Book Title: Aatmkathao
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 7
________________ ગરીબાઇ જોવી હોય તો અમારું કુટુંબ જોઇ લો. ગરીબી સાથે ક્લેશકંકાશ પણ જડેલા હોય છે. અમે બ્રાહ્મણ હતા. બ્રાહ્મણ એટલે માંગનારી જાત ! માંગનારો માણસ કદી પૈસાદાર થાય ખરો ? એકવાર માંગીને ખાવાની ટેવ પડી ગઇ, પછી એ નીકળતી નથી. વગર મહેનતે મફતનું મળતું હોય તો મહેનત શા માટે કરવી ? મહેનત વગર અમારું કુટુંબ આળસુ બની ગયું હતું. આળસ હોય ત્યાં ગરીબી ઘુસી જ જાયને ! અમે જ ગરીબીને સામે ચડીને બોલાવી હતી. આળસુ માણસે કદી ગરીબી માટે ફરીયાદ કરવી જોઇએ નહિ. મારા પિતાજી ઋષભદાસ આળસુ થઇને પડ્યા રહેતા અને મારી મા ભદ્રા આખો દિવસ ઝગડ્યા કરતી, ગાળો બક્યા કરતી ! આમ ને આમ રોજ સાંજ પડી જતી. મોટા ભાગે હું તો ભૂખ્યો જ સૂઇ જતો. મને યાદ નથી મેં ક્યારેય પેટ ભરીને ખાધું હોય ! ઢામ... ઢીમ... ઢીમ... ઢામ... ઢીમ... એક દિવસ અમારા રાજગૃહ નગરમાં ઢોલ પીટાયો ! અમે સૌ ચોકન્ના બની ગયા. અમને ઘોષણા સંભળાઇ : સાંભળો... સાંભળો... સૌ પ્રજાજનો ! સાંભળો... આપ સૌ જાણો જ છો કે આપણા મહારાજા શ્રી શ્રેણિક નવી ચિત્રશાળા બનાવી રહ્યા છે, પણ તેનો દરવાજો વારંવાર તૂટી જાય છે. આ અંગે બ્રાહ્મણ પંડિતોએ રાજાને સલાહ આપી છે કે કોઇ બત્રીસ લક્ષણા બાળકનો હોમ કરો. તો... આવો બાળક જે, કોઇ માતા-પિતા રાજાને આપશે, રાજા તેને તે બાળકના વજન જેટલું સોનું આપશે.” આ ઢંઢેરો સાંભળી મારા માતા-પિતા ખુશ-ખુશાલ થઇ ગયા. જાણે લોટરી લાગી ગઈ. એમણે વિચાર્યું : આપણને ચાર પુત્રો છે. એમાંથી એક આપી દઇએ તો? એકનો ખર્ચ બચશે, ને વળી અઢળક સોનું મળશે. આટલું સોનું આપણને આ જનમમાં જોવાય ક્યાં મળવાનું ? આ અમારો અમરિયો આમેય અળખામણો છે, આપણને દીઠેય નથી ગમતો... બસ... એને આપી દઇએ, આપણું ને રાજાનું બંનેનું કામ થશે. આત્મ કથાઓ • ૧૨ ઢંઢેરો ત્યાં જ અટકાવી દેવામાં આવ્યો. મને બલિ તરીકે આપવામાં આવી રહ્યો છે આ જાણતાં જ હું તો કંપી ઊઠ્યો : જીવતેજીવ સળગી જવાનું ? એ પણ કોઇ ગુના વિના ? શા માટે ? માણસ જેવા માણસને અગ્નિમાં હોમી દેવો ? આ કેવા બ્રાહ્મણો? આ કેવો યજ્ઞ ? આ કેવો રાજા ? કોઇ કહેનારું જ નથી ? આવા યજ્ઞને ધર્મ કહેવાય? આને ધર્મ કહેવાય તો અધર્મ કોને કહીશું? મારા મનમાં પ્રશ્નોની ઝડી વરસી. પણ મારા પ્રશ્નોનો જવાબ આપનારું કોઇ નહોતું. જવાબ તો શું કોઇ સાંભળવાય તૈયાર નહોતું. હું માતા-પિતા પાસે ગયો અને ચરણોમાં માથું મૂકીને કહેવા લાગ્યો : મહેરબાની કરીને પૈસા ખાતર મને મારી ન નખાવો. પૈસા મહાન છે કે જીવન મહાન ? વાઘણ પણ પોતાના બચ્ચાને મારી નાખતી નથી... મા ! તું મા થઇને આ શું કરે છે ? પિતાજી ! આપ શું જોયા કરો છો? હું આપનો જ અંશ છું. મારી હત્યા એ અંશતઃ આપની જ હત્યા નથી ? પણ માતા-પિતાની આંખો સોનાથી અંજાયેલી હતી. મારી સામુંય જોવા તૈયાર નહોતા... ત્યાં બચાવવાની વાત જ ક્યાં ? આમેય એમને હું ગમતો હોતો... ને વધુમાં મને આપવાથી સોનું મળતું હતું ! આવો મોકો તેઓ ચૂકે ? એક પંથ દો કાજ ! બલા પણ ટળે અને સોનું પણ મળે ! પછી તો હું કાકા, મામા, માસા વગેરે બધા સ્વજનો પાસે ગયો... પણ કોઇના પેટનું પાણી ન હાલ્યું. કોઇ મને બચાવવા આગળ ન આવ્યું. સંસારની સ્વાર્થોધતા એના નગ્નસ્વરૂપે મને જોવા મળી. બધા સગાઓએ એક જ જવાબ આપ્યો : “તારા માતા-પિતા જ જ્યાં તને વેંચી દેતા હોય ત્યાં અમે શું કરીએ ? તારા પર સંપૂર્ણ હક્ક તારા માતા-પિતાનો છે. તું એમની પાસે જ જા. કામ થશે તો ત્યાંથી થશે. નહિ તો ક્યાંયથી નહિ થાય.” બધા આવી સલાહ આપીને છુટી ગયા, પણ કોઇએ મારા માતાપિતાને સમજાવવાની કોશીશ ન કરી. આપણે શું ? મરશે તો અમર મરશે... આપણે શું લેવા-દેવા ? આવા ખ્યાલોમાં રાચતા સગાઓ પાસેથી વધુ અપેક્ષા રખાય પણ શું? આત્મ કથાઓ • ૧૩

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 273