Book Title: Aa Sansar
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf
Catalog link: https://jainqq.org/explore/249408/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૧૨. આ સંસાર ! જગતના ઊંડા અનુભવી વિવેકી પુરુષો કહી ગયા છે અને કહે છે પણ ખરા કે જો જીવતાં આવડે તો સંસાર ખરેખર સારમય છે અને જીવતાં ન આવડે તો એ કેવળ જનમ-જનમનાં આંટાફેરારૂપ છે. માણસ એકલો ભાગ્યે જ રહી શકે છે. સમાજ યા કુટુંબ વિના તેને ગમતું નથી. માણસ તો શું, ઝાડ પણ વનમાં એકલું રહી જીવી શકતું નથી એવી લોકમાન્યતા છે. વૈત વિના અદ્વૈત શક્ય નથી. આમ છતાં જયાં જ્યાં વૈત છે ત્યાં ત્યાં સર્વ સ્થળે વિશેષ કરીને સુવિધા કરતાં દુવિધાઓ અનુભવાય છે. આમ કેમ? મનુષ્યના દેહમાં વિવિધ તત્ત્વો છે. એક તો ચેતના છે, જેને લઈને મનુષ્યનું જીવન ટકી રહ્યું છે. બીજું, ઇન્દ્રિયો, મન અને આ સ્થૂળ દેહ એ પણ મનુષ્યના જીવન સાથે જ જડાયેલ છે. ચેતના, ઈન્દ્રિયો મન અને દેહ એ બધાં વચ્ચે કેવો સંબંધ છે ? એ સંબંધ શા માટે સરજાયો છે? એ વિષય જુદો છે, છતાં એટલું તો કહેવું જ પડશે કે એ બધું પરસ્પર એવું ઓતપ્રોત છે કે જીવન છે ત્યાં સુધી એમાંથી કશું છૂટું પાડી શકાતું નથી અને જેમ મ્યાન અને તલવાર જુદાં જુદાં દેખાય છે, યા જુદાં જુદાં કરી શકાય છે તેમ ઉપર્યુક્ત ચાર અપ્રત્યક્ષ અંગો જુદાં કરી શકાતાં નથી. એક વાત સૌ કોઈની અનુભવેલી છે કે માણસ લાગણીના તરંગોનો મોટો દરિયો છે. તાજા જન્મેલા બાળકમાં પણ લાગણીઓ પડેલી છે, જેમાંનો * “જેને ઘેર આ દિવસ ક્લેશ વગરનો, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર પવિત્રતાનો વાસ છે. કુશળ કહ્યાગરા પુત્રો, આજ્ઞાવલંબની ધર્મયુક્ત અનુચરો, સદ્ગુણી સુન્દરી, સંપીલું કુટુંબ, સપુરુષ જેવી પોતાની દશા જે પુરુષની હશે તેનો આજનો દિવસ આપણ સઘળાને વંદનીય છે.” -શ્રીમદ્ રાજચન્દ્ર પૃ. ૭-૮, ગુજરાતી મુદ્રણ Page #2 -------------------------------------------------------------------------- ________________ આ સંસાર !૦ ૯૯ વિશેષ ભાગ સુષુપ્ત રીતે પડેલ છે અને નહિ જેવો ભાગ અનુભવી શકાય એમ છે. જે ક્રિયા દેહ, મન અને ઇન્દ્રિયોને અનુકૂળ લાગે તે સૌ કોઈને ગમે છે એને જે ક્રિયા દેહાદિકને પ્રતિકૂળ લાગે તે કોઈને પણ ગમતી નથી. બાળકના મોંમાં સાકર મૂકતાં તે તેને અનુકૂળ જણાય અને ધીરે ધીરે તે એનાથી ટેવાય છે. કરિયાતું મોઢામાં મૂકતાં કડવું લાગે છે અને તેથી પ્રતિકૂળ જણાય છે. બાળક એમ વિચારી શકતું