Book Title: Aa Sansar Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 2
________________ આ સંસાર !૦ ૯૯ વિશેષ ભાગ સુષુપ્ત રીતે પડેલ છે અને નહિ જેવો ભાગ અનુભવી શકાય એમ છે. જે ક્રિયા દેહ, મન અને ઇન્દ્રિયોને અનુકૂળ લાગે તે સૌ કોઈને ગમે છે એને જે ક્રિયા દેહાદિકને પ્રતિકૂળ લાગે તે કોઈને પણ ગમતી નથી. બાળકના મોંમાં સાકર મૂકતાં તે તેને અનુકૂળ જણાય અને ધીરે ધીરે તે એનાથી ટેવાય છે. કરિયાતું મોઢામાં મૂકતાં કડવું લાગે છે અને તેથી પ્રતિકૂળ જણાય છે. બાળક એમ વિચારી શકતું નથી કે નરી સાકર ખાવાથી જે સુખ તે ઇચ્છે છે તે કદી મળનાર નથી, તે જ પ્રમાણે નર્યું કરિયાતું પણ તેની કલ્પનાનું માત્ર દુઃખદાતા છે એમ નથી. હકીકતમાં બન્નેની અતિશયતા ટાળવી જોઈએ અને વચલો માર્ગ ગ્રહણ કરવાથી સુખ સાંપડી શકે. વચલો રસ્તો જાણીતો હોવા છતાં તે રસ્તે જનારા વિરલા જ છે અને તેથી જ સંસારને અસાર કહેવાનો, માનવા-મનાવવાનો એક પ્રઘોષ ચાલુ જ છે. માનવ-માનવ વચ્ચે જે અનુરાગવૃત્તિ છે તે સાકર જેવી છે અને જે વૈષની, અણગમાની વૃત્તિ છે તે કરિયાતા જેવી છે. માત્ર અનુરાગ કે માત્ર અણગમો એ બે માનવ-જીવનને સદતા નથી. પ્રાયઃ અનુરાગમાંથી જ અણગમો અને અણગમામાંથી અનુરાગ જન્મે છે. આ એક એવી વિચિત્ર ગૂંચ છે કે જેનો ઉકેલ સાધારણ જન કદી કરી શકતો નથી. આથી જ તે આ બન્નેની વચ્ચે ઘંટીના બે પડો વચ્ચેના દાણાની જેમ સતત પિસાયા કરે છે અને છેવટે કુદરતનું તેડું આવતાં કમને ય તેને ચાલી નીકળવું પડે છે. સતત પિસાયા કરવાની આ પરિસ્થિતિને અટકાવવાના વિવિધ માર્ગો યોજાયા છે. વૈરાગ્યનો એટલે અસંસારી બનવાનો માર્ગ, સંસાર માણવાના માર્ગથીયે અધિક કઠિન છે. વૈરાગી બનનારનું મહદ્ અંશે “નહિ વેરો, નહિ વેઠ; બાવો બાવો સૌ કહે અને સુખે ભરે પેટ” એવું બની જાય છે. અસંસારી બનવાનો વિચાર સેવનારાના મનમાં માત્ર પેટ ભરવાનો જ ઉદ્દેશ નથી હોતો, છતાં મોટે ભાગે પરિસ્થિતિ આવી જ દેખાય છે. બીજો માર્ગ ગૃહસ્થાશ્રમી બનીને તેને નિભાવવાનો છે. વૈરાગ્યના માર્ગ જેટલો જ સાચા અર્થમાં આ માર્ગ દુષ્કર છે. જેઓ આ માર્ગ લે છે તેઓ માત્ર પેટ યા વેઠ માટે જ આ માર્ગ સ્વીકારતા નથી, છતાં પરિણામે વિશેષ કરીને પેટનું કે વેઠનું જ પરિબળ દેખાય છે. શાસ્ત્રોમાં કે કાવ્યોમાં આ બન્ને માર્ગોનાં જે અતિ સુંદર વર્ણનો આવે છે તે વસ્તુસ્થિતિ છે કે વિજ્ઞાપનો તે કળવું કઠણ છે. સમસ્ત સંસારનો ભૂત અને વર્તમાન જોતાં મહાકવિ કાલિદાસની આ વાણી પર શ્રદ્ધા થવી કઠણ નથી લાગતી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7