Book Title: Dharmrasno Anubhav
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf
Catalog link: https://jainqq.org/explore/249421/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૨૫. ધર્મરસનો અનુભવ કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિ કરવી હોય અથવા તેમનો પ્રચાર કરવો હોય તો કાર્ય કે પ્રવૃત્તિ કરનારમાં કે તેમના પ્રચાર કરનારમાં અમુક એક વિશેષ પ્રકારની યોગ્યતા હોય તો જ તે કાર્ય કે પ્રવૃત્તિ થઈ શકે છે અથવા ફેલાવી શકાય છે. એક માણસે લગભગ બળદ જેવા એક વાછડાને પોતાને ખભે ઉપાડી લોકોને આશ્ચર્યમાં નાખી દીધેલા. પણ આ કામ તે માણસ એકાએક કરી શક્યો ન હતો. તે માટે તેણે પૂરી યોગ્યતા સંપાદન કરેલી. જ્યારે તેના ગાયવાડામાં ગાય વિયાઈ ત્યારથી જ તે, રોજ ને રોજ ગાયના નવજાત બચ્ચાને ઉપાડવાની ટેવ પાડવા લાગેલો. જેમ જેમ બચ્ચે મોટું થતું ગયું તેમ તેમ તેના ભારવહનનું બળ તે માણસને રોજના અભ્યાસથી મળતું ગયું. એક વાર તો તેણે એ વાછડો જ્યારે બળદ જેવો થયો ત્યારે પણ તેને પોતાના ખભા ઉપર બેસાડવાનું સાહસ કરી, જોનારાને છક કરી નાખ્યા! આ રીતે યોગ્યતા મેળવ્યા વિના આવું કામ કદી સાધ્ય થતું નથી. આ તો માત્ર શરીરબળની વાત થઈ. આ રીતે જ જે કોઈને વક્તા થવાનું મન હોય અને ગમે તેવી મોટી સભાને મુગ્ધ કરવા જેવું સમર્થ વસ્તૃત્વ કેળવવું હોય તેણે પણ આ માટે યોગ્યતા મેળવવા સતત પ્રયાસ કરતા રહેવું જોઈએ. આવા પ્રયાસને કારણે તે એક અસાધારણ વક્તા બની શકવાનો જ. આ વાત વાણીબળની થઈ. ધારો કે મારે સમાજવાદી થવું હોય તો કઈ જાતની યોગ્યતા કેળવવી ? આ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં “સમાજવાદી' શબ્દનો અર્થ સમજવો પડશે. સમાજવાદી શબ્દના બે અર્થ છે : એક તો “સમાજ', “સમાજ” એમ બોલ-બોલ કરવા સાથે, “સમાજનાં દુઃખ દૂર કરો, ગરીબાઈ દૂર કરો અને બધાંની એકસરખી જે જરૂરિયાતો હોય તેને પૂરી પાડો” એવું એવું પણ બોલબોલ કરવું. સમાજવાદી' શબ્દનો બીજો અર્થ સમાજમાં સૌ કોઈને એટલે તદ્દન છેલ્લા માણસને પણ ગણતરીમાં લઈને જે જે સાધનો પ્રાપ્ત છે, Page #2 -------------------------------------------------------------------------- ________________ ધર્મરસનો અનુભવ ૦ ૨૦૭ તેવાં સાધનો દ્વારા પોતાની રહેણીકરણી ગોઠવવા પ્રયત્ન કરવો અને તે પ્રમાણે