________________
૧૯0
બાર પ્રકારની હિંસાઓ
પ્રશ્ન હલ થઈ શકે તેમ નથી પણ એમ લાગે છે કે જો પૂરા એક હજાર આત્માઓ પોતાની ભાવહિંસા બિલકુલ ન કરે, પૂરા ભાવદયાળુ બની જાય તો કદાચ વિશ્વના તમામ કતલખાનાંઓ બંધ થઈ જાય. તમામ માંધાતા રાજકર્તાઓની બુદ્ધિમાં ભારે મોટો સુધારો પેદા થઈને આ સિદ્ધિ હાંસલ થાય.
એટલે જ ખરેખર તો એક જ કામ હવે કરવા જેવું લાગે છે. બારમા નંબરની સ્વરૂપહિંસાને યથાશક્ય વધુમાં વધુ આત્માઓ સદંતર બંધ કરે. ખાવાની લાલસા, ધનની મૂચ્છ, કુટુંબનો મોહ, જાતીય વાસનાઓ વગેરે સ્વરૂપ તમામ તલવારોને જો વધુમાં વધુ સંખ્યાના આત્માઓ મ્યાન કરવા લાગે તો તેમના પ્રભાવે આ જગતમાંથી યુદ્ધોની બિભીષિકાઓથી માંડીને મસમોટા સંહારક વિશ્વયુદ્ધોનું આગમન પણ સ્થગિત થઈ જાય.
ઘણા બધા જીવદયાપ્રેમીઓને મારે એ વાત હવે કરવી છે કે તમે કતલખાનાના ઢોરોને - કે પશુમાત્રને બચાવવાની વાત કરો છો તે સારી વાત છે પરંતુ આ દ્રવ્યદયાની સાથે વિશેષ સ્વરૂપે તમે ઉપર્યુક્ત ભાવદયામાં જોડાઓ. તમારી જાતથી તેનો આરંભ કરો. યથાશક્ય ઘણા બધા જીવોને આ ભાવદયાની સર્વોચ્ચતા સમજાવીને તેમાં જોડો. જો આ બાબતમાં કશું નહિ થાય તો કરોડો જીવોની દ્રવ્યદયાથી ઝાઝું વળશે નહિ; વળી તે દ્રવ્યહિંસા ક્યારે પણ બંધ થશે નહિ.
આ ભાવદયાનું પાલન મુખ્યત્વે સંસારત્યાગી શ્રમણો- સંતો જ કરી શકશે. તેઓ જ ક્રોધાદિની તમામ તલવારોને મ્યાન કરવાની સાધનાને આરાધી શકશે. ભલે તેમ હોય તો વાંધો નથી, તેવા સંતો મોટી સંખ્યામાં ભાવદયાના યજ્ઞમાં બેસે. તેમના પુણ્યપ્રભાવે આખું જગત દ્રવ્યદયાને તો કમ સે કમ સાધી લે.
વિનોબાજીએ સૂત્ર આપ્યું છે, “ગાય બચેગી, દેશ બચેગા.” મને એવું સૂત્ર આપવાનું દિલ થાય છે, “સંત બચેગા સબ બચેગા.”
જો સંતપુરુષ આંખની પાંપણમાં ય વિકારનું સ્પંદન કરશે તો તો તેણે કરેલી ભાવહિંસાથી ધરતીમાં કંપન પેદા થઈ જશે. આખી ધરતી ધ્રૂજી ઊઠીને લાખો માણસોના પ્રાણ લઈ લેશે.
જો સંતપુરુષ સર્વદા નિર્વિકાર - મૂર્તિ બની રહેશે તો તેના પ્રભાવે જ્યાં દુષ્કાળ હશે ત્યાં તે સાવ મટી જશે.
ચાલો ત્યારે, આખા પુસ્તકનો આ અંતિમ નિચોડ આવી ગયો. આપણે તેને જ પામીને અને પચાવીને સમગ્ર ધરતી ઉપરથી દ્રવ્ય અને ભાવ-ઊભયહિંસાનો ઉચ્છેદ કરવાની સાચી દિશામાં પહેલું ડગ તો જરૂર મૂકીએ.