નથી કે નરી સાકર ખાવાથી જે સુખ તે ઇચ્છે છે તે કદી મળનાર નથી, તે જ પ્રમાણે નર્યું કરિયાતું પણ તેની કલ્પનાનું માત્ર દુઃખદાતા છે એમ નથી. હકીકતમાં બન્નેની અતિશયતા ટાળવી જોઈએ અને વચલો માર્ગ ગ્રહણ કરવાથી સુખ સાંપડી શકે. વચલો રસ્તો જાણીતો હોવા છતાં તે રસ્તે જનારા વિરલા જ છે અને તેથી જ સંસારને અસાર કહેવાનો, માનવા-મનાવવાનો એક પ્રઘોષ ચાલુ જ છે. માનવ-માનવ વચ્ચે જે અનુરાગવૃત્તિ છે તે સાકર જેવી છે અને જે વૈષની, અણગમાની વૃત્તિ છે તે કરિયાતા જેવી છે. માત્ર અનુરાગ કે માત્ર અણગમો એ બે માનવ-જીવનને સદતા નથી. પ્રાયઃ અનુરાગમાંથી જ અણગમો અને અણગમામાંથી અનુરાગ જન્મે છે. આ એક એવી વિચિત્ર ગૂંચ છે કે જેનો ઉકેલ સાધારણ જન કદી કરી શકતો નથી. આથી જ તે આ બન્નેની વચ્ચે ઘંટીના બે પડો વચ્ચેના દાણાની જેમ સતત પિસાયા કરે છે અને છેવટે કુદરતનું તેડું આવતાં કમને ય તેને ચાલી નીકળવું પડે છે. સતત પિસાયા કરવાની આ પરિસ્થિતિને અટકાવવાના વિવિધ માર્ગો યોજાયા છે. વૈરાગ્યનો એટલે અસંસારી બનવાનો માર્ગ, સંસાર માણવાના માર્ગથીયે અધિક કઠિન છે. વૈરાગી બનનારનું મહદ્ અંશે “નહિ વેરો, નહિ વેઠ; બાવો બાવો સૌ કહે અને સુખે ભરે પેટ” એવું બની જાય છે. અસંસારી બનવાનો વિચાર સેવનારાના મનમાં માત્ર પેટ ભરવાનો જ ઉદ્દેશ નથી હોતો, છતાં મોટે ભાગે પરિસ્થિતિ આવી જ દેખાય છે. બીજો માર્ગ ગૃહસ્થાશ્રમી બનીને તેને નિભાવવાનો છે. વૈરાગ્યના માર્ગ જેટલો જ સાચા અર્થમાં આ માર્ગ દુષ્કર છે. જેઓ આ માર્ગ લે છે તેઓ માત્ર પેટ યા વેઠ માટે જ આ માર્ગ સ્વીકારતા નથી, છતાં પરિણામે વિશેષ કરીને પેટનું કે વેઠનું જ પરિબળ દેખાય છે. શાસ્ત્રોમાં કે કાવ્યોમાં આ બન્ને માર્ગોનાં જે અતિ સુંદર વર્ણનો આવે છે તે વસ્તુસ્થિતિ છે કે વિજ્ઞાપનો તે કળવું કઠણ છે. સમસ્ત સંસારનો ભૂત અને વર્તમાન જોતાં મહાકવિ કાલિદાસની આ વાણી પર શ્રદ્ધા થવી કઠણ નથી લાગતી ? Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ - સંગીતિ ત્યારે સંમૃતાર્થોનામું” “ના દધિનામ" તથા "प्रजानां विनयाधानात् रक्षणात् भरणादपि । स पिता पितरस्तासां केवलं जन्महेतवः ॥" -રધુવંશ સર્ગ પ્રથમ, શ્લોક ૭, ૨૪, ૨૫. ઉપર્યુક્ત શ્લોકોમાં કવિએ કહ્યું છે કે પ્રાચીન કાળમાં ક્ષત્રિયો ધન વગેરે સુખદાયી પદાર્થોનો સંગ્રહ દાન કરવા માટે જ, લગ્ન કરતા તે માત્ર પ્રજાને માટે જ. રાજા દિલીપ પ્રજાનો ખરો પિતા હતો. રાજા દિલીપ માત્ર સંતાન માટે જ પરણ્યો હતો, ભોગાનન્દ માટે નહિ. જે