________________
૩૧૨ પંચમ પ્રસ્તાવ
યોગસાર હોય અને જો તપ આચરવામાં તત્પર બન્યું હોય તો હજુ પણ કંઈ ગુમાવ્યું નથી (અર્થાત્ બાજી તું સુધારી શકે છે.) /રપી.
વિવેચન - પાંચ ઇન્દ્રિયોના વિષયો વિષમ-ભયંકર છે. આ વાત શાસ્ત્રો દ્વારા જાણીતી છે. જ્ઞાનસારાષ્ટક (૭-૭)માં પૂજય ઉપાધ્યાયજી મહારાજશ્રી યશોવિજયજીએ કહ્યું છે કે -
સ્પર્શમાં હાથી, રસમાં માછલુ, ગંધમાં ભમરો, રૂપમાં પતંગીયું અને શબ્દમાં હરણ આસક્ત થયું છતું મૃત્યુ પામે છે. આ બધા એકએક ઇન્દ્રિયના વિષયની આસક્તિથી મૃત્યુ પામે છે તો જેને પાંચે ઇન્દ્રિયો ઉપર કાબુ ગુમાવ્યો છે તેનું તો પૂછવું જ શું?
જો ઉપર કહેલા જીવો એક વિષયમાં આસક્ત થયા છતાં મૃત્યુને જ વર્યા છે, તો તું પાંચ વિષયોમાં આસક્ત થયો છતો અનંત અને અપાર એવા સંસારસમુદ્રમાં ડૂબી જઈશ. તેથી હે જીવ ! તું કંઈક વિચાર કર. વિચાર કર. આ બાજી ફરીવાર મળવી મુશ્કેલ છે.
વળી તારો મૃત્યુ સમય પણ ઉપસ્થિત થતો જાય છે. કોણ જાણે તું આ ભવમાં કેટલું જીવીશ ? ક્યારે આ બાજી સંકેલાઈ જશે અને અન્ય ગતિમાં ધકેલાઈ જઈશ. માટે થોડીક ઉતાવળ કર. આટલું આટલું સમજાવવા છતાં પણ તારું મન મનગમતા ઇન્દ્રિયોના વિષયોમાં કેમ મ્હાલે છે? શાસ્ત્રીય જ્ઞાન અને મહાત્મા પુરુષોનાં વચનોરૂપી અંકુશ વડે મનને કબજે કરીને તું વિષયોથી વિરક્ત બન, વિષયોનો ત્યાગી બન.
વિષયોથી વિરક્ત બનીને પૂર્વબદ્ધ કર્મ ખપાવવા માટે તથા ઇન્દ્રિયોની ચંચળતા રોકવા માટે બાહ્ય-અભ્યતર તપમાં જોડાઈ જા, અને તેમાં તારો પ્રબળ પુરુષાર્થ ફોરવવા દ્વારા તારા મનને ઉત્સાહિત અને પ્રભાવિત કર. જેનાથી તારૂં બાકી રહેલું માનવ જીવન સફળ થઈ જાય. અંતે મરણ સુધરી જાય. જો તન અને મનને ગુણોની સાધનામાં જોડીશ તો ભવ સુધરી જશે.