________________
૧૧૬
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ | ઉચ્ચ વિદ્યાનાં કેન્દ્રો અનેક હોઈ શકે છે. પ્રત્યેક કેન્દ્રમાં કોઈ એક વિદ્યા પરંપરાની પ્રધાનતા પણ હોઈ શકે છે. તેમ છતાં આવાં કેન્દ્રો પોતાના સંશોધનકાર્યમાં પૂર્ણ ત્યારે જ બની શકે છે જ્યારે પોતાની સાથે સંબંધ ધરાવતી વિદ્યા પરંપરાઓનાં પણ પુસ્તકો આદિ સામગ્રી ત્યાં સંપૂર્ણપણે સુલભ હોય.
પાલિ, પ્રાકૃત, સંસ્કૃત ભાષામાં લખાયેલાં બધી જ જાતનાં શાસ્ત્રોનો પરસ્પર એટલો તો ઘનિષ્ઠ સંબંધ છે કે કોઈ પણ એક શાખાની વિદ્યાનો અભ્યાસી વિદ્યાની બીજી શાખાઓના આવશ્યક વાસ્તવિક પરિશીલન વિના સાચો અભ્યાસી બની શકતો જ નથી, જે પરિશીલન અધૂરી સામગ્રીવાળાં કેન્દ્રોમાં સંભવતું નથી.
આનાથી પુરાણો પંથવાદ અને જાતિવાદ જેને આ યુગમાં ય સમજવામાં આવે છે તે આપોઆપ શિથિલ થઈ જાય છે. આપણે જાણીએ છીએ કે આપણા દેશનો ઉચ્ચવર્ણાભિમાની વિદ્યાર્થી પણ યુરોપમાં જઈને ત્યાંના સંસર્ગથી વર્ણાભિમાન ભૂલી જાય છે. આ સ્થિતિ આપણા દેશમાં સ્વાભાવિક ત્યારે બની શકે જયારે એક જ કેન્દ્રમાં અનેક અધ્યાપકો હોય, અધ્યેતાઓ હોય અને બધાનું પરસ્પર મિલન સહજ હોય. આવું ન હોવાથી સાંપ્રદાયિકતાનો મિથ્યા અંશ કોઈ ને કોઈ રૂપમાં પુષ્ટ થયા વિના નથી રહી શકતો. સાંપ્રદાયિક દાતાઓની મનોવૃત્તિને જીતવા માટે ઉચ્ચવિદ્યાના ક્ષેત્રમાં પણ સાંપ્રદાયિકતાનો દેખાડો સંચાલકોને કરવો જ પડે છે. એટલે મારા મતે તો ઉચ્ચતમ અધ્યયનનાં કેન્દ્રોમાં સર્વવિદ્યાઓની આવશ્યક સામગ્રી હોવી જ જોઈએ. શાસ્ત્રીય પરિભાષામાં લોકજીવનની છાયા
હવે અન્તમાં હું સંક્ષેપમાં એ દર્શાવવા માગું છું કે તે પુરાણા યુગના રાજયસંઘ અને ધર્મસંઘનો અરસપરસ કેવો દૂધ-સાકરનો સંબંધ રહ્યો છે તે વાત અનેક શબ્દોમાં તથા તત્ત્વજ્ઞાનની પરિભાષાઓમાં પણ સુરક્ષિત છે. આપણે જાણીએ છીએ કે વજીઓનું રાજય ગણરાજય હતું અર્થાત્ તે એક સંઘ હતો. ગણ અને સંઘ શબ્દ એવા સમૂહના સૂચક છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org