દેશના ઇતિહાસમાં હજારો વર્ષોથી જાતિવાદને પ્રધાનસ્થાન અપાયેલ છે, અસ્પૃશ્યતા ટકી રહેલ છે, જયાં આદર્શ ગણાતા ક્ષત્રિયો કન્યાનાં હરણ કરવામાં પોતાને શૂરવીર ગણતા અને આવા હઠવિવાહને શાસે માન્યતા આપેલી છે, તે દેશનો ઇતિહાસ કેવળ તટસ્થ પ્રષ્ટિએ જોતાં અને વિચારતાં ઉપલું વર્ણન ખુશામત જેવું નથી લાગતું? પરંતુ આ તો વિષયાન્તર જેવું થઈ ગયું. કહેવાની વાત તો એ હતી કે વૈરાગ્ય અને ગૃહસ્થ એ બન્ને માર્ગો હકીકતમાં ખાંડાની ધાર જેવા છે. ત્યારે કરવું શું? સાપેક્ષ રીતે વિચારતાં અને વિવિધ મનોવૃત્તિઓને જોતાં માનવસમાજ માટે એ બન્ને માર્ગો કેટલેક અંશે હિતાવહ ગણી શકાય; છતાં ધોરીમાર્ગ તો ગૃહસ્થમાર્ગને કહી શકાય. આ ગૃહસ્થાશ્રમનો તાપ પણ જેવો-તેવો નથી. એ તાપ જીરવવો ભારે કઠણ છે. ગૃહપતિ અને ગૃહપત્ની બન્નેના સંસ્કાર સાવ જુદા જુદા તો ઠીક, પણ વિરોધી સુધ્ધાં હોય છે. વૃત્તિઓની વિવિધતાનો તો પાર નહિ, એકબીજાની પ્રવૃત્તિઓનાં ક્ષેત્રોય તદ્દન નિરાળાં અને ઘણી વાર સામસામાં. ગૃહપતિ કવિ, લેખક, સંશોધક કે સમ્પાદક હોય યા સ્વ-વ્યવસાયમાં તન્મય હોય ત્યારે ગૃહપત્નીના કેવા હાલ થાય ? ગૃહપત્ની ઘરકામ-ગૃહવ્યવસ્થા કરવા સાથે પોતે કલ્પેલા વિશેષ પ્રકારના દૈહિક, વાચિક અને માનસિક પ્રમોદ ઇચ્છે છે. પેલો કવિતામાં એવો મશગૂલ, એકધ્યાન અને એકતાન હોય છે, ત્યારે ગૃહિણીની કોઈ વાતને જ એ સાંભળી ન શકે. આવી પરિસ્થિતિમાં ગૃહિણી માટે કવિતા સપત્નીની ગરજ સારે છે. પ્રાચીન Page #4 -------------------------------------------------------------------------- ________________ આ સંસાર ! ૦ ૧૦૧ સંશોધનની પ્રવૃત્તિમાં રત રહેતા પતિની પત્નીના હાલ આથી વધારે સારા નથી હોતા. એવા પતિની ગૃહિણી તો ઘણી વાર આ પ્રાચીન થોથાં-પોથીને સળગાવી દેવાનો વિચાર સુધ્ધાં કરે છે; પણ કરે શું? તેમના સૌના રોટલાનો આધાર એ વ્યવસાય પર હોય છે. મિલવાળો, કારખાનાવાળો કે જેનો ધંધો ધીકતો ચાલતો હોય છે તે પત્નીને સોને-હીરે મઢી શકે, પણ જે આનન્દની પત્ની અપેક્ષા રાખતી હોય તે તેને ભાગ્યે જ મળી શકે છે. સોને-હીરે લદાયેલી પત્નીઓને એવું કહેતાં સાંભળી છે કે આ કરતાં તો કોઈ ઝૂંપડામાં રહેતાં હોત તો વધારે સારું ! આવી સ્ફોટક સ્થિતિમાં બેમાંથી ત્રણ થતાં અને એ રીતે વેલો વધતો જતાં એ સ્થિતિ વધુ સ્ફોટક બને છે. સંતાનોના ઉછેર અંગે ઘણી વાર બે જણ વચ્ચે ભારે વિખવાદ ખડો થાય છે. પત્ની માને છે કે બાળકોને સારા બનાવવા માટે નરમ થવા જેટલી જ કડક થવાની અગત્યતા છે, ત્યારે