Book Title: Anarthdanda Virman
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
View full book text
________________
અનર્થદંડ વિરમણ
ધર્મધ્યાનની વાતમાં, તું વળગ્યો રહેજે. પોતાની પળાતું નથી ને પારકું ત્યાં ક્યાં લહે,
પ્રકાશસિંહ વાણી વદે, તારાં કર્યાં તું સહે. એક બાજુ દિમ્પરિણામ વ્રત અને દેશાવગાસિક વ્રત હોય અને બીજી બાજુ ભોગોપભોગ પરિમાણ વ્રત હોય તો પછી વચ્ચે આ અનર્થ દંડવિરમણ વ્રતની જરૂર શી એમ પ્રશ્ન કોઈને થાય. એનો ઉત્તર શાસ્ત્રકારો એમ આપે છે. કે ભોગપભોગ પરિમાણમાં પોતાની ઇચ્છાનુસાર ભોગોપભોગનું પ્રમાણ કરવામાં આવે છે અને સાવઘ પ્રવૃતિઓનો પરિહાર કરવામાં આવે છે. પરંતુ અનર્થદંડમાં આવશ્યક – અનાવશ્યકનો વિચાર થાય છે અને જે અનાવશ્યક હોય તેનો સમાવેશ અનર્થદંડમાં કરવામાં આવ્યો છે. વળી શાસ્ત્રકારો કહે છે કે એ બે વ્રતો સ્વેચ્છાએ લેવાય છે, પરંતુ એ વ્રતની અંદર રહીને પણ ઘણી નિરર્થક પ્રવૃત્તિઓ થઈ શકે છે. ઉદાહરણ તરીકે દિક્પરિમાણ વ્રત ધારણ કરનાર કોઈ શ્રાવકે એવું વ્રત લીધું હોય કે ભારત બહાર પ્રવાસ કરવો નહીં અને એ વ્રતનું બરાબર ચુસ્ત કડક પાલન તેઓ કરતા હોવા છતાં ભારતમાં કામ હોય કે ન હોય તો પણ તેઓ અતિશય ફરાફર કરતા હોય તો તેમને સંયમમાં રાખવા માટે બીજા એક વ્રતની જરૂર પડે. એવી જ રીતે ભોગપભોગ પરિમાણ વ્રત ધારણ કરનાર કોઈ શ્રીમંત શ્રાવકે અમુક સ્થળે બંગલો બાંધવાની મર્યાદા બાંધી હોય અથવા કોઈપણ એક જ ચીજવસ્તુનો વેપાર કરવાની મર્યાદા બાંધી હોય તો પણ એમાં તે અતિશયતા કરી શકે છે કે જે એની પાસે નિરર્થક પાપાચરણ કરાવી શકે. માટે એવા વ્રતધારી શ્રાવકો માટે એક વધારાના વ્રતની આવશ્યકતા રહે છે. એટલે જ અનર્થદંડ વિરમણ વ્રતની અનિવાર્યતા સ્વીકારાઈ છે.
અજ્ઞાન, પ્રમાદ, ક્રોધ, દંભ વગેરેથી અનર્થદંડ થાય છે. એ અનર્થદંડનો શ્રાવકોએ વ્રતરૂપી વજ વડે ધ્વંસ કરવો જોઈએ. ‘પુરુષાર્થ સિદ્ધિ ઉપાય'માં આ વ્રતનો મહિમા બતાવતાં કહ્યું છે :
एवंविधमपरमपि ज्ञात्वा मुच्यत्यनर्थदण्डं यः ।
तस्यानिशमनवा विजयमहिंसा व्रतं लभते ।। (જેઓ આ રીતે આ ઉપરાંત બીજા પણ અનર્થદંડ જાણીને એનો ત્યાગ કરે છે તેઓ નિરંતર નિર્દોષ અહિંસાવ્રતનું પાલન કરે છે.)
ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત તે પાંચ અણુવ્રતના પોષણ અર્થે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org