદ્ધ ચૈતન્યનો અનુભવ છે. શાસ્ત્રના પરમાર્થરૂપ એ અનુભવવચનોને સાંભળીને અનેક આત્માઓ નવકારનિષ્ઠ બને છે.
એકાંતવચન જિનશાસનને માન્ય નથી. જિનવાણી નય સાપેક્ષ છે. વ્યવહાર અને નિશ્ચય એ એક રથના બે પૈડા છે. બંનેની ધિર પર સાધનાનો રથ ચાલે છે કોઈ પણ નયને મુખ્ય કરીને દેશના અપાય છે કારણકે એ નયની વિવક્ષા છે પણ બીજા નયથી સાપેક્ષ છે કારણકે જિનમતમાં એકાંત માન્ય નથી.
.