Book Title: Bhavbhavna Prakaran Part 01 Author(s): Sumtishekharvijay Publisher: Arihant Aradhak Trust View full book textPage 6
________________ સંસારમાં પ્રતિકૂળતા, આપત્તિ, રોગ, શોક વગેરે દુઃખો આવે એમાં નવાઈ નથી. સંસારમાં ગરીબોને જ દુઃખો આવે એવું પણ નથી. શ્રીમંતોને પણ દુઃખો આવે. ઘણા શ્રીમંતોને પણ એવાં દુઃખો આવે છે કે જે દુઃખો કેટલાક ગરીબોને ન પણ આવે. મુંબઈની જસલૉક હૉસ્પિટલમાં જરા દષ્ટિપાત કરો. ત્યાં મોટા મીલમાલિકો કેન્સરની ગાંઠથી રીબાતા નજરે પડશે, ઓ મા! ઓ બાપ! ની કરુણ બૂમો પાડતા જોવા મળશે. કરોડપતિઓ હાર્ટએટેકના હુમલાઓથી હેરાન થતા જોવા મળશે. લક્ષાધિપતિઓ દમના દર્દથી દીન બનેલા દેખાશે. નિકાચિત સ્વકર્મના ઉદયથી આવેલાં દુઃખોથી સંપત્તિ સ્વજન વગેરે કોઈ બચાવી શકતું નથી. જેમ શ્રીમંતોને શારીરિક દુઃખો આવે છે તેમ માનસિક દુઃખો પણ આવે છે. જુઓ પેલા નગીનદાસ શેઠને. તેમની પાસે દોમદોમ સાહિબી છે પણ એકનો એક યુવાન છોકરો મરી જવાથી ધુસકે ધ્રુસકે રડે છે. ભોજન પણ ભાવતું નથી. રાત્રે ઊંઘ આવતી નથી. કોઈ કામમાં દિલ લાગતું નથી એક તરફ પુત્ર માટે નગીનદાસ શેઠ આ પ્રમાણે દુઃખી થઈ રહ્યા છે, તો બીજી તરફ પેલા કરમચંદ શેઠ પણ પુત્ર માટે જ પોક મૂકી રહ્યા છે. ઓ ભગવાન ! આના કરતાં તો છોકરો જ ન હોત તો સારું થાત! આવો સ્વાર્થી છોકરો! બાપે જેનું જીવની જેમ લાલન-પાલન કર્યું, જેના સુખ માટે જાતે દુઃખ વેઠ્યું, તે છોકરો પણ પિતૃ-દ્રોહી બને એ પહેલાં માત્ર સાંભળ્યું હતું પણ આજે મને એનો સાક્ષાત્કાર થયો. શ્રીમંતોનાં માનસિક દુઃખોનાં આ બે તો માત્ર સેમ્પલ છે. બાકી આવાં અસંખ્ય માનસિક દુઃખો છે, જે દુઃખો શ્રીમંતોના કાળજાને કોરી ખાય છે, મગજને ગુમ કરી નાખે છે, અશાંતિની આગમાં શેકે છે. આ સંસારમાં શારીરિક-માનસિક દુઃખો ( દુઃખના પ્રસંગો) રોકવા એ આપણા હાથમાં નથી પણ દુઃખમાં પણ દુઃખી ન બનવું એ આપણા હાથમાં છે. જિનેશ્વરોએ બતાવેલો ઉપાય કરીએ તો જરૂર આપણે દુઃખમાં પણ દુઃખી ન બનીએ. જ્યારે મોટા ડીગ્રીધર ડૉકટરો પણ નિષ્ફળ બને છે ત્યારે પણ આ ઉપાય અવશ્ય સફળ બને છે. વાંચકો! તમારે એ ઉપાય જાણવો છે? આ રહ્યો તે ઉપાય. કોઈ પણ દુઃખ આવે ત્યારે બહારની દુનિયાની સપાટી ઉપરથી ડૂબકી મારીને અંતરાત્માના પેટાળમાં ચાલ્યા જવું. ક્યારેક ક્યારેક સમુદ્રમાં જોરદાર તોફાન થાય છે. મજબૂત મૂળિયાવાળા ઝાડોને પણ ઉખેડી નાંખે તેવા પવનના ઝપાટા આવે છે. આથી સમુદ્રના પાણીમાં મોટા મોટા તરંગો જોરજોરથી ઉછળે છે. સમુદ્રમાં ખૂબ ખળભળાટ મચી જાય છે. તમે વિચારો કે આ વખતે સમુદ્રમાં રહેલા મગરમચ્છ, કાચબા વગેરે જલચર પ્રાણીઓનું શું થતું હશે? શું એ પ્રાણીઓ આ તોફાનથી મારી જતા હશે? હેરાન થઈ જતા હશે? ના, ભયંકર તોફાનમાં પણ એ પ્રાણીઓ સહીસલામત રહે છે. એમને તોફાનની જરાય અસર થતી નથી. કારણ કે તોફાન વખતે એ પ્રાણીઓ ડૂબકી મારીને સમુદ્રના ઊંડા પાણીમાં ઉતરી જાય છે. સમુદ્રમાં તોફાન ઉપર જ થયા કરે છે, તેના પેટાળમાં તો અત્યંત શાંતિ હોય છે. જેમ જલચર પ્રાણીઓ તોફાન વખતે સમુદ્રના ઊંડા પાણીમાં ઉતરી જતા હોવાથી તેમને તોફાનની અસર થતી નથી. તેમ આપણે પણ દુઃખના પ્રસંગે અંતરાત્મમાં ડૂબકી મારી દઈએ તો * એ પ્રસંગો આપણને જરાય દુઃખી કરી શકે નહિ. દુઃખ, પ્રતિકૂળતા, આપત્તિ, રોગ, શોકPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 282