Book Title: Acharya Anandshankar Dhruv Darshan ane Chintan Author(s): Dilip Charan Publisher: L D Indology Ahmedabad View full book textPage 4
________________ પ્રકાશકીય પ્રા. દિલીપભાઈ ચારણે પીએચ. ડી.ની ઉપાધિ માટે તૈયાર કરેલ મહાનિબંધ આચાર્યશ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવના ચિંતનનો સંશોધિત, પરિવૃદ્ધિત ગ્રંથ આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન પ્રકાશિત કરતાં અને આનંદની લાગણી અનુભવીએ છીએ. આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવનું ચિંતન સાંપ્રદાયિક સંકુચિતતામાં અટવાયેલું ન હતું. તેમનું ચિંતન સર્વગ્રાહી હતું. તેમાં સૌમ્યતા, સંવાદ, સંયમ, ભાવનામયતા આદિનું સંમિશ્રણ જોવા મળતું હતું. તેમનામાં શુષ્ક વિદ્વત્તા ન હતી. તેથી તેઓ અભિમાની બન્યા ન હતા પરંતુ સંયમી હતા. વળી તેમનામાં તત્ત્વ પામવાની ઊંડી અભિરુચિ દેખાય છે. તેથી જ તેમના ચિંતનમાં તટસ્થ અર્થઘટન, તત્ત્વગ્રહણ અને સમન્વયની ભાવના ઝળકે છે. સાથે સાથે જિજ્ઞાસા, શ્રદ્ધા અને નમ્રતા જેવા ગુણો પણ દીપી ઊઠ્યા છે. તેમનાં લખાણોમાં માનવજીવનને ઉન્નત બનાવવાની અભિપ્સા અને સંસ્કૃતિનું ગૌરવ જોવા મળે છે. તેઓ ઊંડા તત્ત્વચિંતક, ગંભીર વિચારક, સમન્વયાત્મક સંશોધક, લેખક અને દાર્શનિક હતા. તેઓ માત્ર વેદાન્ત, ગીતા, ઉપનિષદના જ વિદ્વાન ન હતા, પરંતુ સમગ્ર ભારતીય અને યુરોપીય દાર્શનિક પરંપરાઓના ઊંડા અભ્યાસુ અને વિદ્વાન હતા. તેથી તેમનાં લખાણોમાં નવો ઉન્મેષ અને ચેતના જોવા મળે છે. આથી તેમના લેખો, સંશોધનો અદ્યાવધિ નૂતન જણાય છે. આચાર્યશ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવના સમગ્ર કાર્યનું તુલનાત્મક અને સમીક્ષાત્મક અધ્યયન શ્રી દિલીપભાઈ ચારણે પ્રસ્તુત કર્યું છે. આ અધ્યયનમાં તેમનો કઠોર પરિશ્રમ, તુલનાત્મક દ્રષ્ટિ અને સંશોધનાત્મક વૃત્તિના દર્શન થાય છે. આ સંશોધનથી આચાર્યશ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવનો પરિચય સુપેરે થશે. પ્રસ્તુત ગ્રંથના પ્રકાશનમાં યોગદાન આપનાર તમામ મિત્રોનો હું આભાર માનું છું. અમને આશા છે કે ભારતીય દર્શન અને ગુજરાતના તત્ત્વચિંતનનો અભ્યાસ કરવા ઈચ્છતા તમામ જિજ્ઞાસુઓને આ ગ્રંથ ઉપયોગી નીવડશે. જિતેન્દ્ર બી. શાહ અમદાવાદ માર્ચ, ૨૦૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 314