________________
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ
૯૭
પરમાત્મા તેરમા ગુણઠાણે જ્યારે હોય છે ત્યારે પણ વીતરાગ છે, એટલે પોતાની રીતે કોઈના પણ કાર્યમાં તેઓશ્રી જોડાતા નથી તથા કોઈના પણ ઉપ૨ કરૂણા કે કઠોરતા, લાગણી કે ક્રુરતા કરતા નથી. તેઓની સેવા કરે કે તેઓને ઉપસર્ગ કરે તે બન્ને ઉ૫૨ પ્રભુ સદા સમભાવવાળા જ હોય છે. પરંતુ તીર્થંકર નામકર્મનો ઉદય હોવાથી અને તે કર્મ તે ભાવે જ બાંધેલું છે અને હાલ ઉદયમાં આવેલું છે, તેથી તે કર્મના ઉદયની પરવશતાના કારણે જ વ્યાખ્યાનાદિ આપે છે. સંઘની સ્થાપના કરે છે. લોકોને ધર્મમાર્ગમાં જોડે છે, પણ કરૂણાથી અંજાઈને કરે છે, આવો અર્થ ન કરવો. એટલે તેઓશ્રી તીર્થંકર નામકર્મના ઉદયથી જગતના હિતમાં પ્રવર્તે છે. આ પ્રવૃત્તિથી જગતના જીવોનું ઘણું ઘણું કલ્યાણ થાય છે અને પોતાનું તીર્થંકરનામકર્મ ખપે છે. તેથી જગતના જીવોની અપેક્ષાએ કરૂણાના સાગર કહેવાય છે. આ વાતને બરાબર સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ.
જો ભગવાન પોતે જગતના જીવો ઉપર કરૂણાવાળા થઈને જગતના જીવોના કલ્યાણના કામોમાં જોડાતા હોય તો જૈનોના ઈશ્વરમાં અને અન્ય ધર્મના માનેલા ઈશ્વરમાં કંઈ ફરક રહેતો નથી. આ વાતને તત્ત્વજ્ઞ પુરુષોએ સૂક્ષ્મ બુદ્ધિથી જરૂર વિચારવી. ઉપચરિત વાક્યને તથ્ય વાક્ય ન બનાવી દેવું. ॥૪॥
આ પ્રમાણે ચિરંતનાચાર્ય વિરચિત શ્રી યોગસાર નામના ગ્રંથમાં પ્રથમ પ્રસ્તાવનું ગુજરાતી વિવેચન સમાપ્ત થયું.
f f f