________________
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ ભાવાર્થ :- આજ સુધી મોક્ષમાં અનંતા જીવો ગયા છે અને અનંતા જીવો જશે. તે સઘળા દ્રવ્યપણે ભિન્ન ભિન્ન હોવા છતાં પણ પ્રગટ થયેલા સ્વરૂપની અપેક્ષાએ સમાન છે. આ જ વાત ગ્રન્થકારશ્રી એક દૃષ્ટાન્તથી સમજાવે છે કે –
સુવર્ણના બનાવેલા હાર-કુંડલ-બંગડી-વીંટી વિગેરે અનેક પ્રકારના દાગીનાઓમાં તે તે અલંકારરૂપે જુદા જુદા હોવા છતાં પણ “સુવર્ણપણે” સર્વત્ર સમાન જ છે. આંગળીમાં પહેરાતી વીંટી કાંડે પહેરાતી નથી અને કાંડે પહેરાતી બંગડી કંઈ આંગળીએ પહેરાતી નથી. તેથી તે બન્ને વસ્તુઓ જુદી જુદી છે. યથાસ્થાને જ કામ આવે છે તો પણ તે સઘળી પણ સોનાની વસ્તુઓ સુવર્ણરૂપે સમાન જ છે. સુવર્ણપણે જોઈશું તો તુલ્ય જ દેખાશે. અનંત એવા સિદ્ધ ભગવંતોમાં રહેલી સિદ્ધતા એક સરખી સમાન હોવાથી એક જ છે.
વ્યક્તિ અપેક્ષાએ સિદ્ધતા ભિન્ન ભિન્ન હોવા છતાં પણ મૂલ સ્વરૂપની અપેક્ષાએ સમાન છે અર્થાત એક છે તથા જયાં એક સિદ્ધ પરમાત્મા રહેલા છે, ત્યાં જ સમાવગાહીપણે અને વિષમાવગાહીપણે પણ અનંત-અનંત સિદ્ધ ભગવંતો રહેલા છે. આમ વ્યક્તિ અપેક્ષાએ ભિન્ન ભિન્ન હોવા છતાં પણ સ્વરૂપની અપેક્ષાએ બધા જ સિદ્ધ ભગવંતો એકરૂપવાળા છે, સારાંશ કે તે એક જ છે.
એક સિદ્ધ પરમાત્મામાં જેવા અનંત કેવલજ્ઞાન, અનંત કેવલદર્શન, ક્ષાયિક સમ્યક્ત, અનંત વીર્ય, અનંત ચારિત્ર, અનંત આત્મગુણોનો આનંદ, અવ્યાબાધ સુખ, અક્ષયસ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુ, અનંત દાનાદિ ગુણો વર્તે છે તેવા સર્વે પણ ગુણો અનંત સિદ્ધ પરમાત્મામાં પણ સમાનપણે જ વર્તે છે. તેથી ગુણોની અપેક્ષાએ તુલ્ય હોવાથી તે અનંત સિદ્ધ ભગવંતો પણ એકરૂપ-એક સ્વરૂપ