________________
પંચમ પ્રસ્તાવ
યોગસાર
વિવેચન – જેમના પિતાશ્રી પુત્રસ્નેહથી દેવલોકમાંથી ૯૯ પેટીઓ રત્નો-દાગીના અને વસ્ત્રોની ભરેલી મોકલતા હતા. એવા શ્રેષ્ઠ પુણ્યશાળી શ્રી શાલિભદ્ર શેઠ જૈન શાસનમાં બહુ જ જાણીતા છે. ધન્ના અને શાલિભદ્ર એમ સાળા-બનેવીની જોડી કહેવાતી હતી. શાલિભદ્રજીની બહેનનો વિવાહ ધન્નાજી સાથે થયો હતો. તે શાલિભદ્રજીની ઋદ્ધિ-સિદ્ધિ લોકોને આશ્ચર્ય પમાડે તેવી હતી. ખુદ શ્રેણિક મહારાજા પણ તેમની સંપત્તિની વાત સાંભળીને આશ્ચર્ય પામ્યા હતા અને તેઓને પણ શાલિભદ્રની ઋદ્ધિ જોવાનું મન થયું હતું. આવા પ્રકારની દેવ જેવી ઋદ્ધિ-સિદ્ધિને શાલિભદ્રજી પૂર્વે કરેલા પુણ્યના ઉદયથી ભોગવતા હતા.
૩૧૦
આવી સુખ-સંપત્તિનો પણ ત્યાગ કરીને પરમાત્મા શ્રી મહાવીરદેવ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું અને પોતાની સુકોમળ કાયા હોવા છતાં પણ ઉગ્ર તપ કરવા માંડ્યું. સાળા અને બનેવી એમ બન્નેએ સાથે વૈભારગિરિવર ઉપર આપણી કલ્પનામાં પણ ન આવે તેવું તપ આદર્યું, અગ્નિ જેવી અત્યંત તપેલી શીલા ઉપર અનશન આદર્યું.
માખણ જેવી અતિશય સુકોમળ કાયા પીગળવા છતાં વિશુદ્ધ અને અતિશય નિર્મળ પરિણામવાળા શાલિભદ્ર મુનિ જરા પણ ડગ્યા નહીં, બલ્કે સમતાભાવપૂર્વક દેહનો ત્યાગ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. આવા પ્રકારના ત્યાગી-તપસ્વી-વૈરાગી એવા મુનિનું ધ્યાન કરતા કરતા આપણામાં તેવા તપ-ત્યાગ અને વૈરાગ્યાદિ ગુણો આવે એવી ભાવના ભાવવી.
ઉચ્ચ પ્રકારના ત્યાગ-તપ અને વૈરાગ્યાદિ ગુણોની પ્રાપ્તિ કરવા માટે સાધક આત્માઓએ આવા ઉત્તમ તપસ્વી શાલિભદ્ર જેવા મુનિ મહાત્માઓના જીવનનું ધ્યાન કરવું. જેથી આપણી પણ આહારાદિ ઉપરની મમતા કંઈક માત્રાએ ઓછી થાય. કંઈક અંશે પણ તેમના ગુણો આપણામાં આવે. ।।૨૩।