ધીરે ધીરે પોતાનો તમામ જીવનવ્યવહાર ગોઠવવો. અમદાવાદમાં ઘણી વાર મચ્છરોનો ભારે ઉપદ્રવ થતો, અને તે ઉપદ્રવ આશ્રમમાં પણ રહેતો. છતાં પૂ. ગાંધીજી મચ્છરોના દુઃખને ટાળવા મચ્છરદાની ભાગ્યે જ વાપરતા. તેઓએ તો એવો ઉપાય શોધી કાઢેલો કે જે ઉપાય સમાજનો છેલ્લો માણસ પણ કરી શકે. એ ઉપાય બરાબર ઓઢીને સૂવું તથા સૂતી વખતે જે અંગો ખુલ્લાં રહી જતાં હોય ત્યાં બધે ઘાસલેટ તેલ ચોપડવું. પૂ. ગાંધીજી મનસા, વાચા અને કર્મણા સમાજવાદી હતા. આ બીજા અર્થ તરફ ધ્યાન રાખીને જે કોઈ પોતાની રહેણીકરણી અને કથની ગોઠવવા તત્પર રહે અને તેની તત્પરતા જીવનપર્યત સ્થિર રાખી તે પ્રમાણે વર્તવાનો સતત પ્રયત્ન કરતો રહે, તેને ખરો સમાજવાદી થવાને યોગ્ય ગણી શકાય. કેટલાક લોકો ખૂબ ધન રળે છે અને તે માટે ગમે તેવા સારાનરસા ઉપાયો અજમાવે છે. પોતાની જરૂરિયાતો વધારવામાં મોટાઈ માને છે અને મોટી મોટી જમીનોના માલિક છે તથા લગ્નાદિ પ્રસંગે લાખો રૂપિયાનો ધુમાડો કરે છે; એટલું જ નહિ, પણ પોતાના કુટુંબનાં સુખદુઃખની ચિંતા કરતા નથી અને ઈશ્વરની જ આવી બધી રચના છે' એમ કહી પોતાનો બચાવ કરતા હોય છે. કેટલાક તો એવું પણ સમજે છે કે “મારા દરેક છોકરા પાસે, છોકરી પાસે, વહુઓ પાસે એક એક મોટર હોવી જોઈએ, દરેક પાસે પંદરપંદર લાખ રૂપિયા હોવા જોઈએ, દરેકને રહેવાને ઋતુને અનુકૂળ જુદા જુદા બંગલાઓ હોવા જોઈએ અને નોકરચાકરોની ફોજ પણ અમારી તહેનાતમાં રહેવી જોઈએ. આમ કુટુંબમાં બધે સરખાઈ થાય એ અમારો સમાજવાદ કેમ નહિ?” તેઓ સમાજવાદી તો ખરા; પણ સમાજવાદી શબ્દના પ્રથમ અર્થ પ્રમાણે, બીજા અર્થ પ્રમાણે નહિ. એટલે સાચા સમાજવાદી બનવા માટે પણ પોતાની ટેવો, જરૂરિયાતો અને તૃષ્ણાઓને બદલવા માટે પ્રયત્ન કરી યોગ્યતા મેળવવાની જરૂર છે. એમ ક્યૂ વિના સમાજવાદી બનવું તે નર્યો બકવાદ જ છે. ધર્મના આચરણનો વિચાર વિશેષે કરીને મન સાથે સંબંધ રાખે છે. જોકે તેનો સંબંધ શરીરબળ અને વાણીબળ સાથે નથી એમ તો નથી જ, પણ આચરણનો પ્રશ્ન મન સાથે વિશેષ સંકળાયેલ છે. સદાચરણનું જ બીજું નામ ધર્માચરણ છે. શ્વાસ લેવાની ક્રિયાની પેઠે ધર્માચરણને કેળવવું હોય તો જાગતાં કે ઊંઘતાં પણ અધર્માચરણ ન થાય એ જાતની જાગૃતિ કેળવવા વિશેષ ચિંતન-મનન કરવાં જરૂરી છે, ધર્મના સ્વરૂપને પણ બરાબર સમજી Page #3 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ૦ સંગીતિ લેવાની જરૂર છે. અને આટલું કર્યા પછી નિરપેક્ષપણે એટલે કોઈ જાતના સ્થૂલ બદલાની અપેક્ષા વિના કેવળ ધર્માચરણને ક્રિયામાં મૂકવાનો પ્રયત્ન વારંવાર કર્યા કરવાનો છે, અને એ આચરણમાં જે જે પ્રવૃત્તિ વિઘ્નરૂપ હોય તે તમામને બરાબર ઓળખી લઈ તેનો સદંતર ત્યાગ કરવા પણ પ્રયત્ન કરવો જરૂરી છે. આ અંગે કેટલાક નિયમો અનુભવી જ્ઞાની પુરુષોએ બતાવેલ છે. એ ટેવ પાડવા માટે જે તૈયાર હોય તે જ માણસ ધર્મરસના અનુભવની ભૂમિકાને મેળવી શકે છે. ૧. ગુણવંત પુરુષોનો બને તેટલા વિશેષ સમાગમ રાખવો, તેમની અનુભવેલી પ્રવૃત્તિઓને સમજવી અને ગુણો ઉ૫૨ અતિશય પ્રેમ કેળવવો. આમ કરવાથી ગુણો તરફ મન રુચિવાળું થશે અને ધીરે ધીરે એ ગુણો પોતાના આચરણમાં લાવી શકાશે. ૨. તમામ મનુષ્યોને પોતાના મિત્રો સમજવા અને એમ સમજીને તેમની સાથે તમામ વ્યવહાર કરવો. આ ટેવનો અભ્યાસ કરવાથી કોઈની સાથે ઠગાઈ કરવાનું કે બીજા પ્રકારનો અનુચિત વ્યવહાર કરવાનું આપોઆપ ટળી જશે. ૩. દુનિયામાં ભૌતિક રીતે સુખી લોકો કરતાં દુઃખી અને કરુણાપાત્ર ઘણા મનુષ્યો છે. તે તમામ મનુષ્યોને પોતાના બંધુવત્ સમજીને પોતાની શક્તિ પ્રમાણે તેમનું દુઃખ થોડું પણ ઓછું થાય તેવો વિચાર અને વિવેક કાયમ રાખવો. જો કે આવા બીજા નિયમો પણ અનેક છે; પણ આ ત્રણ નિયમોને જે માણસ સતત વળગી રહેવા પ્રયાસ કરશે તો તે સદાચરણરૂપ ધર્મના રસનો અનુભવ કરવાની ભૂમિકા જરૂર પ્રાપ્ત કરશે. ધણીવાર આવા નિયમોને જાગ્રત રીતે પાળવાની ટેવ પાડતાં અધરું લાગે છે. જેમ કે આળસ, ગુણવંત પુરુષો તરફ અરુચિ, તમામ મનુષ્યોને મિત્ર સમજતાં પોતાની સંપત્તિમાં વધારો તો ન થાય પણ ધીરે ધીરે ઘટ આવવા લાગે અને કરુણાની ટેવ પાડતાં પોતાનાં કામ અધૂરાં રહે અથવા બગડી જવાની પરિસ્થિતિમાં આવે એમ વિચારવું. આ ઉપરાંત લોકોની ટીકા, કુટુંબના સભ્યોની રુકાવટ અને ખાસ તો પોતાના લક્ષ્યને પહોંચવા માટે ધગશનો અભાવ એ વિઘ્નો છે. શહેર પાસેના નાના ગામમાં એક ગૃહસ્થનું કુટુંબ છે. વંશપરંપરાથી સાધારણ રીતે ખાધે-પીધે સુખી છે અને વ્યવસાયની દૃષ્ટિએ પણ સફળ છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ ધર્મરસનો અનુભવ • ૨૦૯ તાડી, દારૂ, અફિણ, સિગારેટ તથા બીડીના વ્યવસાયમાં તે સારું રળતો. પોતે સારા સગૃહસ્થની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી. આવક ઘણી વધતી