________________
૩૩૮ પંચમ પ્રસ્તાવ
યોગસાર કારણ કે વિષયોથી જે સુખ પ્રાપ્ત થાય છે, તે આત્માથી ભિન્ન એવું પુદ્ગલ દ્રવ્ય છે અર્થાત્ પરદ્રવ્ય છે અને તે પરદ્રવ્યના યોગે આ જીવ તેમાં સુખબુદ્ધિ કરે છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અનુકુળ વર્ણગંધ-રસ-સ્પર્શ અને શબ્દ હોય તેને જ આ જીવ સુખ માની લે છે. પરંતુ તે વાત આ જીવ ભૂલી જાય છે કે વર્ણ-ગંધ-રસ-સ્પર્શ સારા મનગમતા હોય, એમ બને પણ તે પરદ્રવ્ય છે. આ આપણા આત્માનું દ્રવ્ય નથી, માટે તેમાં મોહ કરવો નિરર્થક છે. જેમ ગમે તેટલી રૂપવતી અને સુંદર દેખાવડી સ્ત્રી હોય, મનોહર હાવભાવવાળી હોય તો પણ તે પરની સ્ત્રી હોય તો ત્યાં મોહ કરવો ઉચિત નથી, તેમાં શિક્ષા જ પ્રાપ્ત થાય. તેમ મોહક એવા પણ પુદ્ગલદ્રવ્યમાં પ્રેમ કેમ કરાય ? ત્યાં શિક્ષા જ થાય.
તેવી જ રીતે પુદ્ગલદ્રવ્ય એ પરદ્રવ્ય છે. કોઈપણ કાર્યમાં તેનો સાધનભાવે નિર્મોહીપણે ઉપયોગ કરાય, પરંતુ પારદ્રવ્ય હોવાથી મોહ ન કરાય, તેમ અહીં પણ સમજી લેવું.
ખરેખર તો ભભકાદાર વર્ણાદિવાળું જે દ્રવ્ય છે, તે પુદ્ગલ દ્રવ્ય હોવાથી તે જીવ ! તારૂં છે જ નહીં, પછી તેમાં આટલી બધી મોહાંધતા શા માટે ? ગુણોની રમણતા રૂપ જે સુખ છે, તે જ આત્માનો ગુણ છે. બાકી પૌદ્ગલિક મનોહરતામાં જે સુખ બુદ્ધિ થાય છે તે તો સાતા વેદનીયકર્મના ઉદયથી અને મોહનીયકર્મના ઉદયથી થાય છે. હે આત્મા ! આ વિષયજન્ય સુખ એ તારું સ્વરૂપ જ નથી. સ્વગુણોની રમણતાનું સુખ એ તારૂં સ્વરૂપ છે. માટે ભૌતિક સુખ મેળવવા માટે ધન-સ્ત્રી અને સંપત્તિનો તું સંગ્રહ કરે છે અને તેની વિશેષ વિશેષ પ્રાપ્તિ થાય એટલા માટે ખેતી-નોકરી-વેપાર અને યુદ્ધાદિ તું ખેલે છે. તેના માટે તું હિંસાદિનું સેવન કરે છે અને તેનાથી અઢારે પાપસ્થાનકો સેવવાં પડે છે.