________________
૧૨
હસ્તપ્રત વિશેની વ્યાપક માહિતી પણ પ્રસ્તુત કરી. હસ્તપ્રતના પ્રકારોની સાથોસાથ એના સંરક્ષણ વિશે પણ આંગુલનિર્દેશ કર્યો. તે જ રીતે કવિ ઋષભદાસના જીવવિચાર રાસનું મૂલ્યાંકન કરતાં પૂર્વે રાસાસાહિત્યનું સ્વરૂપ, એનું વર્ગીકરણ, એના પ્રકારો વગેરેનું વિગતે અધ્યયન કર્યું.
એમણે આ રાસ પર પસંદગી ઉતારી એ પણ એક વિશિષ્ટ બાબત છે. સામાન્ય રીતે રાસમાં કોઈ કથા હોય છે, યારે. અહીં કેન્દ્રસ્થાને જીવ વિશેનો જૈનદર્શનનો વિચાર છે. કવિ ઋષભદાસે ર૫ જેટલાં રાસની રચના કરી છે. અને એમાંથી સાહિત્ય, દર્શન અને અધ્યાત્મનો ત્રિવેણીસંગમ ધરાવતો આ રાસ ગહન ધર્મદર્શનને કલાસ્વરૂપમાં મૂકવાના પડકારભર્યા પ્રયત્નનું નિર્દેશન છે.
આ રાસ મારફતે લોકહૃદયમાં જૈન તત્ત્વજ્ઞાનની મૂળભૂત વાતો સહજતાથી આપવાનો પ્રયત્ન કર્યો છે. જુદાજુદા રાસમાં મળતી શ્રાવક કવિ ભદાસના જીવનની વિગતો એકત્રિત કરીને અહીં આલેખવામાં આવી છે. તો એની સાથે જીવવિચાર રાસની ચર્ચામાં જૈનદર્શનમાં આલેખાયેલા જીવના
સ્વરૂપની સાથોસાથ જુદાં જુદાં દર્શનોમાં અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં આ વિષયને આનુષંગિક ચર્ચાઓની વાત કરી છે. તાત્ત્વિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ જીવવિચારની છણાવટ કરી છે.
વળી રાસમાં આલેખ્ય વિષય અંગે લખાયેલા પ્રમાણભૂત ગ્રંથો જેવા કે શ્રી પન્નવણા સૂત્ર, શ્રી જીવાભિગમ સૂત્ર, એમના પુરોગામી આચાર્ય રચિત જીવવિચાર પ્રકરણ ઉપદેશમાલા અવસૂરિ, સંક્ત નિર્યુક્તિ, સિદ્ધ પંચાશિકા વગેરે ગ્રંથો સાથે તુલનાત્મક ચર્ચા કરી છે. રાસમાં આલેખાયેલા અલંકારો, એનું વ્યાકરણ, એની શૈલી અને એના દ્વારા સર્જકે ઊભી કરેલી રસસૃષ્ટિ પણ દર્શાવી છે.
મારી દૃષ્ટિએ એ મહત્ત્વની બાબત તે એ કે એમણે અહીં મધ્યકાલીન શબ્દકોશ પણ આપ્યો છે. આ રીતે એક ખોબા જેવડાં રાસમાં રહેલા શ્રુતજ્ઞાનના સાગરની છાલક વાચક આ ગ્રંથ વાંચતા સતત અનુભવે છે.