ચાલી; એટલે પોતાની પ્રતિષ્ઠા, ધંધાની જાહેરાત એ બંનેને ધ્યાનમાં રાખીને એ ગૃહસ્થ પોતાની આવકનો થોડો ભાગ સારા સાહિત્યપ્રકાશનમાં ખર્ચવા લાગ્યો. આ રીતે તે ગૃહસ્થ દાનવીર તથા ધર્મવીરની ભૂમિકા સુધી પહોંચી ગયો. તેનાં પુણ્ય પાંશરા હશે કે એક વાર તેને એક સંત પુરુષ ભેટી ગયા, જેઓ તદ્દન નિઃસ્પૃહ અને મનુષ્યમાત્રના જ નહીં પણ પ્રાણીમાત્રના સાચા હિતૈષી, ત્યાગી, તપસ્વી અને અનિવાર્ય એવી ઓછામાં ઓછી જરૂરિયાતો ધરાવનારા અને અનુકૂળતા મળે ત્યાં શરીરશ્રમ દ્વારા એ જરૂરિયાતોને પહોંચી વળનારા હતા. આ સંતને જોતાં જ પેલા ગૃહસ્થના મનમાં તેમના તરફ આકર્ષણ જામ્યું. એમણે એ સંતને પોતાના ઘેર આવવા વિનંતી કરી. સંત તો આ વ્યક્તિનું મન જોઈને તેને ત્યાં જવા લાગ્યા. ઘરમાં પેસતાં જ સંત આ ભાઈના વ્યવસાયને સમજી ગયા, પણ કાંઈ બોલ્યા નહિ. ઘર ઘણું મોટું, ફળિયું વિશેષ વિશાળ, નોકરચાકરોય ઘણા, ગાય વગેરેને બાંધવાનો વાડો પણ મોટો, કુટુંબી પણ મોટી સંખ્યામાં–બહેનો, ભાઈઓ, છોકરા તથા છોકરીઓ; એ સૌએ સંતને આવતા જોયા કે તરત વિનયપૂર્વક તેમને પ્રણામ કર્યા. ગાયોના વાડા પાસેની એક અનુકૂળ ઓરડીમાં સંતે પોતાનો ઉતારો કર્યો, અને વહેલી સવારે પ્રાર્થના વગેરેનો ક્રમ તેમણે શરૂ કર્યો. સાંજે પ્રાર્થના તથા ભજન અને ધર્માચરણની યોગ્યતા વગેરે બાબતોની ચર્ચા શરૂ કરી દીધી–કોઈ વ્યક્તિને ઉપદેશ આપતા હોય એ રીતે નહીં, પણ માણસ પોતાનો વિકાસ શી રીતે કરી શકે છે એ દષ્ટિએ. સંત પોતે રોજ શેઠનું આખું જ આંગણું વાળ્યા પછી જ શેઠને ત્યાંથી ભિક્ષા લેતા.શેઠના કુટુંબના બેઠાડુ અને આરામી તથા એક રીતે વિલાસી આળસુ બૈરાંઓને ભારે શરમાવાનું આવ્યું. છોકરા-છોકરીઓ તો કામમાં ખુશીથી જોડાઈ ગયાં અને પછી આસ્તે આસ્તે ખુદ શેઠનાં પત્ની વગેરે કામમાં રસ લેવા લાગ્યાં. સંતે જોયું કે આ લોકો ભંગી પાસે સફાઈ કરાવે છે, પણ તેના તરફ તિરસ્કાર, અનાદર અને અમાનવીય વૃત્તિ રાખે છે. આ પરિસ્થિતિને ટાળવા સંતે કોઈ ઉપદેશ ન કર્યો, પણ એકવાર ભંગીની સાથે સંત પણ સાફ કરવાની પ્રવૃત્તિમાં જોડાઈ ગયા. આ જોઈને શેઠને, શેઠાણીને તથા તેમના આખા કુટુંબને ભારે આંચકો લાગ્યો. સંતને એ ખ્યાલમાં આવી ગયું એટલે Page #5 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ - સંગીતિ સાંજે જ્યારે પ્રાર્થના થઈ અને તેમાં ગીતાના શ્લોકો બોલાવા લાગ્યા