Book Title: Mahavira Bhagwana
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 3
________________ ભગવાન મહાવીર અંતે ત્રીસ વર્ષની ઉંમરે સંસાર ત્યાગી સાધુ બન્યા. બાર વર્ષ અને છ મહિના ભગવાન મહાવીરે ધ્યાન અને સંયમની સાધનામાં લગભગ મૌનપણે પસાર કર્યા. પશુ, પક્ષી તથા ઝાડપાનને પણ ક્યારેય પોતાના હાથે દુઃખ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખતા. એમની આ સાધનામાં ઉપવાસના દિવસો વધારે હતા. ખુલ્લા પગે ઘેર ઘેર ફરી ગોચરી લેતા અને સમતાપૂર્વક જીવનમાં આવતા ઉપદ્રવોને સહન કરતા. આ સાડાબાર વર્ષના સાધનાકાળ દરમિયાન એમણે - • ભયંકર વિષધર ચંડકૌશિકને પ્રેમથી શાંત કર્યો. • બળદ શોધતાં ખેડૂતે કાનમાં ખીલા ઠોક્યા તે પણ સમતાપૂર્વક સહન કર્યા. • ચંદનબાળાના બાકળા સ્વીકારી પાંચ માસ અને પચ્ચીશ દિવસના ઉપવાસનું પારણું કર્યું. • ગ્રામ્ય અશિક્ષિત લોકો દ્વારા થયેલી કનડગત અને પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો શાંતિથી અને ક્ષમા ભાવનાથી કર્યો. આ સાધનાના સમય દરમિયાન તેમણે આધ્યાત્મિક પ્રગતિ સાધી ચારેય ઘાતી કર્મોનો નાશ કર્યો. એમણે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર અને અનંત વીર્યનો સાક્ષાત્કાર કર્યો. આને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું કહેવાય છે. હવે તેઓ ભગવાન મહાવીર અથવા મહાવીરસ્વામી કહેવાયા. બીજા ૩૦ વર્ષ સુધી સમગ્ર ભારતમાં ખુલ્લે પગે વિહાર કરી સહુને પોતાને સાક્ષાત્કાર થયેલા મુક્તિના માર્ગનો ઉપદેશ આપ્યો. મહાવીરસ્વામીની દૃષ્ટિએ ગરીબ અને તવંગર, રાજા અને પ્રજા, સ્ત્રી અને પુરુષ, સાધુ અને શાહજાદા, છૂત અને અછૂત સહુ સમાન હતા અને આધ્યાત્મિક પ્રગતિના માર્ગના હકદાર હતા તેથી ઘણી સ્ત્રીઓ પણ સંસારનો ત્યાગ કરીને પરમ સત્યની શોધ માટે મહાવીરસ્વામીના ચીંધેલા માર્ગે ચાલી નીકળી. મહાવીરસ્વામીએ ચતુર્વિધ સંઘ-સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાની સ્થાપના કરી. ભગવાન મહાવીરે વ્યાખ્યાનરૂપે જે ધર્મોપદેશ આપ્યો તે તેમના અનુયાયીઓએ સૂત્રરૂપે ૧૨ શાસ્ત્રોમાં સાચવ્યો જેને ‘અંગ આગમ સૂત્ર’ કહેવાય છે. શ્રુતકેવલી આચાર્યોએ આગમ સૂત્રની વિશેષ સમજણ આપતા ઘણાં શાસ્ત્રો રચ્યાં. આ બધા જ શાસ્ત્રોને જૈન ધર્મગ્રંથો કહેવાય છે અને એ ધર્મગ્રંથો આગમના નામથી ઓળખાય છે. મૌખિક પરંપરા દ્વારા સચવાયેલા આ શાસ્ત્રો લગભગ પંદરસો વર્ષ પહેલાં પહેલી વખત તાડપત્રી પર લખાયા હતા. કેટલાક પુસ્તકો સચવાયા છે તો કેટલાક નાશ પામ્યાં છે. જન્મ-મૃત્યુના ફેરામાંથી મુક્તિ મેળવી અંતિમ પરમ શાંતિ કેમ મેળવવી એ જ એમનો ઉદ્દેશ હતો. આને જ નિર્વાણ કહો કે મોક્ષ. આ મેળવવા માટે કર્મનો નાશ કરવો પડે અને કર્મમાંથી મુક્તિ મેળવવી પડે. લોભ, માન, માયા, તિરસ્કાર, ક્રોધ જેવા પાપસ્થાનકોથી કર્મનો બંધ થાય છે. ધીમે ધીમે તે કર્મો ઊંડા મૂળ નાંખી ભવોભવના ફેરામાં ભટકાવે છે. ભગવાન મહાવીરે સમ્યગુ દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યક ચારિત્ર દ્વારા કર્મમાંથી કેમ મુક્તિ મેળવવી અને ધર્મના સાચા માર્ગે વળી આત્મિક શાંતિ કેમ મેળવવી તે શીખવ્યું. જૈન કથા સંગ્રહ 19

Loading...

Page Navigation
1 2 3 4 5