________________ ભવિષ્યકાળે જે ઉપાધિ ઘણો વખત રોકશે, તે ઉપાધિ વધારે દુઃખદાયક થાય તોપણ થોડા વખતમાં ભોગવી લેવી એ વધારે શ્રેયસ્કર છે. એ ઉપાધિ નીચેના હેતુથી સમાધિરૂપ થશે એમ માન્યું હતું : ધર્મ સંબંધી વધારે વાતચીત આ કાળમાં ગૃહવાસપરત્વે ન આવે તો સારું. ભલે તને વસમું લાગે, પણ એ જ ક્રમમાં પ્રવર્ત. ખચીત કરીને એ જ ક્રમમાં પ્રવર્ત. દુઃખને સહન કરી, ક્રમની સાચવણીના પરિષહને સહન કરી, અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગને સહન કરી તું અચળ રહે. અત્યારે કદાપિ વસમું, અધિકતર લાગશે, પણ પરિણામે તે વસમું સમું થશે. ઘેરામાં ઘેરાઈશ નહીં. ફરી ફરી કહું છું, ઘેરાઈશ નહીં. દુઃખી થઈશ, પશ્ચાત્તાપ કરીશ; એ કરતાં અત્યારથી આ વચનો ઘટમાં ઉતાર - પ્રીતિપૂર્વક ઉતાર. 1. કોઈના પણ દોષ જો નહીં. તારા પોતાના દોષથી જે કંઈ થાય છે, તે થાય છે, એમ માન. 2. તારી (આત્મ)પ્રશંસા કરીશ નહીં, અને કરીશ તો તું જ હલકો છે એમ હું માનું છું. 3. જેમ બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણૂક કરવાનું પ્રયત્ન કરજે. એકદમ તેમાં તને સિદ્ધિ નહીં મળે, વા વિપ્ન નડશે, તથાપિ દ્રઢ આગ્રહથી હળવે હળવે તે ક્રમ પર તારી નિષ્ઠા લાવી મૂકજે. 4. તું વ્યવહારમાં જેનાથી જોડાયો હો તેનાથી અમુક પ્રકારે વર્તવાનો નિર્ણય કરી તેને જણાવ. તેને અનુકૂળ આવે તો તેમ; નહીં તો તે જણાવે તેમ પ્રવર્તજે. સાથે જણાવજે કે તમારા કાર્યમાં (જે મને સોંપો તેમાં) કોઈ રીતે મારી નિષ્ઠાથી કરીને હાનિ નહીં પહોંચાડું. તમે મારા સંબંધમાં બીજી કંઈ કલ્પના કરશો નહીં, મને વ્યવહારસંબંધી અન્યથા લાગણી નથી, તેમ હું તમારાથી વર્તવા ઇચ્છતો નથી, એટલું જ નહીં પણ કંઈ મારું વિપરીતાચરણ મનવચનકાયાએ થયું, તો તે માટે પશ્ચાત્તાપી થઈશ. એમ નહીં કરવા આગળથી બહુ સાવચેતી રાખીશ. તમે સોંપેલું કામ કરતાં હું નિરભિમાની રહીશ. મારી ભૂલને માટે મને ઠપકો આપશો તે સહન કરીશ. મારું ચાલશે ત્યાં સુધી સ્વપ્ન પણ તમારો દ્વેષ વા તમારા સંબંધી કોઈ પણ જાતની અન્યથા કલ્પના કરીશ નહીં. તમને કોઈ જાતની શંકા થાય તો મને જણાવશો, તો તમારો ઉપકાર માનીશ, અને તેનો ખરો ખુલાસો કરીશ. ખુલાસો નહીં થાય તો મૌન રહીશ, પરંતુ અસત્ય બોલીશ નહીં. માત્ર તમારી પાસેથી એટલું જ ઇચ્છું છું કે, કોઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભયોગમાં પ્રવૃત્તિ કરશો નહીં; તમારી ઇચ્છાનુસાર તમે વર્તજો, તેમાં મારે કંઈ પણ અધિક કહેવાની જરૂર નથી. માત્ર મને મારી નિવૃત્તિશ્રેણિમાં વર્તવા દેતાં કોઈ રીતે તમારું અંતઃકરણ ટૂંકું કરશો નહીં, અને ટૂંકું કરવા જો તમારી ઇચ્છા હોય તો ખચીત કરીને મને આગળથી જણાવી દેજો. તે શ્રેણિને સાચવવા મારી ઇચ્છા છે અને તે માટે એથી હું યોગ્ય કરી લઈશ. મારું ચાલતા સુધી હું તમને દુભાવીશ નહીં અને છેવટે એ જ નિવૃત્તિશ્રેણિ તમને અપ્રિય હશે તોપણ હું જેમ બનશે તેમ જાળવણીથી, તમારી સમીપથી, તમને કોઈ જાતની હાનિ કર્યા વગર બનતો લાભ કરીને, હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઇચ્છા રાખીને ખસી જઈશ.