________________
૩૩૦
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫
ઉદીરણા કરે છે : અર્થાત્ નરકમાં પડેલો એ જીવ પરમાધાર્મિક સુરોથી કરાતી અને ક્ષેત્રના પ્રતાપે ઉત્પન્ન થતી અનેક વેદનાઓને ભોગવે છે તેની સાથે ત્યાં પોતાની સાથે રહેલા અન્ય નરકના જીવો દ્વારા કરાતી વેદનાઓ પણ તેને ભોગવવી પડે છે.
એ સઘળીય પીડાઓના પ્રતાપે ગાઢ તાપને આધીન થયેલો એ જીવ ‘હા માતા ! હા નાથ ! તમે રક્ષણ કરો રક્ષણ કરો' - આ પ્રમાણે દીનપણે આક્રોશ કરે છે પણ ત્યાં તેનાં ગાત્રોની રક્ષા કરનાર કોઈપણ વિદ્યમાન હોતું નથી આથી એ આત્માને તે નરકમાં મને કે કમને ત્રણે પ્રકારની અનેક કારમી વેદનાઓ ભોગવવી જ પડે છે.
વળી કોઈ પણ રીતે કારમી ન૨કગતિમાંથી એ જીવ બહાર નીકળે છે તો ત્યાંથી નીકળીને તે બિચારો પોતાનાં પાપકર્મોના પ્રતાપે તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં પણ તેને અનેક પ્રકારની વેદનાઓ ભોગવવી પડે છે. તિર્યંચગતિમાં તેને ભાર વહન કરવો પડે છે અને લકુટ આદિથી કુટાવું પડે છે. એ ગતિમાં એ બિચારાનાં કાન અને પૂંછડું વગેરે છેદાય છે, એ બિચારાને કૃમિનાં જાળાં ખાય છે, એ બિચારો ભૂખને સહન કરે છે, એ બિચારો તરસથી મરે છે અને અનેક પ્રકારની તીવ્ર વેદનાઓથી એ બિચારો પીડાય છે.
અને તિર્યંચગતિના ત્રાસથી છૂટીને કોઈપણ રીતે મનુષ્યભવને પણ પામેલો એ જીવ, પોતાનાં તીવ્ર પાપોના પ્રતાપે મનુષ્યભવમાં પણ દુઃખોથી પીડાય જ છે. મનુષ્યભવમાં પણ એ આત્માને અનેક રોગોના સમૂહો કલેશ પમાડે છે, વૃદ્ધાવસ્થાના વિકારો જર્જરિત કરી નાખે છે. દુર્જન લોકો ઘણી ઘણી રીતે દુઃખી કરે છે, ઇષ્ટના વિયોગો વિલ કરે છે, અનિષ્ટના સંપ્રયોગો શોક કરાવે છે, ધનહરણો એટલે લૂંટારાઓ તેના ધનને ઉઠાવી જઈને તેને દીન હીન બનાવી દે છે, સ્વજનોનાં મરણો તેને આકુળવ્યાકુળ કરી નાખે છે અને અનેક પ્રકારના અધ્યવસાયો તેને વિલ બનાવી દે છે.
તથા એ જીવ કોઈ પણ રીતે દેવજન્મને પામે તો તે જન્મમાં પણ એ બિચારો વિવિધ પ્રકારની વેદનાઓથી ગ્રસિત થાય છે જ. દેવલોકમાં પણ પરવશ બનેલા એ આત્માને શક્ર આદિની આજ્ઞાઓ ઉઠાવવી પડે છે, પારકાના ઉત્કર્ષનું દર્શન કરવાથી તેને ઘણો જ ખેદ થયા કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
1416
www.jainelibrary.org