________________
પ્રકાશકીય
દેવાધિદેવ શ્રી તીર્થંકર ભગવંતો શાસનની સ્થાપના કરી પોતાની હયાતિ સુધી શાસનનું સંચાલન કરે છે. તેઓશ્રીના નિર્વાણ પછી તેમના પટ્ટધર આચાર્ય ભગવંતો શ્રીજિનશાસનનું સંચાલન કરી શાસનને આગળ વધારે છે. આ રીતે શાસનની પરંપરા ચાલે છે. દેવાધિદેવ શ્રી મહાવીર પરમાત્માનું શાસન પણ તેમની પાટે આવતા આચાર્યભગવંતો દ્વારા આ જ રીતે અહીં આપણા સુધી આવ્યું છે.
પરમાત્માની પાટે આવેલા આચાર્યોની વિગતો પણ પ્રાચીન વિવિધ પટ્ટાવલીઓમાં મળે છે.
પ્રસ્તુત ગ્રંથનો વિષય છે, પ્રભુવીરની ૫૮મી પાટે પધારેલા યવનસમ્રાટ્પ્રતિબોધક જગદ્ગુરુશ્રી હીરવિજયસૂરિ મહારાજ.
વિક્રમના સત્તરમા સૈકાના પૂર્વાર્ધમાં જિનશાસનના ગગનમંડલમાં તેઓ તેજસ્વી સૂર્ય રૂપે ચમકી ગયા. આજે ૪૦૦ વર્ષ પછી પણ જિનશાસનમાં તેઓશ્રીનું નામ અને કામ અમર છે. જેની સાક્ષી વિશાળ સંખ્યામાં આજે પણ પ્રાપ્ત થતાં સૂરિજીની ગુરુમૂર્તિ, ગુરુપાદુકાઓ તેમજ સ્તુતિ સાહિત્ય છે. વિ. સં. ૨૦૫૨ જગદ્ગુરુનું સ્વર્ગારોહણનું ૪૦૦મું વર્ષ હતું. આ નિમિત્તને પામીને પ્રસ્તુત ગ્રંથનું પ્રકાશન થઇ રહ્યું છે.
પ્રસ્તુત પ્રકાશનમાં શ્રી જગદ્ગુરુ અંગે વિવિધ મુનિઓએ રચેલ નાની મોટી કૃતિઓ છે. જે પ્રાકૃત / સંસ્કૃત તથા હિંદી ભાષામાં રચાયેલી છે. આ પૂર્વે પ્રથમ વિભાગમાં ગુજરાતી ભાષામાં રચાયેલી કૃતિઓ પ્રકટ થઇ છે.
આ સંપૂર્ણગ્રંથનું સંકલન/સંશોધન/સંપાદન કર્યું છે, અમારા ટ્રસ્ટના પ્રેરણામૂર્તિ વૈરાગ્યદેશનાદક્ષ પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મહારાજે. વિવિધ જ્ઞાનભંડારો તથા હસ્તપ્રતિના ભંડારોમાંથી ખૂબજ મહેનત કરીને આ સાહિત્ય પ્રાપ્ત કર્યું છે. ધૂળધોયાની જેમ મુનિશ્રીએ આ ગ્રંથ પાછળ શ્રમ ઉઠાવ્યો છે. પ્રસ્તુત ગ્રંથના સ્વાધ્યાય દ્વારા આપણા હૃદયમંદિરમાં સૂરિજી પ્રત્યે આદરભાવ, બહુમાનભાવ ઉભો કરીએ એવી શાસનદેવને પ્રાર્થના.
લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ લલિતકુમાર રતનચંદ કોઠારી પુંડરિકભાઇ અંબાલાલ શાહ
ચંદ્રકુમાર બાબુભાઇ જરીવાલા
નવિનચંદ્ર ભગવાનદાસ શાહ.