Book Title: Dharmrasno Anubhav
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 7
________________ 212 * સંગીતિ એક નાના પણ ચોખ્ખા ઘરમાં જઈ ગોઠવાઈ ગયાં અને પોતાનો જૂનો ધંધો સદંતર છોડી દીધો અને હવે તેમની પ્રાર્થના, ગીતાપાઠ અને બીજાં દાનધર્મ રસમય બને છે એમ તેમણે અનુભવ્યું, જે વિઘ્નો હતાં તેમને શાંતિથી દૂર કર્યા અને તમામ મનુષ્યોને મિત્રવત્ સમજવાનો અભ્યાસ કરવા સાથે હૃદયને કરુણાપૂર્ણ બનાવ્યું અને પ્રત્યક્ષ રસ આપનાર ધર્મનો અનુભવ કરવા લાગ્યા. માણસ ગમે તે ધર્મના અનુયાયી હોય અને તે ધર્મને અનુસરતાં ગમે તે જાતનાં કર્મકાંડો કરવા તરફ વળેલ હોય તો પણ જે કોઈ પોતાના ધર્મનું સ્વરૂપ સમજે, વિચારે અને તેનો પરમ અર્થ ધ્યાનમાં લે તો જરૂર ખરા અર્થમાં એટલે બીજા અર્થમાં સમાજવાદી બની શકે. અહિંસાનો અર્થ જ સમાજવાદ છે. પણ આજે તો અહિંસાને માનનાર પોતાને અનુકૂળ એવી અહિંસાની વ્યાખ્યા માને છે. એ ઘરના દરેક પુત્રપુત્રીને પણ મોટર જોઈએ, ધન જોઈએ મોટો જુદો બંગલો જોઈએ. આ સગવડોને અનુકૂળ અહિંસાનો અર્થ મેળવેલો છે અને એ રીતે સમાજવાદીની વ્યાખ્યા પણ પોતાને અનુકૂળ એવી ગોઠવેલી છે. શું વૈષ્ણવ, શું જૈન, શું બૌદ્ધ, શું ઇસ્લામી, શું યહૂદી, શું પારસી, શું શીખ વગેરે ધર્મ અહિંસાપ્રધાન નથી? પણ માણસની એવી ચતુરાઈ છે કે તે પોતપોતાના ધર્મના વિચારને પોતાની મરજી પ્રમાણે ઘટાવવા મંડ્યો છે, અને ધર્મગુરુઓ પણ લોકોને આધીન હોવાથી એ બાબત ચૂં કે ચાં કરતા નથી, પણ જેમ લોકો કહે છે તેમ તેઓ તેમાં સાથ આપવા મોટે ભાગે તૈયાર હોય છે. જો ધર્મગુરુઓ લોકાધીન ન હોત, પોતાની આજીવિકામાં શરીરસખને વળગી રહ્યા ન હોત. તો આ સ્થિતિ કદી ન આવત. પણ લોકોની પેઠે ધર્મગુરુઓ પણ સામાન્ય માણસની કોટિથી આગળ જઈ શક્યા નથી. જેમ વિશ્વનાથનું મંદિર છે તેમ વિશ્વનાથની બૅન્ક પણ ઊભી કરવામાં કોઈ વાંધો નથી. એટલે ખરી રીતે ધર્મરસનો અનુભવ કરવો હોય તો પેલા સંતના જેવા સંતો દેશમાં ઠેરઠેર ઘૂમતા રહેવા જોઈએ અને પેલા શેઠની જેમ પોતાના અંતરમનને ઢંઢોળીને સમજનારા તથા જીવનમાં ખરું પરિવર્તન લાવનારા માણસો હોવા જોઈએ. તો જ સમાજવાદ કે ધર્મનો રસ અનુભવી શકાય. નહીં તો બોલી બોલીને લોકોને ભ્રમમાં નાખવાનો અને પોતાનો જ સ્વાર્થ સાધવાનો જે ધંધો હજારો વરસથી ચાલતો આવેલ છે, ફાલેલ તથા ફૂલેલ છે તેમ જ ચાલતું રહેવાનું અને “ગરીબાઈ હટાવો'ની બૂમો સાંભળ્યા કરવાની. - અખંડ આનંદ, જુલાઈ - 1971 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7