________________
પૂર્વસંપાદકીય નિવેદન સંવેગી દીક્ષા અંગીકાર કર્યા પહેલાં પરંતુ ઢેઢક (સ્થાનકવાસી) મતના પરિત્યાગની ભાવનાના ઉદ્દભવ અને સ્થિરીકરણ પછી પ્રથમ કૃતિ તરીકે જેની વિશ્વવિખ્યાત પંજાબ કેસરી ન્યાયાંભોનિધિ શ્રીવિજયાનન્દસૂરીશ્વરજીના વરદ હસ્તે “વિનોલી ગામમાં વિ. સં. ૧૯૨૭માં રચના થઈ તે આ “નવતત્ત્વસંગ્રહ”ને પ્રકાશિત થયેલું જોઈ કોઈ પણ સહૃદયને આનંદ થાય જ. તેમાં પણ વળી મારા સદ્ગત પિતાના સતીર્થ્ય અને ધર્મસ્નેહી તેમજ મારા પ્રત્યે પૂર્ણ વાત્સલ્યભાવ રાખનારા આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરિજીએ “મોહમયી નગરીમાં અગ્રસ્થાન ભોગવતા શ્રીગોડીજી મહારાજના ઉપાશ્રયમાં આપેલા સદુપદેશનું આ મુખ્ય પરિણામ છે. એ સ્મરણમાં આવતાં મારા જેવાને અધિક આનંદ થાય છે. અગાઉથી ગ્રાહક તરીકે નામ નોંધાવી નકલ દીઠ ચાર રૂપિયા શ્રીવિજયદેવસૂર સંઘ (પાયધુની, મુંબઈ)ની પેઢીમાં ભરી જે ગ્રાહકવર્ગે આ પ્રકાશનમાં જે આર્થિક પ્રોત્સાહન આપ્યું છે તેટલે અંશે આ પ્રકાશનરૂપ પુણ્યાત્મક કાર્યમાં તેમનો હિસ્સો છે, એમ મારે કહેવું જ જોઈએ. આ કાર્યમાં ૨૫૧ નકલો નોંધાવવાની જે પહેલ શ્રીવિજયદેવસૂર સંઘની પેઢીના કાર્યવાહકોએ કરી, તે બદલ તેમને ધન્યવાદ ઘટે છે. વિશેષમાં પ્રકાશન માટે રકમ એકઠી કરી આપવામાં એ પેઢીના તે વખતે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે શ્રીયુત મણીલાલ મોતીલાલ મૂળજી તરફથી એ પેઢી દ્વારા જે અનુકૂળતા કરી આપવામાં આવી તેની આભારપૂર્વક નોંધ લેવામાં આવે છે. આ ગ્રંથ ધારેલા સમયે બહાર પડવાના કાર્યમાં કેટલાક અનિવાર્ય પ્રસંગોને લઈને જે વિલંબ થયો, તે બદલ હું દિલગીર છું. આ ગ્રંથ તૈયાર કરવામાં જે હસ્તલિખિત પ્રતિ મને કામ લાગી છે, તે ઝંડિયાલા ગુરુ (Jandiala Guru)ના ભંડારની ૭૪ પત્રની છે તેમજ તે કર્તાએ સ્વહસ્તે લખેલી જણાય છે. એમાં પીળી હરતાળનો કેટલેક સ્થળે ઉપયોગ કરાયો છે અને કોઈક સ્થળે ગ્રંથકારે પોતે તે સુધારેલી દેખાય છે. આ પ્રતિ મને મેળવી આપવાનું જે સ્તુત્ય કાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ કર્યું, તે સાહિત્યપ્રચાર અંગેની તેમની સક્રિય સહાનુભૂતિના પ્રતીકરૂપ છે, એમ કહ્યા વિના નહિ ચાલે. આ પ્રમાણે આ ગ્રંથના પ્રકાશન કાર્યમાં તેમના તરફથી જે વિવિધ પ્રકારનો સહકાર મળ્યો છે. તે બદલ હું તેમનો અત્યંત ઋણી છું એના સ્મરણલેશ તરીકે આ સંસ્કરણમાં તેમની પ્રતિકૃતિને સાનંદ અગ્રસ્થાન આપું છું. દક્ષિણવિહારી મુનિરાજ શ્રીઅમરવિજયજીના વિદ્વાન્ શિષ્ય મુનિ શ્રીચતુરવિજયજીએ આ ગ્રન્થના ૧૩૬ પૃષ્ઠ સુધીનાં દ્વિતીય વેળાનાં શોધનપત્રોની તેમના ઉપર મોકલાયેલી એકેક નકલ તપાસી મોકલી છે, તે બદલ તેમનો સાનંદ ઉપકાર માનવામાં આવે છે.
૧. આ સંબંધમાં શ્રીવિજયવલ્લભસૂરિજી કહે છે કે-“ચૌમાસા પછી હોંશિયારપુરથી વિહાર કરીને દિલ્લી શહેર તરફ ગયા. અને સંવત ૧૯૨૪નું ચોમાસું, દિલ્હીથી વિહાર કરીને યમુના નદીને પાર “બિનૌલી” ગામમાં જઈને કર્યું, જ્યાં કેટલાયે લોકોએ સનાતન જૈનધર્મનું શ્રદ્ધાન અંગીકાર કર્યું. આ ચોમાસામાં શ્રી આત્મારામજીએ “નવતત્ત્વ” ગ્રંથ બનાવવો શરૂ કર્યો, સંવત્ ૧૯૨૫માં ચોમાસું શ્રી આત્મારામજીએ “બડૌત” ગામમાં કર્યું, જ્યાં “નવતત્ત્વ” ગ્રંથ સમાપ્ત કર્યો, જે ગ્રંથને જોતાં જ ગ્રંથકર્તાનો બુદ્ધિવૈભવ માલૂમ થાય છે.”
આ ટિપ્પણમાં ગ્રંથ “બડૌત'માં સં. ૧૯૨૫માં પૂર્ણ થયાનો જે ઉલ્લેખ છે. તે વિસંવાદી છે. આ સંબંધમાં શ્રીવિજયવલ્લભસૂરિજીનું સાદર લક્ષ્ય ખેંચતાં તેઓ સૂચવે છે કે “મને જેવું યાદ રહેલું તેવું લખાવેલ છે. કારણ કે, આચાર્યશ્રીના સ્વર્ગવાસ પછી જીવનચરિત્ર લખવામાં આવેલ છે. એથી અલના હોવાનો સંભવ છે. માટે ગ્રંથકાર પોતાના હસ્તલિખિત પુસ્તકમાં જ પોતે જે સંવત્ લખે છે તે જ ખરો સમજવો.”
૨.જુઓ “શ્રીઆત્માનંદપ્રકાશ” (પુ. ૨૭, અં. ૨,પૃ.૩૬-૩૮). ૩.એમની શુભનામાવલી અંતમાં આપેલી છે.