ત્યારે સંતે કહ્યું કે, “શૂનિ વૈવ ઋપા પંહિતા: સમશનઃ કૂતરામાં અને ચંડાળમાં વિવેકી પુરુષો સમદર્શી હોય છે; એટલે જે દરજજો આપણો છે તે જ દરજજો ભંગી વગેરેનો પણ છે. એટલે તેમનું અપમાન કરવું એ તેમનામાં રહેલા પરમેશ્વરનું જ અપમાન છે.” અત્યાર સુધી તો આ કુટુંબે ઘણી ધર્મવાણી સાંભળી કાઢેલી. પણ આ અનોખી અનુભવવાણી સાંભળી સૌનાં હૃદય-કમાડ ખૂલી ગયાં અને પછીથી ભંગી, ઢેડ વગેરેને પોતાના માનવ ભાઈ તરીકે તે આખું કુટુંબ સમજવા લાગ્યું. અને ખીમલો કે ખમલીને બદલે ખીમાભાઈ કે ખીમીબહેન એવાં વચનો તેમને માટે વપરાવા લાગ્યાં. સંતે જોયું કે કુટુંબ સરળ છે, યોગ્ય છે પણ તેને માર્ગ બતાવનાર કોઈ મળ્યું નથી. સંતને આબે બેએક મહિના તો થઈ ગયા. તેટલામાં તેઓ શેઠના વ્યવસાય અને તેમાં ચાલતી અનેક ગેરરીતિઓથી પરિચિત થઈ ગયા હતા. એક વાર અવસર જોઈને સંત એમની પાસે પહોંચી ગયા. અને તેમનો આ ધંધો પરમેશ્વરનું કેવી રીતે ભયંકર અપમાન કરનારો છે એ વાત જ મધુર ભાષામાં અને નમ્રતાપૂર્વક સમજાવી, તથા આ ધંધાને લીધે હજારો મનુષ્યો આ વ્યસનમાં ફસાયાં છે, તેમાંનાં કેટલાંક તો ખાંસી, ક્ષય અને કેન્સરના રોગમાં સપડાયા છે તે સચોટપણે સમજાવ્યું. - સંતે કહ્યું કે “તમને એમ લાગશે કે દાનધર્મ કરતા રહો છો તથા ઘરે સાધુસંતોને બોલાવી તેમનો સત્કાર કરી ધર્મવ્યાખ્યાનો પણ કરાવતા રહો છો એટલે આ ધંધાનું પાપ ધોવાઈ જાય છે. પણ શેઠશ્રી, તમારી ધર્મપ્રવૃત્તિઓ તો તમારા ધંધાની જાહેરાતમાત્ર છે. જો તમને ધર્મશ્રવણ ગળે ઊતર્યું હોય તો તમે આ ધંધો છોડી બીજા ધંધામાં–એટલે ખેતીમાં કે પ્રામાણિક વેપારમાં જોડાઈ ગયા હોત.” સંત તથા શેઠ એક વાર મજૂરલત્તામાં પહોંચ્યા, જયાં લોકો તાડી, દારૂ તથા અફીણના અને બીડી તથા સિગારેટના ભારે વ્યસની હતા. નાનાં નાનાં છોકરાંઓ પણ બીડી-સિગારેટનાં ઠૂંઠાં વીણીવીણીને ચૂસ્યા કરે. સંતે મજૂરોની એ ગલી ઘણી ગંદી જોઈને સાવરણો હાથમાં લઈને સાફ કરી નાખી અને જ્યાં ઠેર ઠેર બળખા વગેરે ગંદું પડેલું ત્યાં ધોવાય ત્યાં ધોઈ નાખ્યું અને બીજે બધે રાખ કે માટી નાખી દીધી. પોતાના ધંધાએ કેવો અનર્થ પેદા કરેલો છે તે બધું શેઠે આજે જ નરી Page #6 -------------------------------------------------------------------------- ________________ ધર્મરસનો અનુભવ ૦ ૨૧૧ આંખે જોયું. રસ્તામાં તે કહેવા લાગ્યા કે “મહારાજ, મંદિરોમાં દર વરસે હજારો રૂપિયા દાન આપું છું, પાંજરાપોળ તથા ધર્મશાળાનાં ફંડોમાં પણ રૂપિયા ભરતો રહું છું. શું આ બધું સફળ નહીં થાય ?” સંત કહે કે “એ તમારા ધંધાના ફેલાવામાં વિશેષ સફળ છે. દયાધર્મ પણ પાંજરાપોળ વગેરે દ્વારા થાય ખરો, પણ તમે જોયું ને કે એ દાનની પ્રવૃત્તિ ટકાવવા કેટલી બધી માનવહાનિ થાય છે. ભાઈ, તમને ખબર છે કે દેવના જન્મ કરતાં માનવજન્મને ઉત્તમ કહેલ છે; કેમ કે એક માનવજન્મ જ એવો છે જેમાં અનેક સગુણો કેળવી શકાય છે અને એ દ્વારા પોતાના જીવનનો તથા કુટુંબ અને સમાજના જીવનનો પણ વિકાસ સાધી શકાય છે અને ભાવિ જન્મમાં પણ એ જ સંસ્કાર સાથે આવે છે, જેથી ધીરે ધીરે પરમેશ્વરની પાસે પહોંચી તેના રૂપમાં સમાઈ જવાનું ફળ મળે છે અને પૂર્ણ શાંતિ પ્રાપ્ત થાય છે.” વાત શેઠને ગળે બરાબર ઊતરી ગઈ, પણ હવે કરવું કેવી રીતે? કુટુંબ મોટું, આરામ અને વિલાસની ટેવો પેસી ગઈ હતી, અને પાછો ભાઈઓ સાથેનો બધો સંયુક્ત વ્યવહાર. પણ શેઠ ભારે ચતુર, અંતરમાં વિવેકી અને વિચક્ષણ હતા. તેમણે સૌથી પહેલાં પોતાના મનની આ વાત પોતાની પત્નીને કહી. તેને પણ વાત ગળે ઊતરી ગઈ. પછી પોતાના મોટા છોકરાઓને સમજાવી. તેઓ પણ પોતાના પિતાને પગલે ચાલવા તત્પરતા બતાવવા લાગ્યા. અને છેવટે પોતાના નાનામોટા ત્રણ ભાઈઓને એકાંતમાં બોલાવીને પોતાની જે માનસિક પરિસ્થિતિ થયેલી છે અને પોતે જોયેલો અને પોતાના ધંધાને લીધે થયેલો તે નર્યો અધર્મમય આચાર તેમને સમજાવ્યો. ભાઈઓ સમજી તો ગયા; પણ આ આરામ, વિલાસ અને સ્વચ્છંદ કેમ છૂટી શકે? ત્રણ ભાઈઓએ મળીને કહ્યું કે “મોટાભાઈ સંતના પાશમાં આવી ગયા છે માટે એ સંતને જ અહીંથી ભગાડો.” પણ શેઠનો એવો પ્રભાવ અને ધાક હતાં કે તેઓ સંતને તો કશુંય ન કહી શક્યા, પણ પોતાના ભાઈથી તેઓ છૂટા પડી ગયા અને ભાઈને ભાગે જે કાંઈ આવતું હતું તે તેમને આપી દીધું. હવે શેઠે છોકરાઓને પોતાની જીવનચર્યા અને ખેતીની પ્રવૃત્તિ વિશે ચોખવટથી સમજાવ્યું. એટલે ત્રણ છોકરામાંથી માત્ર એક જ છોકરાએ સાથ આપવાનું નક્કી કર્યું. એટલે બીજા બે છોકરાઓને શેઠે તેમને ભાગે આવતી સંપત્તિ વહેંચી આપી. છેવટે શેઠ, શેઠાણી અને એક છોકરો તથા છોકરી એ બંગલામાંથી વિદાય લઈ સારા પાડોશીવાળા લત્તામાં પોતે સમાઈ શકે એવા Page #7 -------------------------------------------------------------------------- ________________ 