Book Title: Anandghan ni Atmanubhuti 05
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 28
________________ માટે પૂર્વે કહ્યું તેમ વિશ્વની સર્વ વસ્તુના પર્યાયો પણ પોતાના સંબંધી છે. સ્વઅસ્તિત્વના નિર્ણયમાં તે સર્વ પર્યાયો પણ અંતર્ભૂત છે. માટે આત્મા આદિ વિશ્વની સર્વ વસ્તુઓ સર્વમય છે. આ એક અપેક્ષાને આશ્રીને છે, જે અપેક્ષાને અહીં સ્પષ્ટ કરી જ છે. આત્માનું અસ્તિત્વ સર્વમય છે. માટે જ વિશ્વની પ્રત્યેક વસ્તુના પર્યાયો તેના અંગરૂપ બને છે. માટે આત્માની સત્તા સર્વાંગી છે. सर्वमयी सरवंगी माने વિશ્વની કોઈ પણ વસ્તુ સર્વવસ્તુમય છે. વિશ્વની સર્વ વસ્તુઓ પ્રત્યેક વસ્તુના અંગ સ્વરૂપ છે. માટે જ આગમમાં કહ્યું છે – जो एगं जाणइ सो सव्वं जाणइ । जो सव्वं जाणइ सो एगं जाणइ । જે એકને જાણે છે, તે સર્વને જાણે છે, અને જે સર્વને જાણે છે, તે એકને જાણે છે. આત્મા એ પુસ્તક નથી, પેન નથી, ટેબલ નથી... આ રીતે દુનિયાની સર્વ વસ્તુ ‘નાસ્તિત્વ’ના સંબંધથી તેની સાથે જોડાયેલી છે. માટે એ સર્વ વસ્તુઓના જ્ઞાન વિના આત્માનું જ્ઞાન ન થઇ શકે. એવી જ રીતે વિશ્વની પ્રત્યેક વસ્તુનું જ્ઞાન સર્વ વસ્તુઓના જ્ઞાન વિના શક્ય નથી. માટે જેણે એક વસ્તુનું જ્ઞાન મેળવ્યું છે, તેણે સર્વ વસ્તુનું જ્ઞાન મેળવ્યું છે. एको भावः सर्वभावस्वभावः, सर्वे भावा एकभावस्वभावाः । एको भावस्तत्त्वतो येन बुद्धः, सर्वे भावास्तत्त्वतस्तेन बुद्धाः ।। પ્રત્યેક વસ્તુનો સ્વભાવ સર્વવસ્તુમય છે. સર્વ વસ્તુઓનો સ્વભાવ એકવસ્તુમય છે. જેણે વાસ્તવમાં એક વસ્તુને જાણી છે, તેણે સર્વ વસ્તુને વાસ્તવિકરૂપે જાણી છે. सर्वमयी सरवंगी माने સ્યાદ્વાદ સુધારસની પરિણતિથી આ તત્ત્વનું સંવેદન થાય છે. સર્વ વસ્તુ સર્વમય છે અને સર્વાંગી છે, આ વાસ્તવિકતાનું મનન થાય છે. આમ છતાં એ વિવેકદષ્ટિ પણ રહે છે કે સર્વ વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ છે. પ્રત્યેક વસ્તુની સત્તા બીજી સર્વ વસ્તુઓની સત્તા કરતા જુદી છે. न्यारी सत्ता भावे જો ‘સ્વ’નું જુદું અસ્તિત્વ ન હોય, તો ‘સ્વ’નો અભાવ થાય. એ જ રીતે વિશ્વની પ્રત્યેક વસ્તુનો પણ અભાવ થાય. પરિણામે સર્વશૂન્યતા સર્જાય. પણ એવું તો નથી. માટે પ્રત્યેક વસ્તુની ન્યારી સત્તા = સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારવું આવશ્યક છે. આત્મા સર્વમય છે, એની સાથે સાથે જ આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ પણ છે. આવા સ્વતંત્ર અસ્તિત્વનું જે પરિભાવન કરે છે, વિશ્વના સમસ્ત પદાર્થોનું જે યથાર્થદર્શન કરે છે, તે તત્ત્વદષ્ટા જિનવચનામૃતના તાત્પર્યને પ્રાપ્ત કરે છે. आनंदघन प्रभु वचन सुधारस परमारथ सो पावे તત્ત્વદષ્ટિથી રાગનો વિલય થાય છે. રાગના વિલયથી વીતરાગતા પ્રગટ થાય છે. વીતરાગતા પરમાનંદનું કારણ છે. માટે જ વીતરાગભગવંત આનંદઘન છે. એ આનંદઘન પ્રભુનું વચન જ સુધારસ છે.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32