________________
માનવધર્મ
જાગૃતિની જરૂર જુદી વસ્તુ છે ને આ સાયકોલોજી ઈફેક્ટ જુદી વસ્તુ છે. સ્કૂલમાં આવું શીખે એટલે એને યાદ આવે જ. કોઈકનું પડી ગયેલું જડે એને, તો તરત યાદ આવે કે ભઈ, મારું પડી ગયું હોય તો શું થાય ? એટલે બીજાને કેટલું દુઃખ થતું હશે, બસ આ સાયકોલોજી ઈફેક્ટ. આમાં જાગૃતિની જરૂર નથી એટલે પુસ્તક જ છપાવીને પુસ્તક જ બધી સ્કૂલ-કોલેજમાં ચાલુ થઈ જવા જોઈએ અમુક ઉંમરના છોકરાઓને માટે.
અને માનવધર્મ પાળે તો પુણ્ય કરવાની જરૂર જ નથી. પુર્વે જ છે એની. એ માનવધર્મના તો પુસ્તકો લખવા જોઈએ. કે માનવધર્મ એટલે શું ? એવાં પુસ્તકો લખાય, જે પુસ્તકો લોકોના વાંચવામાં આવે ભવિષ્યમાંય.
પ્રશ્નકર્તા : એ તો આ ભાઈ છાપામાં લેખ લખશે ને ?
દાદાશ્રી : ના, એ તો ચાલે નહીં. લેખ લખેલા તે તો પસ્તીમાં જતા રહે છે. પણ પુસ્તકો છપાવવા જોઈએ. કો'કને ત્યાં એક પડી રહ્યા હોને, ફરી છપાવનારો નીકળી આવે, તેથી આપણે કહીએ છીએને, બબ્બે હજાર પુસ્તકો લઈ અને આપ્તવાણીઓ બધી વેચ વેચ કર્યા કરો. એકાદ રહી ગઈ હશેને, તો લોકોનું કામ થશે અને આ બીજું બધું પસ્તીમાં જતું રહેશે. લેખ લખે છે ને, એમાં સોના જેવો લેખ હોય છે એ પણ બીજે દહાડે પસ્તીમાં આપી દે આપણા હિન્દુસ્તાનના લોક ! મહીં સારું પાનું હોય તે ફાડી લેવાનું નહીં. એટલું પેલામાં (પસ્તીમાં) વજન ઓછું થશે ને ? એટલે આ જો માનવધર્મ ઉપર પુસ્તક લખાય....
પ્રશ્નકર્તા : દાદાની વાણી માનવધર્મ ઉપર ઘણી હશે.
દાદાશ્રી : ઘણી, ઘણી, બહુ બહુ નીકળેલી, પણ આપણે કાઢવાનું કહીશું નીરુબેનને. નીરુબેનને કહોને. એ વાણી કાઢશે ને પુસ્તક બનાવે.
આ માનવતા એ મોક્ષ નહીં. માનવતામાં આવ્યા પછી મોક્ષ થવાની તૈયારીઓ થાય. નહીં તો મોક્ષ થશે એ સહેલી વાત નથી.
- જય સચ્ચિદાનંદ