212 * સંગીતિ એક નાના પણ ચોખ્ખા ઘરમાં જઈ ગોઠવાઈ ગયાં અને પોતાનો જૂનો ધંધો સદંતર છોડી દીધો અને હવે તેમની પ્રાર્થના, ગીતાપાઠ અને બીજાં દાનધર્મ રસમય બને છે એમ તેમણે અનુભવ્યું, જે વિઘ્નો હતાં તેમને શાંતિથી દૂર કર્યા અને તમામ મનુષ્યોને મિત્રવત્ સમજવાનો અભ્યાસ કરવા સાથે હૃદયને કરુણાપૂર્ણ બનાવ્યું અને પ્રત્યક્ષ રસ આપનાર ધર્મનો અનુભવ કરવા લાગ્યા. માણસ ગમે તે ધર્મના અનુયાયી હોય અને તે ધર્મને અનુસરતાં ગમે તે જાતનાં કર્મકાંડો કરવા તરફ વળેલ હોય તો પણ જે કોઈ પોતાના ધર્મનું સ્વરૂપ સમજે, વિચારે અને તેનો પરમ અર્થ ધ્યાનમાં લે તો જરૂર ખરા અર્થમાં એટલે બીજા અર્થમાં સમાજવાદી બની શકે. અહિંસાનો અર્થ જ સમાજવાદ છે. પણ આજે તો અહિંસાને માનનાર પોતાને અનુકૂળ એવી અહિંસાની વ્યાખ્યા માને છે. એ ઘરના દરેક પુત્રપુત્રીને પણ મોટર જોઈએ, ધન જોઈએ મોટો જુદો બંગલો જોઈએ. આ સગવડોને અનુકૂળ અહિંસાનો અર્થ મેળવેલો છે અને એ રીતે સમાજવાદીની વ્યાખ્યા પણ પોતાને અનુકૂળ એવી ગોઠવેલી છે. શું વૈષ્ણવ, શું જૈન, શું બૌદ્ધ, શું ઇસ્લામી, શું યહૂદી, શું પારસી, શું શીખ વગેરે ધર્મ અહિંસાપ્રધાન નથી? પણ માણસની એવી ચતુરાઈ છે કે તે પોતપોતાના ધર્મના વિચારને પોતાની મરજી પ્રમાણે ઘટાવવા મંડ્યો છે, અને ધર્મગુરુઓ પણ લોકોને આધીન હોવાથી એ બાબત ચૂં કે ચાં કરતા નથી, પણ જેમ લોકો કહે છે તેમ તેઓ તેમાં સાથ આપવા મોટે ભાગે તૈયાર હોય છે. જો ધર્મગુરુઓ લોકાધીન ન હોત, પોતાની આજીવિકામાં શરીરસખને વળગી રહ્યા ન હોત. તો આ સ્થિતિ કદી ન આવત. પણ લોકોની પેઠે ધર્મગુરુઓ પણ સામાન્ય માણસની કોટિથી આગળ જઈ શક્યા નથી. જેમ વિશ્વનાથનું મંદિર છે તેમ વિશ્વનાથની બૅન્ક પણ ઊભી કરવામાં કોઈ વાંધો નથી. એટલે ખરી રીતે ધર્મરસનો અનુભવ કરવો હોય તો પેલા સંતના જેવા સંતો દેશમાં ઠેરઠેર ઘૂમતા રહેવા જોઈએ અને પેલા શેઠની જેમ પોતાના અંતરમનને ઢંઢોળીને સમજનારા તથા જીવનમાં ખરું પરિવર્તન લાવનારા માણસો હોવા જોઈએ. તો જ સમાજવાદ કે ધર્મનો રસ અનુભવી શકાય. નહીં તો બોલી બોલીને લોકોને ભ્રમમાં નાખવાનો અને પોતાનો જ સ્વાર્થ સાધવાનો જે ધંધો હજારો વરસથી ચાલતો આવેલ છે, ફાલેલ તથા ફૂલેલ છે તેમ જ ચાલતું રહેવાનું અને “ગરીબાઈ હટાવો'ની બૂમો સાંભળ્યા કરવાની. - અખંડ આનંદ, જુલાઈ - 1971