Book Title: Samipya 2000 Vol 17 Ank 03 04
Author(s): Bhartiben Shelat, R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃત સાહિત્યમાં મહાત્મા ગાંધી : પ્રધાન સંપાદક : ડૉ. ગૌતમ પટેલ, સંપાદક : હર્ષદેવ માધવ, પ્રથમ આવૃત્તિ, સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૧૯૯૯, મૂલ્ય રૂ. ૨૦૦.
ભારતના રાજકીય તથા સાંસ્કૃતિક અભ્યુદયમાં પ્રબળ વ્યાપક પ્રભાવ પાડનાર મહાત્મા ગાંધીજી વિશે ભારતની વર્તમાન ભાષાઓમાં તો ઘણું લખાયું છે; તદુપરાંત ભારતની પ્રશિષ્ટ પ્રાચીન ભાષા સંસ્કૃતમાં પણ એમને વિશે વિવિધ સ્વરૂપે ઠીક ઠીક લખાયું છે. ગુજરાતના એ મહાત્માને લગતા આ વિષય પર ગુજરાત રાજ્યની સંસ્કૃત સાહિત્ય અકાદમી વિસ્તૃત સમીક્ષા કરે એ સ્વાભાવિક છે. અકાદમી તરફથી ૧૯૯૬ માં ગાંધીજીના વતન પોરબંદરમાં ‘સંસ્કૃત સાહિત્યમાં મહાત્મા ગાંધી' ‘વિશે રાષ્ટ્રિય પરિસંવાદ યોજવામાં આવેલો, જેમાં ગાંધીજી વિશે અનેક લેખો તથા શોધપત્રો રજૂ થયેલા. આગળ જતાં ગાંધીજી વિશે રચાયેલાં ગુજરાતી કાવ્યોનો સંસ્કૃત અનુવાદ કરવાનો કાર્યશિબિર માઉન્ટ આબુ તથા વલ્લભ વિદ્યાનગરમાં યોજાયેલો. આ સર્વ સત્પ્રવૃત્તિઓનાં પરિણામોને ગ્રંથસ્થ કરવામાં આવે તો જ એનું સ્થાયી સક્રિય પરિણામ નીપજે. આ હેતુથી સંસ્કૃત સાહિત્ય અકાદમીએ આ ગ્રંથનું સંપાદન ડૉ. હર્ષદેવ માધવને સોંપ્યું. તેઓ આ સર્વ પ્રવૃત્તિ સાથે પહેલેથી સક્રિય રીતે સંકળાયેલા હતા. આ ઉત્સાહી તજ્ઞ સંપાદકે ત્રણ વર્ષ સતત પરિશ્રમ કરી ગુજરાતના તથા અન્ય પ્રદેશોના અનેક વિદ્વાનોનો સંપર્ક સાધી પ્રસ્તુત ગ્રંથનું સુપેરે સંપાદન કર્યું.
મહાત્મા ગાંધી વિશે સંસ્કૃત સાહિત્યમાં અનેક મહાકાવ્યો, ખંડકાવ્યો, રૂપકો, ઊર્મિકાવ્યો, ગીતો ઇત્યાદિ કૃતિઓ રચાઈ છે. આ ગ્રંથમાં એમાંની અનેક કૃતિઓનો વિશદ પરિચય આપવામાં આવ્યો છે, આ પરિચય-લેખોમાં ગુજરાત માટે પ્રથમ નોંધપાત્ર બાબત એ છે કે શ્રી મોહનદાસ ગાંધીજીને માટે ‘મહાત્મા’ બિરુદનો પહેલવહેલો પ્રયોગ શ્રી જીવરામ કાલિદાસ શાસ્રીએ ૧૯૧૫ માં ગોંડળમાં એમને અર્પણ કરેલા સન્માન-પત્રમાં કરેલો. આ ગ્રંથમાં એ પ્રસંગનો તથા સંસ્કૃતમાં રચાયેલા એ સન્માનપત્રનો વિગતે પરિચય આપવામાં આવ્યો છે.