પેલો સંશોધન-કાર્યરત કે કવિતાપરાયણ સ્વામી કડક બની શકતો જ નથી. આ પરિસ્થિતિ સમસ્ત કુટુંબ માટે ઘણી વાર ખતરનાક નીવડે છે. જૂના જમાનાની શાળાઓની “સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રમઝમ'ની રૂઢિ અનુસાર ઘરમાં આવા શાસનથી પતિ-મહાશય ગભરાય છે. પણ કરે શું ? વધુ દુર્દશાનો તો આગળ જતાં સામનો કરવો પડે છે. સંતાનો યુવાન થાય, પોતાના વ્યક્તિત્વને પારખતાં થાય, ત્યારે તેઓ જરાયે સખતાઈ સહન કરી શકતાં નથી, અને ત્યારે જે આશા-અભિલાષોથી તેમને ઉછેર્યા હોય, સુખદુઃખ વેઠી મોટાં કર્યા હોય તે અરમાનોના ચૂરા થઈ જતાં બળતામાં ઘી હોમાયા જેવી સ્થિતિ થાય છે. સમજુ અને સમર્થ હોય તો સંતાન પોતાનો રસ્તો કાઢી લે છે; પણ જ્યાં એવું ન હોય ત્યાં તો ઘરની દશા ઘોર જેવી જ બની જાય છે. એમાંયે સંતાન પ્રભુતામાં પગલાં માંડે અને નવું માણસ ઘરમાં આવે ત્યારે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધના શબ્દોમાં “આ આખો સંસાર ભડકે બળે છે”નું દશ્ય પ્રત્યક્ષ ખડું થાય છે. છતાં એ ભડકો હિમ જેવો લાગે છે અને કોઈ કોઈનો સંબંધ તોડી શકતું નથી–છૂટું થઈ શકતું નથી. નવી આવનારી ઘણી વાર ભડકો વધુ મોટો કરવામાં કારણભૂત બને છે. વડીલો જૂના જમાનાના અને સંતાનો નવા જમાનાનાં, વળી પુત્રવધૂઓ એકદમ નવા જમાનાની; એટલે તે કલ્પના પ્રમાણે દુઃખનો દરિયો જ ઊમટી પડે. આ પરિસ્થિતિ ભૂતકાળમાં હતી અને આજેય દેખાય છે-ક્યાંક વધુ તો ક્યાંક ઓછી, પણ દેખાયા વિના નથી રહેતી. જો સખત મજૂરીથી બધાંએ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ - સંગીતિ મળીને જીવનનું ગાડું ચલાવવાનું હોય તો આ પરિસ્થિતિનો અનુભવ ઓછો થાય, પણ જીવન લગભગ બેઠાડુ હોય અને મો-માગ્યું બધું આવી મળતું હોય ત્યાં પણ આ ભડકો ઓછો લાગે; પણ મધ્યમવર્ગનાઓ તો લગભગ આવી જ પરિસ્થિતિ અનુભવતા હોય છે. આ પરિસ્થિતિનું મૂળ કારણ મન છે. મનમાં જયારે વાસનાઓનો ભંડાર હોય ત્યારે જ આમ બને છે. આ વાસનાઓનો એકદમ તો શું, પણ વર્ષોનાં વર્ષો સુધી, અરે ! જન્મોના જન્મો સુધી ત્યાગ કરવો અને નિર્વાસન થઈને ગૃહસ્થાશ્રમપરાયણ બનવું એ મહાભગીરથ કાર્ય છે. ખરી ખૂબી તો એ છે કે ગમે તેવી સ્ફોટક પરિસ્થિતિ હોવા છતાં અને પરસ્પર કટ્ટર વેરી જેવાં લાગતાં હોવા છતાં માનવમાં એક એવી વૃત્તિ છે જે બધાંને ગમે તે પ્રકારે જોડી રાખે છે–એનું નામ અનુરાગવૃત્તિ. આ વૃત્તિ પરસ્પર સહાનુભૂતિમય બને, મર્યાદાશીલ બનાવે અને આંખની શરમને ટકાવી રાખે તો ગમે તેવા ભડકા જરૂર સહન થઈ શકે, અને