________________
યોગસાર
૩૨૦
પંચમ પ્રસ્તાવ દુ:ખ પણ મહામહોત્સવ જેવું સુખકારી લાગે છે. આવું દુ:ખ સહન કરનારો જીવ વિચારે છે કે ઉપસર્ગો કે પરીષહો સહન કરવામાં આવતું જે દુઃખ છે, તે અલ્પકાલીન જ રહેવાવાળું છે. પરંતુ તેને જો સમભાવપૂર્વક સહન કરીને કર્મોની નિર્જરા કરવામાં આવે તો તેનાથી પ્રાપ્ત થતું સુખ અનંતકાળ રહેનાર છે.
જેમ પરમાત્માશ્રી મહાવીર પ્રભુએ તેઓની ૩૦ થી ૪૨ વર્ષની ઉંમરમાં ઘણા ઉપસર્ગો અને પરીષહો સહન કર્યા અને તે પણ અવર્ણનીય સહન કર્યા, તો પણ ૧૨ા વર્ષ માત્ર જ અને તેનાથી પ્રાપ્ત કરેલા કેવલજ્ઞાનાદિ ગુણોનો આનંદ જે છે, તે અનંતકાલ રહે તેવો છે. તેથી તેઓને આ દુ:ખ પણ સુખરૂપ લાગે છે. ભોગી જીવની બુદ્ધિ ભોગ તરફ જ હોવાથી તેને થોડું દુ:ખ પણ ઘણું લાગે છે. જ્યારે ઉત્તમ આત્માઓ થોડું દુઃખ સહન કરીને પણ અનંતકાળના સુખને લેવા તલસે છે.
જેમ યુદ્ધમાં કાયર માણસ તલવાર આદિ શસ્ત્રોને જોઈને જ અતિશય ભય પામીને ભાગી જાય છે. જયારે અન્ય શુરવીર માણસો યુદ્ધના મેદાનમાં ઉતર્યા છતાં કદાચ શસ્ત્રોથી હણાય. અરે કદાચ મૃત્યુ થઈ જાય તો પણ મહોત્સવ જેવું માનીને આનંદ માને છે.
તેવી જ રીતે કોઈક કાયર સાધુ ઉપસર્ગ-પરીષહની વાત સાંભળીને તેના ભયથી ધ્રુજે છે. જયારે બીજો શૂરવીર સંયમી સાધુ ગજસુકુમાલ મુનિ-ખંધક મુનિ-મહાવીર પ્રભુ તથા સુકોશલ મુનિ આદિની જેમ મરણ આવી જાય તેવાં કષ્ટો સહન કરવા છતાં તેનાથી પ્રાપ્ત થનારા અનંત અને અપરિમિત આત્મસુખથી ઘણો જ આનંદ માનનારા હોય છે. એટલું જ નહીં પણ આવા પ્રકારના દુ:ખના સંવેદનમાં પણ સમતારસમાં ઝુલનાર હોય છે. આ દુ:ખને પણ અનંત સુખ અપાવનાર હોવાથી સુખ જ માને છે. ૩૧//