________________
૩૦૫
યોગસાર
પંચમ પ્રસ્તાવ દોષો હિંસા-જૂઠ-અબ્રહ્મ આદિ દોષોને અને ક્રોધાદિ કષાયોને લાવે લાવે ને લાવે જ છે. એટલે જ્યાં સુધી આ જીવનમાં માયા-કપટભાવ છે, ત્યાં સુધી આ જીવ વાસ્તવિકપણે ધર્મ પામી શકતો નથી.
કદાચ જીવનમાં બાહ્ય ક્રિયા વ્યવહાર આવી જાય, પરંતુ કર્મોની નિર્જરા કરે એવા આત્મધર્મની વાસ્તવિકપણે પ્રાપ્તિ થાય એવું બનતું નથી. એટલે માયા એ અધર્મનું મૂલ છે. માયાની જેટલી વૃદ્ધિ એટલી અધર્મભાવની વૃદ્ધિ જાણવી અને ધર્મભાવની હાનિ જાણવી તથા ધર્મભાવનું કારણ સરળતા-કોમળતા જાણવી. જેટલી સરળતાની વૃદ્ધિ તેટલી ધર્મની વૃદ્ધિ સમજવી.
આ જીવનમાં જેટલા અંશે સરળતાની વૃદ્ધિ થાય, તેટલા અંશે ધર્મની વૃદ્ધિ જાણવી. સરળતા ગુણ આવે ત્યારથી જ ધર્મનો પ્રારંભ થાય છે. જ્યાં સુધી આ જીવમાં સરળતા-નિષ્કપટભાવ પેદા થતો નથી, અને વક્રતા વર્તે છે ત્યાં સુધી ધર્મની પ્રાપ્તિ થતી નથી. એટલે સરળતા એ ધર્મપ્રાપ્તિનું પ્રથમ સોપાન છે. સારાંશ કે આત્મતત્ત્વના સાધક પ્રત્યેક આત્માએ પોતાના જીવનમાં વક્રતાનો-માયાનો ત્યાગ કરીને સરળતા-ઋજુતા લાવવી જ જોઈએ અને તે દોષ તજવા તથા તે ગુણ લાવવા દરેક સાધકે પ્રથમ પ્રયાસ કરવો જોઈએ.
વક્રતાથી કદાચ સંસારી કોઈ અર્થલાભ-કામસુખનો લાભ થઈ જાય છે, પરંતુ આત્મધન ખોવાઈ જાય છે. આત્માના ગુણોનો વિકાસ થતો નથી. લોકવ્યવહારમાં પણ અને લોકોત્તર માર્ગમાં પણ સરળ સ્વભાવી-સજ્જન માણસ પૂજાય છે. આદરણીય બને છે. સર્વ લોકોને વિશ્વાસનું સ્થાન બને છે અને પોતે પણ સરળ સ્વભાવી હોવાથી કોઈપણ જાતનું જૂઠ કે માયાનું પાપ કર્યું ન હોવાથી નિર્ભય રહ્યો છતો ચિંતા આદિ દોષોથી મુક્ત બનીને ઉજવળ જીવન જીવી શકે છે.