આ ભડકાઓ સંસારની સતત ઠંડીને ઉડાડવામાં કદાચ સહાયક પણ નીવડે. માનસશાસ્ત્રીઓ આવી ભયંકર પરિસ્થિતિના મૂળમાં મોટે ભાગે કામવાસનાને નિમિત્તરૂપ ગણે છે; જ્યારે ભારતીય યોગશાસ્ત્રીઓ કષાયોને આ પરિસ્થિતિના જનક માને છે. કષાયો અને કામવાસના એ વચ્ચે ફરક પાડવો મુશ્કેલ છે. ગીતા અને બીજા જ્ઞાનીઓ વારંવાર કહે છે કે “સંગ” આ બધાના મૂળમાં છે. સંગ, વિશાળ અર્થમાં કામવાસના, અને કષાયો એ બધું સરવાળે એક જ છે. આ જગતની અને તેમાં જીવતા માનવસમાજની પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાં માનવસમાજને શાતા ઉપજાવે, માનવતાનો લોપ ન થવા દે અને માનસિક આપઘાતોમાંથી ઉગારી લે એવી કોઈ યોજના છે ખરી? જયારે દેશમાં જીવનનિર્વાહની સામગ્રી પૂરતી હતી, ઉદ્યમીઓને પૂરતો ઉદ્યમ મળી રહેતો, કલાકારોને કલા પ્રદર્શિત કરવાની પૂરતી તકો મળતી, મજૂરોને પૂરતી મજૂરી મળતી, કરબોજ નહિ જેવા હતા, લગભગ સૌ પરિશ્રમપરાયણ જીવન ગાળતા હતા, બેઠાડુઓની પ્રતિષ્ઠા જ નહોતી, ઘેરઘેર હાથઉદ્યોગો ચાલ્યા જ કરતા હતા, રામકથા જેવાં પવિત્ર પ્રવચનોની પરંપરા ઉનાળાઓમાં નિયમિતપણે યોજાતી હતી, અને સૌથી મહત્ત્વની વાત તો એ કે અનાજ એકદમ સોધું હતું, ઘી-દૂધ, દહીં-છાશ તો અનાજથીયે Page #6 -------------------------------------------------------------------------- ________________ આ સંસાર ! ૦ ૧૦૩ સસ્તાં હતાં, દૂધ વેચવાનો રિવાજ જ નહોતો, અને છાશ તો જોઈએ તેટલી મળતી; મોટા મુત્સદ્દીને કે મોટી પેઢીના મુનીમોને વાર્ષિક સો રૂપિયા મળતા, તો તેમાંથી સમસ્ત પરિવાર, સુખસંતોષ અને સાહેબીમાં જીવન વિતાવતો; શુભ-અશુભ પ્રસંગો પણ સારી રીતે ઊકલી જતા. અકબરના જમાનાની વાત જવા દઈએ. મારા જમાનાની જ વાત કરું. વળામાં અમે, બહારથી આવનારા વછિયાતોને અમારે ત્યાં જમાડતા અને મહિને માત્ર પાંચ જ રૂપિયા લેતા. ઘી-દૂધ તેમનાં જુદાં લાવતાં. આમ પાંચ રૂપિયામાં અમારા કટુંબનો પણ ઘણો-ખરો નિર્વાહ થઈ જતો. હવે અત્યારે મારે એકલાને વળામાં રહેવું હોય તો અને બરાબર સારી રીતે રહેવું હોય તો મહિને સાઠ-પોણોસો રૂપિયા સહેજે જોઈએ. આમ મારી જાણમાં જ ખર્ચમાં એકદમ બા૨-પંદરગણો ખર્ચ વધી ગયો છે. જ્યારે સામે પલ્લે આવકના માર્ગો એકદમ ઘટી ગયા છે. હાથઉદ્યોગો બધા ભાંગી ગયા છે. પરદેશી તમામ વસ્તુઓ બજારોમાં ઊભરાય છે. જેઓ વેજાં વણે છે તેઓ માથે વેજાં મૂકીને ભરબજારે આખો દિ’ આંટા માર્યા કરે તો પણ તેમનાં વેજાં ખપતાં નથી. છેવટે લાચારીથી થાકીને થોડી ખોટ ખાઈને પણ વેજાં