Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
છત્રીસમું પદ : સમુદ્દાત
જેમ ઘડી કરેલું ભીનું કપડું સૂકાતા કલાકો વ્યતીત થઈ જાય છે પરંતુ તે જ કપડાંને પહોળું કરતાં તે તુરંત સુકાઈ જાય છે. તે જ રીતે આત્મપ્રદેશો આખા લોકમાં વિસ્તૃત થતાં કર્મો શીઘ્ર ક્ષય પામે છે. આઠ સમયની આ પ્રક્રિયા દ્વારા વેદનીયાદિ ત્રણેય અઘાતી કર્મોની વિષમતા દૂર થઈ જાય છે, તે ઉપરાંત અનંત કર્મોની નિર્જરા થાય છે.
૩૯૫
કેવળી સમુદ્દઘાતમાં યોગ ઃ— આઠ સમયમાં મનોયોગ કે વચનયોગનો પ્રયોગ થતો નથી. કાયયોગના સાત પ્રકારમાંથી ત્રણ પ્રકારના કાયયોગનો પ્રયોગ થાય છે. તેમાં પ્રથમ અને આઠમા સમયે ઔદારિક કાયયોગ, બીજા, છઠ્ઠા અને સાતમા સમયે ઔદારિક મિશ્રકાયયોગ તથા ત્રીજા, ચોથા અને પાંચમા સમયે કાર્મણ કાયયોગ હોય છે.
સમુદ્દાત પછી યોગની પ્રવૃત્તિ ઃ- આઠ સમયના સમુદ્દાત પછી કેવળી ભગવાનને અંતર્મુહૂર્તનું આયુષ્ય શેષ હોય છે. તે કાલમાં તે સયોગી અવસ્થામાં ત્રણે યોગનો પ્રયોગ કરે છે. સત્ય અને વ્યવહાર મનોયોગ દ્વારા મનઃપર્યવજ્ઞાની કે અનુત્તર વિમાનવાસી દેવોએ મનથી પૂછેલા પ્રશ્નોના મનથી ઉત્તર આપી શકે છે. સત્ય અને વ્યવહાર વચનયોગ દ્વારા ઉપદેશ અથવા પ્રશ્નોના ઉત્તર આપે છે અને ઔદારિક કાયયોગ દ્વારા ગમનાગમન આદિ સંયમ સમાચારી સંબંધી કાયિક પ્રવૃત્તિ કરે છે.
•
યોગ નિરોધનો ક્રમ ઃ– યોગ નિરોધના ક્રમમાં સુક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી નામના શુક્લ ધ્યાનના ત્રીજા ચરણમાં પ્રવર્તમાન કેવળી ભગવાન સર્વ પ્રથમ મનોયોગનો નિરોધ કરે છે. પર્યાપ્તા સંક્ષી પંચેન્દ્રિય જીવનો પ્રથમ સમયમાં જેટલો મનયોગનો-વ્યાપાર હોય છે, તેનાથી પણ અસંખ્યાત ગુણહીન મનોયોગનો પ્રતિસમય નિરોધ કરતાં-કરતાં અસંખ્યાત સમયોમાં મનોયોગનો પૂર્ણતયા નિરોધ કરી દે છે.
ત્યાર પછી તેઓ જઘન્ય વચન યોગવાળા પર્યાપ્તા બેઇન્દ્રિયના વચનયોગથી અસંખ્યાત ગુણ હીન વચનયોગનો નિરોધ કરતાં-કરતાં અસંખ્યાત સમયોમાં સંપૂર્ણ વચનયોગનો નિરોધ કરે છે.
ત્યાર પછી પ્રથમ સમયમાં ઉત્પન્ન અપર્યાપ્તા સૂક્ષ્મ પનક જીવના કાયયોગથી અસંખ્યાત ગુણહીન કાયયોગનો પ્રતિસમય નિરોધ કરતાં કરતાં અસંખ્યાત સમયોમાં પૂર્ણરૂપે કાયયોગનો પણ નિરોધ કરે છે.
આ પ્રમાણે કાયયોગનો નિરોધ કરીને કેવળી ભગવાન સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી નામના શુક્લધ્યાનના ચોથા ચરણમાં આરૂઢ થાય છે. આ પરમશુક્લ ધ્યાન દ્વારા તેઓ વદન અને ઉંદર આદિના છિદ્રોને પૂરિત કરીને પોતાના દેહનો ત્રીજો ભાગ આત્મપ્રદેશોને સંકુચિત કરે છે. એક ભાગ શરીરના પોલાણને ઓછો કરી બે ભાગમાં આત્મપ્રદેશોને ઠોસ—ઘન કરી દે છે.
શૈલેશી અવસ્થા :– યોગનો નિરોધ થતાં જ કેવળી ભગવાન અયોગી તેમજ શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય છે. તેમાં આત્મપ્રદેશો સંપૂર્ણતઃ નિષ્કપ થઈ જાય છે. તેની સ્થિતિ ‘અ, ઇ, ઉ, ૠ, ભૃ’ પાંચ હ્રસ્વ અક્ષરના ઉચ્ચારણ કોલ પ્રમાણ છે. તે કાલ દરમ્યાન પૂર્વ રચિત ગુણાશ્રેણી પ્રમાણે અનંત કર્મોનો નાશ કરે છે. આ રીતે ચારે અઘાતી કર્મો નાશ પામે છે, ઔદારિક, તૈજસ અને કાર્યણ શરીર છૂટી જાય છે, દેહમુક્ત થયેલો તે આત્મા સિદ્ઘ થાય છે.
ગુણશ્રેણી :– કાલાંતરમાં વેદન કરવા યોગ્ય વેદનીયાદિ કર્મદલિકોનો ક્ષય કરવા માટે તેની વિશેષ પ્રકારે ગોઠવણી કરવી તેને ગુણશ્રેણી કહે છે. તેમાં પ્રથમ સમયથી બીજા સમયે અસંખ્યાતગુણ અધિક કર્મદલિકો હોય છે. આ રીતે તેમાં પ્રતિસમય ઉત્તરોત્તર અસંખ્યાતગુણ અધિક કર્મદલિકોની રચના—ગોઠવણી હોય છે. આ જ ક્રમથી અસંખ્યાત સમય સુધી કર્મોનો નાશ થતાં અનંત કર્માંશોનો નાશ થઈ જાય છે.