Book Title: Mudrit Hastpratsucho Samiksha ane Suchano
Author(s): Jayant Kothari
Publisher: Z_Ek_Abhivadan_Occhav_Ek_Goshthi_001184.pdf
View full book text
________________
મુદ્રિત હસ્તપ્રતસૂચિઓ ઃ સમીક્ષા અને સૂચનો
આપણને ભૂલ હોવાની શંકા કેવી રીતે થાય ? ને થાય તોયે આપણે એને કેવી રીતે સુધારી શકીએ ? આપણે હસ્તપ્રત સુધી જ જવું પડે. ગુજરાતી સાહિત્યકોશમાં હસ્તપ્રતો સુધી જવાની અમારી કોઈ યોજના ન હતી, પરંતુ બીજાં સાધનોથી તથા અમારી જાણકારી ને સમજથી સૂચિઓમાં ભૂલ હોવાની અમને શંકા થઈ ને નમૂના રૂપે લા. ૬. વિદ્યામંદિરની કેટલીક હસ્તપ્રત ચકાસતાં અમારી શંકાઓ સાચી પડી અને જેની સૂચિઓનો અમે ઉપયોગ કરતા તે ભંડારો સુધી જવાનો અમારે કાર્યક્રમ કરવો પડ્યો અલબત્ત, શંકાસ્થાનોને ચકાસવા પૂરતો. અમારી કોશની ફાઇલો પર સૂચિઓની માહિતીના ઢગલાબંધ સુધારાઓ નોંધાયેલા પડ્યા છે. આનો લાભ લઈને પણ આ સૂચિઓ પરિશુદ્ધ કરી શકાય. પાટણ હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની સૂચિના પહેલા ભાગની શુદ્ધિ આ રીતે અમારી કોશની ફાઇલો પર નોંધાયેલી નીકળે. પણ એ સૂચિ તો પાટણ ભંડારોની મુનિશ્રી જંબૂવિજયજીએ કરેલી સૂચિમાં એમ ને એમ આમેજ થઈ. મને થાય, ને મેં જંબૂવિજયજીને સૂચવ્યું પણ હતું, કે સાહિત્યકોશની સામગ્રીનો લાભ લઈને એ સૂચિને પરિશુદ્ધ કરી શકાઈ ન હોત ? પણ આવું મહેનતનું કામ કોણ કરે ?
-
૫૫
સૂચિમાહિતી શક્ય તેટલી વધુ પ્રમાણભૂત રહે તે માટે શું કરવું જોઈએ ? બે વિચાર આવે છે. એક તો, આદિ-અંતના ભાગોનાં ઉદ્ધરણવાળી વર્ણનાત્મક સૂચિઓ જ કરવી જોઈએ. એમાં સૂચિકારની ભૂલો પકડવાની ચાવી આપણા હાથમાં રહે છે. હું પોતે વર્ણનાત્મક સૂચિનો આગ્રહી છું. ઓછામાં ઓછું, પદ વગેરે નાની કૃતિઓ છોડીને સર્વ મોટી કૃતિઓની તો આવી જ સૂચિ થવી જોઈએ. પરંતુ ઉચ્ચ અભ્યાસને વરેલી, ઘણાં સાધન-સગવડવાળી આપણી આજની સંશોધનસંસ્થાઓ પણ એવી સૂચિનો ઉપક્રમ કરી શકતી નથી, તો બીજા કોની પાસે એ આશા રાખી શકાય ? ભો. જે. વિદ્યાભવન પાસે તો આદિ-અંતના ભાગવાળી વર્ણનાત્મક સૂચિની પૂર્વપરંપરા હતી. (હીરાલાલ પારેખે તૈયાર કરેલી કવીશ્વર દલપતરામ સૂચિ), છતાં એણે નવી સૂચિ કરતી વખતે એને સામે ન રાખી, ને પાછાં પગલાં ભરવા જેવું કર્યું.
બીજો વિકલ્પ એ છે કે હસ્તપ્રતસૂચિ તૈયાર કરવાનું એક વ્યક્તિ હસ્તક ન રાખવામાં આવે, પરંતુ બેત્રણ વ્યક્તિના જૂથને એ કામ સોંપવામાં આવે. તેઓ એકબીજાનાં કામની ચકાસણી કરે એવું ગોઠવવામાં આવે તેમજ આખું કામ કોઈ નિષ્ણાતનાં માર્ગદર્શન અને દેખરેખ નીચે ચાલે. વર્ષો પૂર્વે એક સંસ્થાની સૂચિ ત્રણચાર વ્યક્તિઓના જૂથ દ્વારા મારી દેખરેખ નીચે કરાવી આપવાની મેં તૈયારી બતાવેલી, પણ કોઈને એ સૂચિનું કામ સોંપાયેલું હતું અને એ ભાઈ એને છોડવા તૈયાર નહોતા. તેથી એ વાત ત્યાં જ રહી. આજે દશપંદર વર્ષે પણ એ સૂચિ પ્રગટ થઈ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org