________________
૩૪૭
યોગસાર
પંચમ પ્રસ્તાવ જ્યાં જાય ત્યાં કેવળ તત્ત્વનો જ ઉપદેશ આપે છે. ક્યારેય વિકાર કે વાસનાભરી મોહજનક વાતોમાં જોડાતા નથી. કારણ કે પોતે જ ક્ષીણમોહી છે. આ રીતે પવિત્ર વિચારો. પવિત્ર વાણી અને પવિત્ર વર્તન દ્વારા મોદાદિ દોષોનો નાશ કરીને નિર્મળ મનવાળા બને છે અને સદાને માટે કામવિકારો અને અર્થના વિકારોથી વિમુખ બને છે. પાંચ ઇન્દ્રિયોનાં સુખો તે કામવિકારો છે અને તેના સાધનભૂત પૈસાનું ઉપાર્જન કરવું, તે અર્થના વિકારો છે. આ બન્ને પ્રકારના વિકારોથી આ આત્મા રહિત બને છે.
કામ અને અર્થના વિકારો રહિત બનવાથી આચારપાલન ઘણું જ ઉંચી કોટિનું અને પરમ પવિત્ર બની જાય છે. આ રીતે પંચાચારના પાલનથી પરમ પવિત્ર બનેલા મુનિ મહારાજા પોતાના પવિત્ર જીવન દ્વારા અને પવિત્ર વાણી દ્વારા હિતકારક એવો ધર્મોપદેશ આપવા દ્વારા સૌ જીવોને પરમાનંદદાયક બને છે અને પોતે સર્વ જીવરાશિ પ્રત્યે હિતાશયના પરિણામવાળા બને છે. મનમાંથી કષાયોને સર્વથા દૂર કરવા અને ઉત્તમ એવી સમભાવદશામાં આવવું એ જ શ્રેષ્ઠ ચારિત્ર કહેવાય છે. આવા ચારિત્ર પાલનમાં નિત્ય આનંદ કરતા મુનિમાં આત્મ ઉલ્લાસની વૃદ્ધિ થાય છે. પોતાના આત્માના નિર્મળ ગુણો પ્રગટ કરે છે અને તે ગુણોના અનુભવમાં જ આનંદનો અનુભવ કરે છે. ગુણમય જીવન બનવાથી સમતાસુખના અમૃતના આસ્વાદી બને છે. સમતાના સુખની વૃદ્ધિ થાય છે. વિભાવદશા તો ક્યાંય દુર ભાગી જાય છે. આ રીતે આ મહાત્મા આત્મકલ્યાણની શ્રેણીમાં આગળ વધી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સ્વ-પરનું કલ્યાણ કરતા કરતા ભૂમિ ઉપર વિચરી બાકીનું આયુષ્ય પૂર્ણ કરી દેહનો ત્યાગ કરી એક જ સમયની સમશ્રેણીથી અવ્યાબાધ સુખના ભોક્તા બને છે. ll૪૮