મહાત્મા ગાંધીજી વિષે સંસ્કૃત સાહિત્યમાં અનેક મોટીનાની કૃતિઓ રચાઈ છે. સંપાદક શ્રીએ આ ગ્રંથના પરિશિષ્ટ ૧ માં આ કૃતિઓની વિગતવાર સૂચિ આપી છે. આ સૂચિ કૃતિ-શીર્ષકોના અકારાદિક્રમે આપી છે એને બદલે લેખક-નામના અકારાદિક્રમે કે પ્રકાશનવર્ષના કાલાનુક્રમે અપાઈ હોત તો તે વધુ ઉપકારક નીવડત.
આ પરિસંવાદમાં તથા એની ફલશ્રુતિ રૂપે તૈયાર થયેલા આ ગ્રંથમાં આ કૃતિઓમાંની કેટલીક કૃતિઓનો વિશદ પરિચય જુદા જુદા વિદ્વાનો દ્વારા આપવામાં આવ્યો છે. આ ગ્રંથના લેખકોની સૂચિ સંપાદકે પરિશિષ્ટ ૨ માં આપી છે. આ લેખકોમાંના કેટલાકે ગાંધીજી વિશેની અમુક સંસ્કૃત કૃતિઓની સમીક્ષા કરી છે, તો કેટલાકે ગાંધીજી અને આ કૃતિઓનાં વિવિધ પાસાંની છણાવટ કરી છે. પં. ભગવદાચાર્ય-રચિત ‘ભરતપારિજાત' વિશે અહીં અનેક લેખોનો સમાવેશ કરાયો છે. એ ઉપરાંત મહાત્મા નિર્વાણમ્, સ્વરાજ્યવિજય; મહાત્માયનમ્, સત્યાગ્રહગીતા, શ્રી ગાન્ધિગૌરવમ્, ગાન્ધિચરિતમ્,‘મહાત્મવિજય કાવ્ય’ મોહનમંજરી ઇત્યાદિ કૃતિઓ આ લેખોમાં સમીક્ષિત કરાઈ છે. પરિશિષ્ટ ૧ માંની સૂચિ જોતાં આવી અન્ય અનેક કૃતિઓ અહીં સમાવિષ્ટ કરી શકાઈ હોત તો આ લેખસંગ્રહ વધુ સમૃદ્ધ બનત એવું લાગ્યા કરે છે. પરંતુ આ લેખસંગ્રહ તો પોરબંદરમાં થયેલા પરિસંવાદમાં પ્રસ્તુત કરાયેલા લેખો પર આધારિત છે. ભવિષ્યમાં બાકીની મહત્ત્વની સંસ્કૃત કૃતિઓ વિશે અકાદમી બીજો પરિસંવાદ યોજે તો કેવું સારું ! ‘લેખસંગ્રહ’ પછી અપાયેલ ‘કાવ્યસંગ્રહ’ ઘણો વિપુલ અને સમૃદ્ધ છે. એમાં શ્રી રવીન્દ્રનાથ ટાગોરથી માંડીને શ્રી. ઉમાશંકર જોશી અને શ્રી. સુરેશ જોશી તથા શ્રી. અજિત ઠાકોર અને શ્રી. હર્ષદેવ માધવ સુધીના અનેક કવિઓનાં ગુજરાતી કાવ્યોનો સંસ્કૃત અનુવાદ ડૉ. મણિભાઈ પ્રજાપતિ, ડૉ. એમ.વી. જોશી, ડૉ. ઉમા દેશપાંડે, ડૉ. વાસુદેવ પાઠક, ડૉ. રાજેન્દ્ર નાણાવટી અને ડૉ. હર્ષદેવ માધવ જેવા વિદ્વાનોએ કરી આપ્યો છે. ડૉ. અજિત ઠાકોર દ્વારા આયોજિત કાર્યશિબિરોની આ મહત્ત્વની ફલશ્રુતિ છે. આ પુરુષાર્થનો પરિચય અહીં પરિશિષ્ટ ૩માં અપાયો છે.
પરિશિષ્ટ ૨ (અ) માં ગાંધીજીએ સંસ્કૃત ભાષા અને સાહિત્ય, ઉપનિષદો, રામાયણ, મનુસ્મૃતિ, ભાગવત, ગ્રંથ-સમીક્ષા]
[૭૩
For Private and Personal Use Only