________________
યોગસાર
૯૬
પ્રથમ પ્રસ્તાવ અંધકારમાં લોકો પોતાનાં કામો કરી શકતા નથી. તેથી સૂર્યમાં ઉપચાર કરાય છે કે સૂર્ય પ્રકાશ આપવા દ્વારા લોકોને પોતપોતાના કામમાં જોડતો હોવાથી જગતનો ઉપકાર કરે છે, તેમ પરમાત્મા પોતે વીતરાગ હોવાથી અને મુક્તિમાં ગયેલા હોવાથી કોઈના પણ કાર્યમાં પોતે જોડાતા નથી, તો પણ તેમના જણાવેલા માર્ગે ચાલનારનું અવશ્ય કલ્યાણ થાય જ છે. તેથી પરમાત્મા કલ્યાણ કરનારા, રાગ-દ્વેષને જીતાડનારા, તારનારા, બોધ પમાડનારા અને મોક્ષે લઈ જનારા છે. આમ કહેવાય છે. આવા પ્રકારનો પ્રભુમાં ઉપચાર કરાય છે. આ વાત શાંત ચિત્તે વિચારજો .
તેઓ પ્રત્યેના ભક્તિરાગથી અને તેઓની આજ્ઞાના પાલનથી ઉત્તમ સાધક આત્માઓનું અવશ્ય કલ્યાણ થાય છે. તેથી પ્રભુમાં કલ્યાણ કરનારા તરીકેનો ઉપચાર કરાય છે અને પ્રભુ વીતરાગ હોવાથી કોઈના કાર્યમાં જોડાતા ન હોવા છતાં તેમના પ્રત્યેનો હૃદયગત અહોભાવ જ કાર્યકારી બનવાથી તેઓમાં કરૂણાના સાગર છો, આમ ઉપચાર કરાય છે. પરમાત્મા પોતે કરૂણા અને કઠોરતા આમ બન્ને ભાવોથી પર છે, તો પણ તેઓના આશ્રયથી ભક્તવર્ગનું કલ્યાણ થાય છે. તેથી તેઓમાં કરૂણાના સાગરનો ઉપચાર કરાય છે. જેમ સૂર્ય પુષ્પોને વિકસિત કરવા માટે ઉગતો નથી, લોકોને કામ ધંધામાં જોડવા માટે ઉગતો નથી, પોતે તો પોતાના ભ્રમણ સ્વભાવથી જ આકાશમાં ફરે છે. એટલે ઊગે છે અને આથમે છે. પરંતુ તે સૂર્યને ઉગતો જોઈને કમલો વિકસે છે, લોકો ઉઠે છે, લોકો પોતપોતાના કાર્યમાં જોડાય છે. તેથી સૂર્યમાં ઉપચાર કરાય છે કે સૂર્ય પુષ્પોને વિકસાવે છે, લોકોને ઉઠાડે છે અને લોકોને કાર્યમાં જોડે છે. તેની જેમ અહીં પણ સમજવું. પરમાત્મા અલિપ્ત જ છે, તે આવા કાર્યો કરવામાં સ્વયં જોડાતા નથી, પરંતુ પ્રભુનું સ્મરણશરણ લેવાથી ભક્તનાં કામો થાય છે, એટલે જાણે પ્રભુએ કાર્ય કર્યું છે, આવો ઉપચાર માત્ર જ થાય છે.