________________ પુનર્જન્મનો નિશ્ચય કોઈ અંશે પણ યથાર્થ થતો નથી, અશુદ્ધ ઉપયોગ થવાનું કંઈ પણ નિમિત્ત હોવું જોઈએ. તે નિમિત્ત અનુપૂર્વીએ ચાલ્યાં આવતાં બાહ્યભાવે ગ્રહેલાં કર્મપુદગલ છે. (તે કર્મનું યથાર્થ સ્વરૂપ સૂક્ષ્મતાથી સમજવા જેવું છે. કારણ આત્માને આવી દશા કાંઈ પણ નિમિત્તથી જ હોવી જોઈએ અને તે નિમિત્ત જ્યાં સુધી જે પ્રકારે છે તે પ્રકારે ન સમજાય ત્યાં સુધી જે વાટે જવું છે તે વાટની નિકટતા ન થાય.) જેનું પરિણામ વિપર્યય હોય તેનો પ્રારંભ અશુદ્ધ ઉપયોગ વિના ન થાય, અને અશુદ્ધ ઉપયોગ ભૂતકાળના કંઈ પણ સંલગ્ન વિના ન થાય. વર્તમાનકાળમાંથી આપણે એકેકી પળ બાદ કરતા જઈએ, અને તપાસતા જઈએ, તો પ્રત્યેક પળ ભિન્ન ભિન્ન સ્વરૂપે ગઈ જણાશે. (તે ભિન્ન ભિન્ન થવાનું કારણ કંઈ હોય જ.) એક માણસે એવો દ્રઢ સંકલ્પ કર્યો કે, માવજીવનકાળ સ્ત્રીનું ચિંતવન પણ મારે ન કરવું; છતાં પાંચ પળ ન જાય, અને ચિંતવન થયું તો પછી તેનું કારણ જોઈએ. મને જે શાસ્ત્ર સંબંધી અલ્પ બોધ થયો છે તેથી એમ કહી શકું છું કે, તે પૂર્વકર્મનો કોઈ પણ અંશે ઉદય જોઈએ. કેવા કર્મનો ? તો કહી શકીશ કે, મોહનીય કર્મનો; કઈ તેની પ્રકૃતિનો ? તો કહી શકીશ કે, પુરુષવેદનો. (પુરુષવેદની પંદર પ્રકૃતિ છે.) પુરુષવેદનો ઉદય દ્રઢ સંકલ્પ રોક્યો છતાં થયો તેનું કારણ હવે કહી શકાશે કે, કંઈ ભૂતકાળનું હોવું જોઈએ; અને અનુપૂર્વીએ તેનું સ્વરૂપ વિચારતાં પુનર્જન્મ સિદ્ધ થશે. આ સ્થળે બહુ દ્રષ્ટાંતોથી કહેવાની મારી ઇચ્છા હતી, પણ ધાર્યા કરતાં કહેવું વધી ગયું છે. તેમ આત્માને જે બોધ થયો તે મન યથાર્થ ન જાણી શકે. મનનો બોધ વચન યથાર્થ ન કહી શકે. વચનનો કથનબોધ પણ કલમ લખી ન શકે. આમ હોવાથી અને આ વિષયસંબંધે કેટલાક શૈલીશબ્દો વાપરવાની આવશ્યક્તા હોવાથી અત્યારે અપૂર્ણ ભાગે આ વિષય મૂકી દઉં છું. એ અનુમાનપ્રમાણ કહી ગયો. પ્રત્યક્ષ પ્રમાણ સંબંધી જ્ઞાનીદ્રષ્ટ હશે, તો હવે પછી, વા દર્શનસમય મળ્યો તો ત્યારે કંઈક દર્શાવી શકીશ. આપના ઉપયોગમાં રમી રહ્યું છે, છતાં બે એક વચનો અહીં પ્રસન્નતાર્થે મૂકું છું :1. સર્વ કરતાં આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે. 2. ધર્મવિષય, ગતિ, આગતિ નિશ્ચય છે. 3. જેમ ઉપયોગની શુદ્ધતા તેમ આત્મજ્ઞાન પમાય છે. 4. એ માટે નિર્વિકાર દ્રષ્ટિની અગત્ય છે. 5. ‘પુનર્જન્મ છે? તે યોગથી, શાસ્ત્રથી અને સહજરૂપે અનેક સપુરુષોને સિદ્ધ થયેલ છે. આ કાળમાં એ વિષે અનેક પુરુષોને નિઃશંકતા નથી થતી તેનાં કારણો માત્ર સાત્વિકતાની ન્યૂનત, ત્રિવિધતાપની મર્થના, શ્રી ગોકળચરિત્ર'માં આપે દર્શાવેલી નિર્જનાવસ્થા તેની ખામી, સત્સંગ વિનાનો વાસ, સ્વમાન અને અયથાર્થ દ્રષ્ટિ એ છે. ફરી એ વિષે વિશેષ આપને અનુકૂળ હશે, તો દર્શાવીશ. આથી મને આત્મોન્લલતાનો પરમ લાભ છે. તેથી આપને અનુકૂળ થશે જ. વખત હોય તો બે ચાર વખત આ પત્ર મનન થવાથી મારો કહેલો અલ્પ આશય આપને બહુ દ્રષ્ટિગોચર થશે. શૈલીને માટે થઈને વિસ્તારથી કંઈક લખ્યું છે, છતાં જેવું જોઈએ તેવું સમજાવાયું નથી એમ મારું માનવું છે. પણ હળવે હળવે હું ધારું છું કે, તે આપની પાસે સરળરૂપે મૂકી શકીશ.