વેચી જાય છે. ઘરમાં નવરાશનો પાર નથી, કોઈ હાથઉઘોગ નથી; લોટ તૈયાર, મિલના છડેલા ચોખા, મગ-તુવેરની દાળો પણ તૈયાર, ઘી તો કચાંથી મળે, પણ ‘વનસ્પતિ’ઘીના ડબ્બા તૈયાર, ચોખ્ખા તેલના પણ ઠેકાણાં નથી. આ પરિસ્થિતિમાં માણસના અંતરમાં આનંદ ક્યાંથી પ્રગટે ? ખર્ચા વધારે ને આવકના સાંસા હોય ત્યાં અપ્રામાણિકપણું, અનીતિ, છળકપટ અને લાંચરુશ્વત હોય એમાં શી નવાઈ ? મંદિરોમાં ઘંટારવ થયા કરે, શંખો ફૂંકાયા કરે અને ઝાલરો વાગ્યા કરે, પણ પ્રજાના દિલમાંથી ભગવાન બહાર નીકળી ગયો અને મંદિરના ગભારામાં આવેલી પેઢલી ઉપર જઈને બેસી ગયો. પ્રજાના આરોગ્યની પણ આવી જ હાલત છે. ક્ષય વગેરે જીવલેણ રોગો ન આવે તો જાય ક્યાં ? દમ વગરના ખાનપાને શરીરની શક્તિઓને ક્ષીણ બનાવી દીધી છે, અને જે અધૂરું પોષણ મળે છે તેના પ્રમાણમાં જીવનનો ભાર પાર વગરનો. એટલે શું આર્થિક દૃષ્ટિએ કે શું આરોગ્યની દૃષ્ટિએ, કોઈ દિ' બે પાસાં સરખાં થઈ જ કેમ શકે ? મેં પોતે છપ્પનિયા દુકાળમાંયે રૂપિયાનું સાડા ત્રણ શેર ચોખ્ખું, નિર્ભેળ અને તાજું ઘી ખાધું છે. અત્યારે કહેવાતું ધીયે ત્રણ રૂપિયે શેર મળે છે. ચોખ્ખું ઘી તો સ્વપ્રામાંયે દુર્લભ છે. યુવક-યુવતીઓ અકાળે ઘરડાં થવા લાગ્યાં છે. ચાલી ન શકાય, હાથપગ હલાવતાં શ્વાસ ચડે. જીવન કૃત્રિમ—આરોગ્ય Page #7 -------------------------------------------------------------------------- ________________ 104 * સંગીતિ કૃત્રિમ અને સુખ પણ કૃત્રિમ–એ આજના પ્રગતિશીલ જમાનાની દેણ છે. આ સ્થિતિમાંથી ઊગરવા માટે શું કરવું તે વ્યક્તિનો, સમાજનો, રાષ્ટ્રનો પ્રાણપ્રશ્ન છે. જીવનમાં આનંદ જોઈએ, ઉત્સવ જોઈએ; વૈરાગ્યને પણ સ્થાન છે. પરંતુ જયાં અસ્થિરતા ને ઉન્માદ હોય ત્યાં આવું કશું શક્ય જ ક્યાં છે? જે જે ભૂતકાળની વાત ઉપર લખી તેમાં કોઈને અતિશયોક્તિ કે અધૂરું અવલોકન લાગે, કોઈને સાચુંયે લાગે; પરંતુ એ હકીકત તો સિદ્ધ છે કે ભૂતકાળમાં પાછું જઈ શકાય એમ નથી. વર્તમાનમાં છીએ ને ભાવિમાં ગતિ કરવી છે. સાચી દિશા શોધવા માટે આપણે કયાંથી નીકળ્યા ને ક્યાં ઊભા છીએ તે જાણવું જરૂરી ગણાય. ભૂત અને વર્તમાનનો એ ઉપયોગ. ભાવિ માર્ગ આપણે હવે શોધી લેવો જોઈએ. સંસાર અસાર પણ નથી ને સારમય પણ નથી અથવા તો બને છે. આ અવલોકન અને મનોમંથનનો સાર એ છે કે વ્યક્તિ જો વિચારે ને પરિવર્તન સાધે તો સમાજ પલટાયા વિના રહે નહિ; કારણ કે વ્યક્તિથી જ સમાજ બને છે અને એ જ છે સંસાર. જાત સુધારીને આ સંસારને સુધારીએ. - જીવન માધુરી, ઑગસ્ટ - 1958