________________ વાસ્તવ્ય વસ્તુ, વિવેક વિવેચક, તે ક્રમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો. (6) મુંબઈ, વૈશાખ વદ 5, શુક્ર, 1946 ઇચ્છા વગરનું કોઈ પ્રાણી નથી. વિવિધ આશાથી તેમાં પણ મનુષ્ય પ્રાણી રોકાયેલું છે. ઇચ્છા, આશા જ્યાં સુધી અતૃપ્ત છે, ત્યાં સુધી તે પ્રાણી અધોવૃત્તિવત છે. ઇચ્છાજયવાળું પ્રાણી ઊર્ધ્વગામીવત્ છે. (7) મુંબઈ, જેઠ સુદ 4, ગુરૂ, 1946 પરિચયી ! તમને હું ભલામણ કરું છું કે, તમે યોગ્ય થવાની તમારામાં ઇચ્છા ઉત્પન્ન કરો. હું તે ઇચ્છા પૂર્ણ કરવામાં સહાયક થઈશ. તમે મારાં અનુયાયી થયાં, અને તેમાં મને પ્રધાનપદ જન્માંતરના યોગથી હોવાથી તમારે મારી આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તવું એ ઉચિત ગયું છે. અને હું પણ તમારી સાથે ઉચિતપણે પ્રવર્તવા ઇચ્છું છું, બીજી રીતે નહીં. જો તમે પ્રથમ જીવનસ્થિતિ પૂર્ણ કરો, તો ધર્માર્થે મને ઇચ્છો, એવું કરવું ઉચિત ગણું છું; અને જો હું કરું તો ધર્મપાત્ર તરીકે મારું સ્મરણ થાય એમ થવું જોઈએ. બન્ને ધર્મમૂર્તિ થવા પ્રયત્ન કરીએ. મોટા હર્ષથી પ્રયત્ન કરીએ. તમારી ગતિ કરતાં મારી ગતિ શ્રેષ્ઠ થશે એમ અનુમાન્યું છે - મતિમાં. તેનો લાભ તમને આપવા ઇચ્છું છું; કારણ ઘણા નિકટનાં તમે સંબંધી છો. તે લાભ તમે લેવા ઇચ્છતાં હો, તો બીજી કલમમાં કહ્યા પ્રમાણે જરૂર કરશો એવી આશા રાખું છું. તમે સ્વચ્છતાને બહુ જ ઇચ્છજો. વીતરાગભક્તિને બહુ જ ઇચ્છજો. મારી ભક્તિને સમભાવથી ઇચ્છજો. તમે જે વેળા મારી સંગતિમાં હો તે વેળા સર્વ પ્રકારે મને આનંદ થાય તેમ રહેજો. વિદ્યાભ્યાસી થાઓ. વિદ્યાયુક્ત વિનોદી સંભાષણ મારાથી કરજો. હું તમને યુક્ત બોધ આપીશ. તમે રૂપસંપન્ન, ગુણસંપન્ન અને રિદ્ધિ તેમ જ બુદ્ધિસંપન્ન તેથી થશો. પાછી એ દશા જોઈ હું પરમ પ્રસન્ન થઈશ. (8) મુંબઈ, જેઠ સુદ 11, શુક્ર, 1946 સવારના છ થી આઠ સુધીનો વખત સમાધિયુક્ત ગયો હતો. અખાજીના વિચારો ઘણા સ્વસ્થ ચિત્તથી વાંચ્યા હતા, મનન કર્યા હતા.