________________
યોગસાર
પંચમ પ્રસ્તાવ
૩૩૯
આ રીતે પાપોના કારણે આ ભવમાં અને પરલોકમાં પણ આ જીવ દુઃખ-સંતાપ-શોક આદિ અનેક પ્રકારની યાતનાઓ પામે છે. રડતાં રડતાં દિવસો પસાર કરે છે. છેવટે તેમાં ક્યારેય સુખપ્રાપ્તિ થતી જ નથી અને કદાચ થાય તો પણ ઘડી-બેઘડી પૂરતી જ અને તેના પાછળ તેના ઉપભોગથી આવનારૂં દુ:ખ તો અપાર હોય છે. તેના કારણે આ સુખ એ સુખ કહેવાતું જ નથી. હે જીવ ! તું પોતે જ વિચાર કર કે જ્યાં લાખ રૂપિયાની કિંમતનો દાગીનો આપવો પડે અને બદલામાં માત્ર ૧૦૦ રૂપિયા જ મળે તો તેને સુખ કહેવાય કે દુઃખ જ કહેવાય! સંસારનું સુખ આવા પ્રકારનું છે. ૪૩॥
दुःखितानखिलाञ्जन्तुन् पश्यतीह यथा यथा । तथा तथा भवस्यास्य विशुद्धात्मा विरज्यति ॥ ४४ ॥
ગાથાર્થ - આ રીતે નિર્મળ આત્મા જેમ જેમ જગતના સર્વ જીવોને દુ:ખી દુ:ખી દેખે છે, તેમ તેમ તેનો વૈરાગ્ય વિશેષ વૃદ્ધિ પામે 8.118811
વિવેચન - આ સંસાર દુઃખમય છે. દુઃખ ફળને આપનારો છે અને દુઃખોની પરંપરાને જ સર્જનારો છે. આવું જ્ઞાની ભગવંતોએ તો આગમોમાં કહ્યું જ છે. પરંતુ ઉપર સમજાવ્યા પ્રમાણે જ્યારે આ જીવ પોતે તત્ત્વજ્ઞાની બને છે, ત્યારે તેને પોતાને પણ આ વાત બરાબર સમજાય જ છે કે અનાદિકાળથી જીવો ચાર ગતિરૂપ સંસારમાં ભટકતા ભટકતા જન્મ-જરા-મરણ-રોગ-શોક અને ઉદ્વેગ આદિ અપાર દુ:ખોને પામ્યા છે અને પામે છે. તે જાણીને તથા પોતાની આંખે પ્રત્યક્ષ નજરે નિહાળીને આત્માર્થી આત્માનું હૃદય દ્રવ્ય કરૂણા અને ભાવકરૂણા એમ બન્ને પ્રકારની કરૂણાના રસથી છલકાઈ જાય છે.