________________
યોગસાર
૩૪૬
પંચમ પ્રસ્તાવ પાંચે પ્રસ્તાવોમાં દેવતત્ત્વ-ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વનું સાચું સ્વરૂપ જણાવ્યું છે. આ દેવ-ગુરુ અને ધર્મ આ ત્રણે તત્ત્વો એ સાચી સાધનાના ઉપાયો છે. તે ત્રણે તત્ત્વોનું ચિંતન-મનન કરવાથી કુદેવ-કુગુરુ અને કુધર્મથી અલગ રહીને યથાર્થ માર્ગ હાથ લાગવાથી સાધક એવા આ જીવનું ચિત્ત અતિશય નિર્મળ બને છે અને નિર્મળ રહે છે. કષાયોના આવેશો ઘટતા જાય છે. રાગદશામાંથી આ જીવ વૈરાગ્યવાસિત દશામાં આવે છે અને તે વૈરાગ્યવાસિત દશામાંથી વીતરાગતાવાળી અવસ્થા તરફ જાય છે.
ધીરે ધીરે મોહદશા નબળી પડતાં કષાયોને જીતીને આ જીવ સમતાના સાગરમાં સ્નાન કરનારો બની જાય છે. નિરંતર સમતાના તીવ્ર સંસ્કારો પડવાથી ચિત્ત ચંચળ બનતું અટકી જાય છે. ચિત્ત અત્યંત સ્થિર બને છે. તેના દ્વારા રાગ-દ્વેષ, કામ-ક્રોધ, વિકાર-વાસના, આવા પ્રકારના હૃદ્ધોનો (જોડકાંઓનો) મૂળથી નાશ કરે છે. જ્ઞાનાચારદર્શનાચાર-ચારિત્રાચાર આદિ પાંચ પ્રકારના આચારોનું નિરંતર સેવન કરવાથી પોતાના ચારિત્રપાલનમાં, ધ્યાનદશામાં અને સમાધિદશામાં સ્થિરતા વધે છે.
આ પ્રમાણે ગુણોનો અભ્યાસ થતાં અને દોષોનો હ્રાસ થતાં આ જીવની ગુણસ્થાનકો ઉપર ચઢતી થાય છે. તેનાથી આ આત્મા વધારે ને વધારે આત્મવિકાસ સાધવામાં સફળ બનતો જાય છે. પ્રતિકૂળ સંજોગોને પણ અનુકૂળ સમજીને પોતાના આત્મગુણો ઉઘાડવાનો જ માત્ર પ્રયત્ન કરે છે. આવી દશામાં આવેલો આ જીવ કોઈ જીવમાં કે કોઈ અજીવ વસ્તુમાં ક્યારેય અંજાતો નથી. આવા પ્રકારની નિર્વિકારી દશામાં જ આગળ વધતાં કેવળજ્ઞાની બને છે. આ રીતે પોતે પવિત્ર જીવન જીવનારા અને સર્વ જીવોને તેવો જ ઉપદેશ આપનારા અને સર્વ જીવોનું હિત ઇચ્છનારા તથા કષાયાદિ વિકારો વિનાના બનીને આ મહાત્મા આ સંસાર સાગરને તરે છે.