________________
અમર આત્મા બારમા દેવલોકમાં પહોંચી ગયો.
આજે હું બાવીશ સાગરોપમના આયુષ્યવાળો દેવ છું ને મારી મા ક્યાં છે ? તે જાણો છો ? હા... એને પણ બાવીશ સાગરોપમનું જ આયુષ્ય છે. પણ દેવલોકનું નહિ, નરકનું... છટ્ટી નરકનું !
મારી હત્યા કરીને રાજી થતી-થતી એ ઘર તરફ પાછી વળી રહી હતી, ત્યારે રસ્તામાં મળેલી વાઘણે તેને ફાડી ખાધી. ભયંકર રૌદ્રધ્યાનમાં મૃત્યુ પામીને એ બિચારી છઠ્ઠી નરકમાં ચાલી ગઇ. બિચારી માનવજીંદગી હારી ગઇ. હું એને દુર્ગતિથી ન બચાવી શક્યો, એનું મને આજે પણ દુઃખ છે.
આત્મ કથાઓ - ૧૮
(૨) હું નંદિપેણ (સેવામૂર્તિ)
નાનપણથી જ હું દર્પણનો દુશ્મન હતો. બિચારા દર્પણનો કોઇ દોષ હોતો. દોષ મારો જ હતો... પણ હુંયે શું કરું ? હું લાચાર હતો. મારું બીભત્સ રૂપ બીજાને તો શું મનેય ગમતું ન્હોતું. હવે તમે સમજી શક્યા હશો કે હું દર્પણનો દુશ્મન શા માટે હતો ? બીજા માણસો અરીસામાં કલાકો સુધી પોતાનું મોઢું નિરખ્યા કરે અને હરખ્યા કરે, જ્યારે મારે અને અરીસાને બીયાં-બારૂં હતું !
કુરૂપતાની સાથે દૌર્ભાગ્ય પણ ભળેલું હતું ! કોઇ મારી સાથે પ્રેમ ના કરે, વહાલ ના બતાવે. અરે... બે મીઠા શબ્દ પણ ના કહે.
મારું માથું હતું ત્રિકોણ ! એના પર જંગલના સૂકા ઝાડ જેવા સીધા બરછટ વાળ ! આંખો બિલાડી જેવી ! નાક જાણે મોટું ભૂંગળું ! દાંત જાણે ખેતરનું હળ ! ગાલ ચપટા ! પીઠ ધૂંધવાળી ! હાથ-પગ દોરડી અને પેટ ગાગરડી !
હવે તમેજ કહો, કોઇ મને બોલાવે ખરો ?
હા... બાળકો માટેનું તો હું રમકડું બની ગયો હતો ! માત્ર બાળકો જ નહિ, મોટેરાઓ પણ મને પજવવામાં કશી મણા ન રાખતા.
સત્કાર તો ન મળે, પણ ધિક્કાર મળે. ફૂલ ન મળે, પણ શૂલ મળે. કંકુ તો ન મળે, પણ કીચડ મળે, ત્યારે માણસની શી હાલત થાય તેની તમે કલ્પના કરી શકો છો ? ના... તમે કલ્પના પણ નહિ કરી શકો. કદાચ કલ્પના કરી શકો તો પણ અનુભૂતિ નહિ કરી શકો. તમારી કલ્પના સંવેદનહીન હશે. કારણ કે તમારા સ્વયં પર જ્યાં સુધી આવું કશું વીતે નહિ ત્યાં સુધી તમે એવા દુઃખની કલ્પના પણ કરી શકો નહિ. ઘાયલ કી ગત ઘાયલ જાને.' આ વાત એમને એમ નથી કહેવાઇ.
જેને ક્યાંયથી પ્રેમ ન મળે, તેને પણ મા-બાપ તરફથી તો જરૂર પ્રેમ મળે. ગાંડું-ઘેલું, ગંદુ-ગોબરૂં કે ગમે તેવું બાળક હોય, પણ માબાપ તેના પર વહાલ વરસાવવાના, પણ મારા નસીબમાં એ પણ ન્હોતું. આત્મ કથાઓ - ૧૯